Select Page

ગંજબજારથી કાંસા રોડ રામાપીર મંદિર સુધી રૂા.૪.૩૭ કરોડના ખર્ચે વરસાદી લાઈનને વહિવટી મંજુરી

ગંજબજારથી કાંસા રોડ રામાપીર મંદિર સુધી રૂા.૪.૩૭ કરોડના ખર્ચે વરસાદી લાઈનને વહિવટી મંજુરી

વિસનગરમાં ગંજબજાર, કાંસા ચાર રસ્તા, કાંસા એન.એ કાંસા રોડ વિગેરે વોર્ડ નં.૧ ના વિસ્તારોમાં વરસાદી પાણી વર્ષોથી ભરાતુ હતુ. પાલિકા દ્વારા ગંજબજારથી કાંસા રોડ રામાપીર મંદિર સુધી વરસાદી પાણીની લાઈન માટે વહિવટી મંજુરી માગવામાં આવી હતી. પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા રૂા.૪.૩૭ કરોડના ખર્ચે વરસાદી લાઈન માટે વહિવટી મંજુરી આપવામાં આવી છે. પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છેકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શનથી તેમના પ્રયત્નોના કારણે વરસાદી પાણીની લાઈન શક્ય બની છે. ચોમાસામાં ભારે વરસાદમાં વોર્ડ નં.૧ માં પાણી ભરાતુ હતુ. રૂા.૪.૩૭ કરોડના ખર્ચે પાઈપ લાઈન નંખાયા બાદ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી અંત આવશે.
વિસનગરમાં ચોમાસામાં જો એક સામટો એક થી દોઢ ઈંચ વરસાદ ખાબકે તો ગંજબજાર વિસ્તારમાં બે ફૂટ પાણી ભરાઈ જાય છે. બહારના વિસ્તારમાં પાણી ભરાવાથી ગંજબજારના પાણીનો નિકાલ થતો નહોતો. ઘણી વખતતો એવી પરિસ્થિતિ સર્જાતી હતી કે ગંજબજારની પેઢીઓમાં પાણી ઘુસી જતા માલ સામાનને ભારે નુકશાન થતુ હતુ. ગંજબજારમાં વરસાદી પાણી ભરાવાની મુશ્કેલીનો કાયમી નિકાલ થાય તે માટે ગંજબજારના વેપારીઓ દ્વારા અનેક વખતે મંત્રી ઋષિભાઈ પટેલ તથા પાલિકા પ્રમુખને રજુઆત કરી હતી. છેલ્લે તો વેરા ચુકવણીનો પણ બહિષ્કાર વેપારીઓ દ્વારા કરાયો હતો.
ગંજબજાર, કાંસા ચાર રસ્તા, દગાલા વિષ્ણુનગર, થલોટા રોડ, કાંસા એન.એ. કાંસા રોડ વિગેરે વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની વર્ષોની સમસ્યાનો અંત આવશે-પ્રમુખ ઉત્તમભાઈ પટેલ
ગંજબજાર, દગાલા, જવાહર, વિવેકાનંદ ચાર રસ્તા તથા કાંસા ચાર રસ્તા વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે પાલિકા દ્વારા ટેન્ડરીંગ કરાયુ હતુ. અને ઓરબીસ એન્જીકોન પ્રા.લી. કોન્ટ્રાક્ટરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પરંતુ આ કોન્ટ્રાક્ટર કામ પુરૂ નહી કરતા પાલિકાએ બ્લેક લીસ્ટ કર્યો હતો. વોર્ડ નં.૧ ના એક નહી પરંતુ અનેક વિસ્તારમાં ચોમાસુ પાણી ભરાતુ હતુ. ગંજબજારથી કાંસા રોડ રામાપીર મંદિર સુધી પાઈપ લાઈન નાખવા મોટી ગ્રાન્ટની જરૂર હોઈ વિસનગર પાલિકાને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ ની રૂા.૫ કરોડની ગ્રાન્ટ ફળવાતા વરસાદી લાઈન માટે તાંત્રીક મંજુરી માગવામાં આવી હતી. તા.૨૧-૨-૨૪ તાંત્રીક મંજુરી મળ્યા બાદ વહિવટી મંજુરીમાં ઘણો સમય થતો હોય છે. પરંતુ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના પ્રયત્નોથી અને પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ પટેલની મહેનતથી તા.૨૮-૨-૨૪ ના રોજ વરસાદી લાઈન માટે રૂા.૪,૩૭,૦૨,૮૦૦/- ની વહિવટી મંજુરી મળી છે. જેમાં રૂા.૩,૮૭,૩૯,૬૦૦/- ના ખર્ચે પાઈપલાઈનની કામગીરી કરવામાં આવશે અને રૂા.૪૯,૬૩,૨૦૦/- ના ખર્ચે પાઈપ લાઈનના કામમાં તુટેલ રોડ ઉપર ડામર કામ કરવામાં આવશે.
વરસાદી પાઈપ લાઈન બાબતે પ્રમુખ ઉત્તમભાઈ પટેલે જણાવ્યુ છે કે, ગંજબજાર વિસ્તાર ઉપરાંત્ત, દગાલા રોડ, વિવેકાનંદ ચાર રસ્તા, કાંસા ચાર રસ્તા, થલોટા રોડ વિગેરે વિસ્તારમાં ભારે વરસાદમાં પાણી ભરાતુ હતુ. પાઈપ લાઈનની કામગીરી બાદ આ વિસ્તારોમાં ચોમાસુ પાણી ભરાવાની સમસ્યાનો કાયમી નિકાલ થશે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના માર્ગદર્શન અને પ્રયત્નોથી ઝડપી મંજુરી મળી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us