Select Page

વિસનગર પાલિકા તંત્રની જડતાનુ પરિણામ ઈમ્પેક્ટ ફીની ફાઈલો નિયમોના ખોટા અર્થઘટનથી પેન્ડીંગ

માલિકીની જગ્યામાં અનઅધિકૃત બાંધકામને કાયદેસરતા પ્રાપ્ત થાય તે માટે સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીનો કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે. ત્યારે વિસનગર પાલિકા તંત્ર દ્વારા નિયમોનુ ખોટુ અર્થઘટન કરવામાં આવતા ઈમ્પેક્ટ ફીની અસંખ્ય ફાઈલો પેન્ડીંગ હોવાનુ જાણવા મળ્યુ છે. પાલિકાના ટી.પી. ચેરમેને આ બાબતે અસંતોષ વ્યક્ત કર્યો છે. વિસનગર ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ દરમ્યાનગીરી નહી કરે તો અરજદારો ઈમ્પેક્ટ ફીના લાભમાંથી વંચીત રહી શકે તેમ છે.
નાગરિકોની સાનુકુળતા માટે સરકાર દ્વારા પરિપત્રો કરવામાં આવે છે. પરંતુ તંત્રના અધિકારીઓની અણસમજ તેમજ નિયમોના ખોટા અર્થઘટનથી સરકારના અભિગમનો લોકોને લાભ મળતો નથી. માલિકીની જગ્યામાં મંજુરી વગરનુ વધારાનુ બાંધકામ એટલે અનઅધિકૃત બાંધકામને કાયદેસરતા આપવા માટે ગત ઓક્ટોબર ૨૦૨૨ થી સરકાર દ્વારા ઈમ્પેક્ટ ફીનો અમલ કરવામાં આવ્યો છે. કોમર્શિયલ બાંધકામમાં ઈમ્પેક્ટ ફીની અરજીઓ વધારે થતી હોય છે. ત્યારે વિસનગર પાલિકા દ્વારા નિયમોનુ ખોટુ અર્થઘટન કરવામાં આવી રહ્યુ છે. ફાયર સેફ્ટીના નિયમમાં ૯ મિટર સુધીની હાઈટ હોય તેમજ ૫૦૦ ચો.મી.નો બીલ્ટઅપ એરીયા હોય ત્યા સેલ્ફ ડેક્લેરેશનની જરૂરી હોય છે. તેની જગ્યાએ ઈમ્પેક્ટ ફીની દરેક કોમર્શિયલ અરજીમાં ફાયર એન.ઓ.સી. મંગાવવામાં આવે છે. પાલિકાના આ આગ્રહથી કોમર્શિયલમાં દરેક અરજદારને ફરજીયાત ફાયર એન.ઓ.સી. લેવી પડે તેમજ ખોટો ખર્ચ કરવો પડે તેવી સ્થિતિ ઉદ્‌ભવી છે. ગામતળ વિસ્તારમાં રહેણાંક બાંધકામમાં સેટબેકનો નિયમ લાગતો નથી. નવુ બાંધકામ થતુ હોય તો નવા જી.ડી.સી.આર. મુજબ સેટબેક લાગુ પડે. ત્યારે ગામતળના સીટી વિસ્તારમાં સેટબેક છોડીને બાંધકામ મંજુર કરવાનો આગ્રહ રાખવામાં આવતા અજરદારો મુંજવણમાં મુકાયા છે.
ઈમ્પેક્ટ ફીનો લાભ લેવા માટે છેલ્લી તારીખ ૧૬-૨-૨૦૨૩ છે. ત્યારે વિસનગર પાલિકા તંત્રના મનઘડત નિયમોના કારણે જાણવા મળ્યા પ્રમાણે હજુ ૩૦ થી ૪૦ જેટલી ફાઈલો મંજુર થઈ છે. મોટા ભાગની ફાઈલો નિયમોના ખોટા અર્થઘટનના કારણે પેન્ડીંગ પડી છે. નિયમોની અણસમજના કારણે લોકોને ઈમ્પેક્ટ ફીનો લાભ ન મળે તેવા પાલિકા તંત્રના વલણના સામે ટી.પી. ચેરમેન જે.ડી.પટેલે નારાજગી વ્યક્ત કરી છે. જાણવા મળ્યા પ્રમાણે ટી.પી. ચેરમેને પાલિકા ચીફ ઓફીસર સમક્ષ રજુઆત કરી છેકે, બાહેધરી પત્ર આપવાનો ઈમ્પેક્ટ ફીના કાયદામાં કોઈ જોગવાઈ કે નિયમ નથી છતા પાલિકાના લાગતા વળવતા લોકોને ગુમરાહ કરી ફાઈલ મંજુર કરતા નથી. બાહેધરી માટે ખોટો આગ્રહ રાખવામાં આવશે અને અરજદારોને નુકશાન થશે તેની તમામ જવાબદારી લાગતા વળગતા અધિકારીઓની રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us