Select Page

હર્ષદભાઈ બારોટને યુગાન્ડા દેશની સરકારનુ સર્વોચ્ચ સન્માન

હર્ષદભાઈ બારોટને યુગાન્ડા દેશની સરકારનુ સર્વોચ્ચ સન્માન

નોકરીનુ સર્જન, સમુદાયોને પુનર્જીવિત કરવા સાથે સામાજીક કાર્યો કરવા બદલ

આફ્રિકન દેશ યુગાન્ડાના વિજય દિવસની ઉજવણી દરમ્યાન વિસનગરના વતની હર્ષદભાઈ બારોટને ડિસ્ટિંગ્વિશ્ડ ઓર્ડર ઓફ ધ ક્રેસ્ટેન ક્રેન(ગ્રાન્ડ ઓફીસર)થી સન્માનિત કરવામાં આવ્યા હતા. યુગાન્ડા દેશની સરકાર દ્વારા આ સન્માન મેળવી હર્ષદભાઈ બારોટ ગુજરાત સહિત ભારત દેશનુ ગૌરવ વધાર્યુ છે.
વિસનગર ગુંદીખાડ બ્રહ્મભટ્ટ સમાજના હર્ષદભાઈ મગનભાઈ બારોટ વર્ષ ૧૯૯૩ માં આફ્રિકન દેશ યુગાન્ડામાં સ્થાયી થયા હતા. જેમણે ૧૫૦ ડોલરની સાધારણ મુડી સાથે ઘેર ઘેર ફેરી કરીને ધંધાની શરૂઆત કરી હતી. અગાઉ યુકે અને ત્યારબાદ યુગાન્ડામાં પુરો વિશ્વાસ મક્કમતાથી આગળ વધી કન્સ્ટ્રક્શન ક્ષેત્રે તિરૂપતિ ગૃપ ઓફ કંપનીઝની સ્થાપના કરી જેમણે અનેક કોમર્શિયલ તેમજ ઈન્ડસ્ટ્રીયલ સફળ સ્કીમોનુ સર્જન કર્યુ.
હર્ષદભાઈ બારોટ ખુબજ ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થઈને આગળ વધ્યા હોવાથી તેમનુ ધ્યેય ફક્ત વ્યવસાયીક નફાનુ નહી પરંતુ અલ્પ વિકસીત યુગાન્ડા દેશને સહયોગ આપવાનુ હતુ. જેમનુ આર્થિક સશક્તિકરણ, રોજગાર સર્જન અને સામાજીક ઉત્થાન યુગાન્ડા દેશની પ્રગતિમાં મહત્વનુ હતુ. ૨૦૧૯ માં હર્ષદભાઈ બારોટે તેમની માતા લીલાબાના નામે લીલા ફાઉન્ડેશનની સ્થાપના કરી. આ એન.જી.ઓ. દ્વારા કમ્પાલામાં ૩૦૦ ઉપરાંત્ત નિઃસહાય સિનિયર સિટિઝન્સને કરિયાણાની કીટ, વંચિત બાળકો તથા યુવાનોને શૈક્ષણિક સ્પોન્સરશીપ તેમજ મહિલાઓ અને ઉદ્યોગસાહસિકો માટે સશક્તિકરણ કાર્યક્રમો કરાય છે. હર્ષદભાઈ બારોટ પોતે આર્થિક સક્ષમ થયા પરંતુ તેમનો પરગજુ સ્વભાવ અને ઉદારદીલ ભાવનાએ યુગાન્ડા દેશને પણ સક્ષમ કરવા મહત્વનુ યોગદાન આવ્યુ. જેમની આ સેવાઓના કદરરૂપે ૨૬ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ કમ્પાલાના કાલોલો સેરેમોનીયલ ગ્રાઉન્ડ ખાતે વિજય દિવસની ઉજવણી દરમ્યાન દેશના રાષ્ટ્રપતિ યોવેરી કાગુતા મુસેવેતીની હાજરીમાં ડિસ્ટિંગ્વિશ્ડ ઓર્ડર ઓફ ધી ક્રેસ્ટેડ ક્રેન (ગ્રાન્ડ ઓફીસર) થી સન્માન કરવામાં આવ્યુ હતુ. યુગાન્ડાના વિકાસમાં અસાધારણ યોગદાન આપનાર વિદેશી નાગરિકો માટે દુર્લભ સન્માન છે. યુગાન્ડાના ઈતિહાસમાં પ્રથમ વખત સિવિલીયનને આ સન્માન મળ્યુ છે. હર્ષદભાઈ બારોટે યુગાન્ડા દેશનું સર્વોચ્ચ સન્માન મેળવી બ્રહ્મભટ્ટ સમાજ સાથે સમગ્ર દેશનુ ગૌરવ વધાર્યુ છે.