Select Page

રૂા. ૪ કરોડના ખર્ચે કરેલો વિકાસ જાળવી શક્યા નહી પાલિકાની ઉદાસીનતાથી પીંડારીયાની બદ્‌તર હાલત

રૂા. ૪ કરોડના ખર્ચે કરેલો વિકાસ જાળવી શક્યા નહી પાલિકાની ઉદાસીનતાથી પીંડારીયાની બદ્‌તર હાલત

આગવી ઓળખની રૂા.૪ કરોડની ગ્રાન્ટમાથી વિસનગરના પીંડારીયા તળાવનુ નવીનીકરણ કરવામાં આવતા શહેરનુ હરવા ફરવાનુ સ્થળ બની રહેશે તેવી ધારણા હતી. પરંતુ પાલિકાતંત્રની ઉદાસીનતાથી માતબર ગ્રાન્ટનો ખર્ચ માથે પડ્યો છે. અને તળાવની પહેલા કરતા પણ બદ્‌તર હાલત થઈ છે. તળાવની પાળ તુટી જતા ભયજનક સ્થિતિ છે. ચાર વર્ષથી તુટી ગયેલી ગાયની પ્રતિમા પણ પાલિકા બનાવી શક્તી નથી. વિકાસ પામેલ તળાવની જાળવણી નહી કરી શક્તા પાલિકાના વહિવટને લઈને લોકોમા ભારે નારાજગી જોવા મળી રહી છે.
હરવા ફરવાનુ નવુ સ્થળ બનાવવાની આવડત નથી,
જ્યારે જે છે તે સાચવી શક્તા નથી
ગુજરાત સરકાર દ્વારા આગવી ઓળખ માટે વિસનગર પાલિકાને રૂા.૪ કરોડની ગ્રાન્ટ ફળવાતા વિકાસ મંચ અને કોંગ્રેસના શાસનમાં શહેરના ઐતિહાસિક પીંડારીયા તળાવનુ નવિનિકરણ કરવામાં આવ્યુ હતુ. જેનું તા. ૧૦-૭-૨૦૨૧ના રોજ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યુ હતુ. સુંદર લેન્ડ સ્કેપીંગ સાથે રમત ગમતના સાધનોની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી શરૂઆતના તબક્કે આ તળાવ શહેરનુ હરવા ફરવાનુ સ્થળ બની ગયુ હતુ. દર રવિવાર બાળકો માટે પિકનિકનુ એકમાત્ર સ્થળ હતુ. તહેવારોમા પણ લોકો પીંડારીયા તળાવની મુલાકાત લેતા હતા. શાંત અને નયનરમ્ય શહેરનું એકમાત્ર સ્થળ હોવાથી શહેરીજનો નિયમિત મુલાકાત લેતા હતા. શહેરમા એક પણ હરવા ફરવાનુ સ્થળ નહી હોવાથી ટુંક સમયમાજ પીંડારીયા તળાવનું નવિનિકરણ લોકો માટે પસંદગીનુ સ્થળ બની ગયુ હતુ. આવા સ્થળની જાળવણી થાય અને લોક ઉપયોગી બને તેની જવાબદારી પાલિકાની હતી. પરંતુ પાલિકાની ઉદાસીનતાથી અત્યારે પીંડારીયા તળાવ વિસ્તાર બંજર બની ગયો છે. ધ્યાન રાખવામાં નહી આવતા કે રીપેરીંગ કરવામાં નહી આવતા મુલાકાતીઓ પણ બંધ થઈ ગયા છે.
પાલિકાના કોંગ્રેસના સભ્ય હિરેનભાઈ પટેલે નારાજગી વ્યક્ત કરતા જણાવ્યુ છે કે, પીંડારીયા તળાવ પર્યટન સ્થળ બની ગયુ હતુ. સહેલાણીઓ પરિવાર સાથે ફરવા આવતા હતા. દેખરેખના અભાવે તળાવની ફરતે બનાવવામાં આવેલ દિવાલ તુટીને ધારાશાઈ થઈ ગઈ છે. તળાવની જે જુની દિવાલો હતી તે પણ તુટી ગઈ છે. બાળકો તળાવમા પડવાના ભયથી હવે કોઈ ફરવા માટે પણ આવતુ નથી. પાલિકા દ્વારા અન્ય વિકાસ કરવામાં આવે છે. પરંતુ તળાવની દિવાલ બનાવવા ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી નથી. તળાવની પાળે હનુમાનજીના મંદિરની સામે ગાયની બે મોટી પ્રતિમાઓ હતી. જેમાથી ચાર વર્ષ અગાઉ વાવાઝોડા સાથેના ભારે વરસાદના કારણે એક ગાયની પ્રતિમા પડી ગઈ છે. ગાયની તુટેલી પ્રતિમા હજુ પણ હયાત છે. જેનુ પણ રીપેરીંગ કરવામાં આવતુ નથી. પીંડારીયા તળાવના રીપેરીંગ માટે વારંવાર રજુઆત કરવા છતાં શહેરના એક માત્ર હરવા ફરવાના સ્થળની જાળવણી કરવાની પાલિકાને પડી નથી. કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલે વિધાનસભાની ચુંટણી પહેલા પીંડારીયા તળાવની પાસે ટીફીન બેઠક કરી હતી. જે સમયે પણ તળાવના રીપેરીંગ બાબતે રજુઆત કરી હતી. છતાં કોઈ પરિણામ આવ્યુ નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us