Select Page

કાજીવાડો ઉભરાતી ગટરની દુર્ગંધથી ક્યારે મુક્ત થશે

કાજીવાડો ઉભરાતી ગટરની દુર્ગંધથી ક્યારે મુક્ત થશે

પાલિકા કયા કારણે ફરસાણની વખારનો કચરો ગટરમાં ઠલવાતા અટકાવી શકતી નથી

કાજીવાડો ઉભરાતી ગટરની દુર્ગંધથી ક્યારે મુક્ત થશે

ફરસાણની વખારવાળા ડોર ટુ ડોરમાં કચરાનો નિકાલ કેમ કરતા નથી

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
વિસનગરમાં કાજીવાડા વિસ્તારની ગટરો જ્યારે પણ ઉભરાય છે ત્યારે સમગ્ર વિસ્તારમાં ભારે દુર્ગંધ ફેલાય છે. આ વિસ્તારની ફરસાણની વખારોનો કચરો ગટરમાંં ઠલવાતા આ પરિસ્થિતિ સર્જાય છે. ત્યારે પ્રશ્ન એ થાય છેકે કયા કારણે પાલિકા તંત્ર ફરસાણની વખારના વેપારીઓને ગટરમાં કચરો નાખતા રોકી શકતી નથી. વખારવાળા પાલિકાના જવાબદાર કર્મચારીઓને એવી તો કંઈ લાલચ આપે છેકે આ કર્મચારીઓ કોઈ એક્શન લેતા નથી?
વિસનગરમાં કાજીવાડા વિસ્તારમાં મીઠાઈ અને ફરસાણ બનાવતી વખારો આવેલી છે. આ વખારોનો કચરો ડોર ટુ ડોર સેવા આપતા ટ્રેક્ટરમાં નાખવાની જગ્યાએ કચરો ગટરોમાં ઠલવવામાં આવે છે. મોટા પ્રમાણમાં કચરો ઠલવાતા ગટરો ચોકઅપ થઈ જાય છે અને ગટરો ઉભરાય છે. ગટરો ઉભરાતા ફરસાણના કચરાની કહોવાટના કારણે એટલી દુર્ગંધ ફેલાય છેકે આ સમગ્ર વિસ્તાર બાનમાં આવી જાય છે. કાજીવાડાની આ ગટરો ઉભરાતા ગટરનુ પાણી છેક ફતેહ દરવાજા સુધી પહોચે છે. ત્યારે આખો વિસ્તાર દુર્ગંધની લપેટમાં આવી જાય છે. શરમની વાત તો એ છેકે પાલિકા દ્વારા ચોકઅપ થયેલી ગટરો સાફ કરી રોડ ઉપર નાખવામાં આવેલો કિચ્ચડ બબ્બે દિવસ સુધી ઉપાડવામાં નહી આવતા લોકોને નાક ઉપર રૂમાલ મુકીને પસાર થવુ પડે છે.
વિસનગર પાલિકા તંત્ર દ્વારા કચરાનો નિકાલ કરવા માટે ડોર ટુ ડોર સેવા આપવામાં આવે છે. ત્યારે પાલિકા તંત્રની આળપંપાળના કારણે ફરસાણની વખારના વેપારીઓ અને વખારમાં કામ કરતા કારીગરો વખારનો કચરો ઉપાડીને ટ્રેક્ટરમાં નાખવાની તસ્દી લેતા નથી. આ વેપારીઓને પાલિકાના જવાબદાર કર્મચારીઓનો કોઈ ડર નહી હોવાથી મનમાની કરી કચરો ગટરમાં જવા દે છે. નવાઈની બાબત તો એ છેકે પાલિકા દ્વારા ફરસાણની વખારવાળાઓને અગાઉ અનેક વખત નોટીસો આપવામાં આવી છે. પરંતુ નોટીસોનો લાભ જવાબદાર કર્મચારીઓને થાય છે પરંતુ ગટર ઉભરાતા અસરકર્તાઓને નોટીસનો કોઈ લાભ થતો નથી.
વારંવાર ઉભરાતી ગટરની દુર્ગંધથી ત્રાસેલા લોકોની લાગણી છેકે, પાલિકા ચીફ ઓફીસર તેમજ પાલિકા પ્રમુખ એક વખત મુલાકાત લઈ દુર્ગંધ સહન કરે તો ખબર પડે કે, લાલચ પાલિકા કર્મચારીઓના કારણે મનમાની કરતા ફરસાણની વખારના વેપારીઓથી લોકો કેટલા પરેશાન છે. ગટરમાં ફરસાણનો કચરો નાખનાર વખારવાળા સામે પાલિકાતંત્ર કડક કાર્યવાહી કરશે ખરૂ?

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us