Select Page

ત્રણ દરવાજા ટાવરથી ઉમિયા માતાના મંદિરવાળા રોડ ઉપર સ્વચ્છતા થતી જ નથી પાલિકાના ભેદભાવથી આથમણો ઠાકોરવાસ નર્કાગાર

ત્રણ દરવાજા ટાવરથી ઉમિયા માતાના મંદિરવાળા રોડ ઉપર સ્વચ્છતા થતી જ નથી પાલિકાના ભેદભાવથી આથમણો ઠાકોરવાસ નર્કાગાર

ગામડાના મહોલ્લા, શેરીઓ અને પરા વિસ્તારથી પણ બદ્‌ત્તર હાલત વિસનગર પાલિકા વિસ્તારમાં આવેલ આથમણા ઠાકોરવાસની છે. પાલિકા દ્વારા આ વિસ્તાર જાણે ઓરમાયો હોય તેમ રીતસરનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. સફાઈની કોઈ વ્યવસ્થા નહી હોવાથી નર્કાગાર સ્થિતિ જોવા મળી રહી છે. શહેર કોંગ્રેસના પૂર્વ પ્રમુખ મનુજી ઠાકોરે રોષ વ્યક્ત કર્યો છે કે ઠાકોર સમાજ પ્રત્યે રીતસરનો ભેદભાવ રાખવામાં આવી રહ્યો છે. અન્ય વિસ્તારમાં આર.સી.સી. કેનાલ બનાવવામાં આવે છે. ત્યારે મચ્છરો અને ગંદકીનો ઉપદ્રવ વધારતી ઠાકોરવાસની કેનાલનુ મજબુતીકરણ કરવામાં આવતુ નથી. ભાજપ શાસીત પાલિકા દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે અણગમો રાખવામાં આવી રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો અભિગમ સ્વચ્છ ભારત અભિયાનમાં વિસનગરમાં પોસ વિસ્તારમાં પાલિકા દ્વારા સ્વચ્છતાના કાર્યક્રમો કરવામાં આવે છે. પરંતુ આથમણા ઠાકોરવાસની હાલત જોવામાં આવે તો ખબર પડે કે પાલિકા સ્વચ્છતા જાળવવામાં કેટલી નિષ્ક્રીય છે. ત્રણ દરવાજા ટાવરથી ઉમિયા માતાના મંદિર તરફનો આથમણા વાસમાંથી પસાર થતા રોડ ઉપર પાલિકા દ્વારા કોઈ સફાઈ કામદાર મુકવામાં આવતો નથી. આ વિસ્તારમાં સફાઈજ થતી નથી. કચરો ઉઘરાવવા ડોર ટુ ડોરની સગવડ આપવામાં આવતી નથી. ઠાકોરવાસમાં જોઈએ ત્યા કચરાના ઢગ અને ગંદકી જોવા મળે છે. અત્યારે ગામડામાં પણ સ્વચ્છતા જોવા મળે છે, ત્યારે વર્ષે દહાડે સ્વચ્છતા પાછળ કરોડોનો ખર્ચ કરતી પાલિકા દ્વારા આથમણા વાસમાં સ્વચ્છતા માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી.
આથમણા ઠાકોરવાસના સમાજના જાગૃત કોંગ્રેસ આગેવાન મનુજી ઠાકોરે ઠાકોર સમાજ અને ઠાકોરવાસ પ્રત્યે ભાજપ શાસીત પાલિકાના ભેદભાવ બાબતે રોષ વ્યક્ત કરતા જણાવ્યુ છેકે, ચુંટણી સમયે વોટબેંક માટે ભાજપના આગેવાનો મીટીંગો કરવા આથમણા ઠાકોરવાસમાં પ્રવેશ કરે છે. ત્યારબાદ ઠાકોર વાસની અને ઠાકોર સમાજની દુર્દશા જોવા માટે ભાજપના કોઈ આગેવાન ફરકતા નથી. સ્વચ્છ ભારત અભિયાનના પાલિકા દ્વારા તાયફા કરવામાં આવે છે. પરંતુ ઠાકોર વાસમાં કોઈ સ્વચ્છતા કરવામાં આવતી નથી. પાલિકા દ્વારા ઠાકોર સમાજ પ્રત્યે ઓરમાયુ વર્તન રાખી ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. આથમણા ઠાકોરવાસ અને ઠાકોર સમાજને જાણે શહેર બહાર મુકવામાં આવ્યો હોય તેટલી હદે ભાજપ શાસીત પાલિકા દ્વારા નફરત કરવામાં આવી રહી છે.
ઠાકોરવાસની કેનાલનુ મજબુતીકરણ યોજનામા પણ ભેદભાવ – મનુજી ઠાકોર
આથમણા ઠાકોરવાસની બાજુમાંથી વરસાદી પાણીના નિકાલની કાચી કેનાલ પસાર થાય છે. આ કેનાલમાં પણ પાલિકા સ્વચ્છતા નહી કરતા પારાવાર ગંદકી છે. કાચી કેનાલમાં ગંદકી અને ઉગેલી ઝાડીમાંથી આખા ઠાકોરવાસમાં મચ્છરોનો ઉપદ્રવ છે. કેનાલમાં આર.સી.સી. કરવા બાબતે રાખવામાં આવેલા ભેદભાવ બાબતે મનુજી ઠાકોરે જણાવ્યુ છેકે, આથમણા વાસની કેનાલ મજબુતીકરણના ઠરાવ બાદ અન્ય વિસ્તારમાં આર.સી.સી. કેનાલના ઠરાવ થયા છે ત્યા પ્રથમ ગ્રાન્ટ ફળવાય છે. શહેરમાંથી પસાર થતી કેનાલની શરૂઆત ઉમિયા માતાના મંદિરથી આથમણા વાસથી થાય છે. ત્યારે સુખી સંપન્ન લોકોની સોસાયટી વિસ્તારમાં કેનાલમાં આર.સી.સી. કામ કરીને ઠાકોર સમાજ સાથે રીતસરનો ભેદભાવ કરવામાં આવી રહ્યો છે. અન્ય વિસ્તારમાં આર.સી.સી. કેનાલ બનાવવા લાખ્ખો કરોડો ફળવાય છે, જ્યારે આથમણા ઠાકોરવાસની તમામ બાબતે ઉપેક્ષા કરવામાં આવી રહી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts