Select Page

તરભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના હસ્તે રૂા.૧૩૦૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયુ તરભ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યો

તરભમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈમોદીના હસ્તે રૂા.૧૩૦૦૦ કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયુ તરભ વાળીનાથ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યો

વિસનગર તાલુકાના તરભ વાળીનાથ ધામમાં નવ નિર્માણ પામેલ ભવ્ય શિવમંદિરમાં ગુરૂવારના રોજ ગુરૂપુષ્ય અમૃતસિધ્ધિ યોગમાં દેશ-વિદેશના સંતો, મહંતોની ઉપસ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ૬૦૦ કિલોના મહાશિવલીંગ તેમજ પરામ્બા હિંગળાજ માતાજી અને ભગવાન દત્તાત્રેયની મુર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રૂા.૧૩૦૦૦ કરોડના વિકાસના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે રબારી સમાજ સહિત અન્ય દરેક સમાજના શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.
આ ઐતિહાસિક પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશાળ જનમેદનીને ‘જય વાળીનાથ’ના જયઘોષ સાથે સંબોધતા જણાવ્યુ હતુ કે, આજે તો વાળીનાથે વટ પાડી દીધો. વાળીનાથ ધામ રબારી સમાજ માટે આસ્થાનું કેન્દ્ર છે. હું પહેલા વાળીનાથ ધામમાં અનેક વાર આવ્યો છું. પણ આજે તો અહીની રોનક જ કંઈક ઓર છે. અત્યારે દેશ અને દુનિયામાં મારૂ સન્માન થાય છે. પણ આજે ઘરઆંગણે મારૂ જે સન્માન થયુ તેનો મને અનેરો આનંદ છે. આજે વાળીનાથ ધામની દિવ્ય પાવનભૂમિ ઉપર હું એક અલગ ઉર્જા મહેસુસ કરૂ છું. જોકે મારો પ.પૂ.મહંત બળદેવગીરી બાપુ સાથે વર્ષોથી નિકટના સબંધો હતા.હું જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે તેમની સાથે મારે અવાર નવાર સંપર્ક થતો હતો. મે બળદેવગીરી બાપુના અનેક વખત આશિર્વાદ મેળવ્યા છે. આજે મંદિરો દેશ અને સમાજને અજ્ઞાનના અંધકારથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. આજે દેશભરમાં દેવકાર્ય સાથે દેશકાર્ય તેજ ગતીથી આગળ વધી રહ્યા છે. આજથી એક મહિના પહેલા ૨૨મી જાન્યુઆરીના દિવસે હું અયોધ્યામાં પ્રભુ શ્રીરામના ચરણોમાં હતો. ત્યાં મને પ્રભુ શ્રીરામના ઐતિહાસિક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં હાજર રહેવાનો અવસર પ્રાપ્ત થયો હતો. અને આજે હું આ પવિત્ર ભૂમિ ઉપર છું. વધુમાં તેમણે વાળીનાથધામના હાલના મહંત પ.પૂ.જયરામગીરી બાપુને અભિનંદન આપી જણાવ્યુ હતુ કે, જયરામગીરી બાપુએ બ્રહ્મલીન પ.પૂ.બળદેવગીરી બાપુના સંકલ્પને પરીપુર્ણ કરવાનું ભગીરથકાર્ય કર્યુ છે. આ સાથે તેમણે આ ઐતિહાસિક પ્રસંગે તન-મન-ધનથી સહયોગ આપનાર રબારી સમાજની પણ ભારોભાર પ્રસંશા કરી હતી.
જ્યારે દેશની વિરાસતના જતન અને સંવર્ધન વિશે જણાવ્યુ હતુ કે કોઈપણ દેશની પ્રગતિ તેની વિરાસતના સંવર્ધનથી આગળ વધે છે. કેન્દ્ર સરકારે સર્વાગી વિકાસ સાથે દેશની વિરાસતનું શ્રેષ્ઠ જતન અને સંવર્ધન કર્યુ છે. આજે અયોધ્યામાં ભવ્યાતિભવ્ય રામમંદિરના નિર્માણથી સમગ્ર દેશવાસીઓમાં આનંદ અને ઉત્સાહ છે. ત્યારે કોંગ્રેસના લોકોએ ભગવાન શ્રીરામના મંદિર નિર્માણ કાર્ય સામે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોંગ્રેસે પહેલા સોમનાથ મંદિરમાં વિવાદ ઉભો કર્યો યાત્રાધામ પાવાગઢ મંદિરની ધર્મધજા ફરકાવવાની પણ કોંગ્રેસની ઈચ્છા ન હતી. કોંગ્રેસે મોઢેરાના સુર્યમંદિરને વોટ બેન્કની રાજનીતીથી જોયુ. કોંગ્રેસે હંમેશા વિકાસકામો ઉપર અડચણો જ ઉભી કરી છે. જ્યારે વિકાસની વાત કરતા જણાવ્યુ હતુ કે, વિકસિત ભારતના નિર્માણમાં આધુનિક રસ્તા, રેલ્વે લાઈન, આધુનિક આંતર માળખાકીય સુવિધા, ધોરીમાર્ગ જેવા અનેક વિકાસકામો થયા છે. આજે રૂા.૧૩૦૦૦ કરોડના વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહુર્ત થયા છે. આ પ્રોજેક્ટમાં રેલ્વે, ટ્રાન્સપોર્ટ, રોડ, પાણી, રાષ્ટ્રીય સુરક્ષા, શહેરી વિકાસ, ટુરીઝમ સહિત અનેક મહત્વના વિકાસકામો જોડાયેલા છે.
સરકાર દેશવાસીઓનું જીવન ધોરણ સરળ બનાવવા માટેનું કામ કરી રહી છે. મોદીની ગેરંટીનું લક્ષ સમાજના છેવાડાના માનવીને સુખાકારી આપવાનું છે. એટલેજ એક બાજુ મંદિર અને બીજી બાજુ કરોડો ગરીબોના પાકા ઘર બની રહ્યા છે. થોડા દિવસો પહેલા ગુજરાતમાં ૧.૨૫ લાખ ગરીબ પરિવારોનું પોતાના ઘરનું સપનું પુર્ણ કર્યુ હતુ. દેશમાં ૮૦ કરોડ લોકોને રાશન આપવામાં આવી રહ્યુ છે. દેશના ૧૦ કરોડ નવા પરિવારોને નળથી જળ આપવાનું પણ શરૂ થયુ છે. બનાસકાંઠાના ડીસામાં નિર્માણ થયેલાં ‘રન-વે’થી અહી સરહદી સુરક્ષાનું મોટુ કેન્દ્ર વિકસીત થઈ રહ્યુ છે. જોકે હું મુખ્યમંત્રી હતો ત્યારે આ રન-વેના પ્રોજેક્ટ માટે વર્ષ ૨૦૦૪થી ૨૦૧૪ સુધી તત્કાલિન કોંગ્રેસ સરકારને અનેક પત્રો લખ્યા હતા. પરંતુ કોંગ્રેસ સરકારે આ કામ ના કર્યુ પરંતુ મોદી જે સંકલ્પ લે છે તે પુરો કરીને રહે છે. જેના કારણે લોકોને મોદીની ગેરંટીમાં અતૂટ વિશ્વાસ છે.
જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચનમાં જણાવ્યુ હતુ કે, આજે ગુજરાતના પનોતાપુત્ર અને વિશ્વનેતા નરેન્દ્રભાઈ મોદીના હસ્તે રબારી સમાજના આસ્થાનું કેન્દ્ર સમા ૯૦૦ વર્ષ જુના શિવાલયમાં મહાશિવલીંગની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી. સાથે સાથે વડાપ્રધાનશ્રીના હસ્તે ૧૩૦૦૦ કરોડના વિવિધ વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત પણ કરવામાં આવ્યુ આમ અહીં પ્રાણ પ્રતિષ્ઠાની સાથે વિકાસોત્સવ પણ ઉજવાયો અને આજે ગુજરાતના દરેક ખુણે અવિરત મહત્વના વિકાસકામો થઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની રાજનિતી ઉભી કરી છે. સરકારે નાણાંના અભાવે વિકાસના કામો અટકવા દીધા નથી. આજે ગુજરાતના લોકોની અપેક્ષા પ્રમાણે વિકાસકાર્યો થઈ રહ્યા છે. ગુજરાત સરકાર ઉત્તર ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવવા કટીબધ્ધ છે.
આ પ્રસંગે તરભ વાળીનાથ ધામના મહંત પ.પૂ. જયરામગીરી બાપુ, પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ, ગુ.રાજ્યના કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલ, મંત્રી બળવંતસિંહ રાજપૂત, કુવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, ભીખુસિંહ પરમાર, સાંસદ ભરતસિંહ ડાભી, શારદાબેન પટેલ, બાબુભાઈ દેસાઈ, મયંકભાઈ નાયક, પુર્વ નાયબ મુખ્યમંત્રી નિતિનભાઈ પટેલ, જીલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સહિત ધારાસભ્યો, સંતો મહંતો, આગેવાનો તથા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
આ સાત દિવસ ઐતિહાસિક પ્રતિષ્ઠા મહોત્સવને સફળ અને યાદગાર બનાવવા માટે વિસનગર ધારાસભ્ય તેમજ ગુજરાત સરકારના યશસ્વી કેબિનેટમંત્રી ઋષિકેશભાઈ પટેલના માર્ગદર્શન અને સીધી દેખરેખ હેઠળ વિસનગર શહેર-તાલુકાના ભાજપના હોદ્દેદારો, કાર્યકરો તેમજ સમગ્ર જીલ્લાના વહીવટીતંત્રના અધિકારીઓ અને કર્મચારીઓ દિવસ-રાત ખડેપગે કામગીરીમાં સક્રીય રહ્યા હતા. આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આચાર્ય પદે કાંસા ગામના યુવાન ચિરાગકુમાર રમેશભાઈ સંપતરામ જોષીએ પૂજા-અર્ચના કરાવી હતી. જે કાંસા ગામ તથા સમગ્ર બ્રહ્મ સમાજ માટે ગૌરવ કહેવાય.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us