Select Page

પાલિકાનું ગત વર્ષ કરતા ડબલ રૂા.૮૨ કરોડનું બજેટ

પાલિકાનું ગત વર્ષ કરતા ડબલ રૂા.૮૨ કરોડનું બજેટ

વિકાસની કે કોઈ સુવિધાની ચર્ચા વગર એક મિનિટમાં મંજુરી

  • વિકાસનો એવો તો કયો રોડ મેપ બનાવ્યો કે ખર્ચ બજેટ ડબલ થયુ
  • પ્રજાના પ્રશ્નોનો નિકાલ કરવામાં અને વિકાસમાં ઉલ્લુ બનાવનાર ભાજપનું શાસન બજેટમાં પણ પ્રજાને ઉલ્લુ બનાવે છે- શામળભાઈ દેસાઈ

બજેટ બેઠકમાં આગામી વર્ષની વિકાસની રૂપરેખા, પ્રજાને આપવામાં આવતી સુવિધાઓની ચર્ચા હોય છે. જ્યારે ભાજપ શાસિત વિસનગર પાલિકાએ બજેટને હાંસીપાત્ર બનાવી દીધુ છે. ગત વર્ષના હકીકતના આંકડા કરતા ડબલ ખર્ચનું બજેટ મંજુર કરતા વિરોધ પક્ષના નેતાએ પ્રશ્ન કર્યો છે કે, એવો તે વિકાસનો કયો રોડ મેપ બનાવ્યો કે જેમાં ગત વર્ષ કરતા ડબલ આંકડા બતાવ્યા છે. વિકાસમાં પાણીમા ંકે સ્વચ્છતામા ઉલ્લુ બનાવનાર પાલિકાએ રૂા.૮૨ કરોડના ખર્ચનુ બજેટ રજુ કરી પ્રજાને ઉલ્લુ બનાવી છે.
વિસનગર પાલિકાના સભાખંડમા તા.૧૨-૩-૨૦૨૪ને મંગળવારના રોજ સાંજે ૪-૦૦ કલાકે બજેટ માટે ખાસ જનરલ સભા મળી હતી. પ્રમુખ ઉત્તમભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલ જનરલમાં ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, ઉપપ્રમુખ વિષ્ણુજી ઠાકોર, દંડક અમાજી ઠાકોરની ઉપસ્થિતિમાં વર્ષ ૨૦૨૪-૨૫નું રૂા.૮૨.૧૫ કરોડના ખર્ચનુ બજેટ રજુ કરવામાં આવ્યુ હતુ. વર્ષ ૨૦૨૩-૨૪માં રૂા.૪૧.૬૦ કરોડ જમા થયા છે. અને ખર્ચ રૂા.૪૮.૮૦ કરોડ બતાવવામાં આવ્યો છે. ઉઘડતી સિલ્લક સાથે રૂા.૮૨.૧૫ કરોડ ખર્ચ અને રૂા.૫.૧૨ કરોડની પુરાંતવાળું બજેટ કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર માત્ર એક મિનિટમાં મંજુર કરવામાં આવ્યુ હતુ. બજેટ બેઠકમા આગામી વર્ષના વિકાસના કયા પ્રોજેક્ટ હાથ ધરવાના છે, પ્રજાને સુવિધાઓ આપવા કયા કાર્યો કરવાના છે, અત્યારે પાણીની સમસ્યા છે તો તેના નિકાલ માટે શું આયોજન છે, શહેરમા ચારે બાજુ ગંદકી છે તો સ્વચ્છતા માટે શું કરવાના છે. તેની કોઈ પણ પ્રકારની ચર્ચા કર્યા વગર કે ખાસ જનરલમા આંકડાની પણ ચર્ચા કર્યા વગર બજેટ એક જ મિનિટમાં મંજુર કરવામાં આવ્યુ હતુ.
વિસનગરના પ્રશ્નોને વાચા આપનાર પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ બજેટ બેઠકમાં ખાસ હાજરી આપવી જોઈતી હતી. પરંતુ સામાજીક પ્રસંગના કારણે હાજર નહી રહી શકતા શાસક પક્ષને ફાવતુ મળ્યુ હતુ. વિરોધપક્ષનો હોબાળો હોય તો જનરલ ઝડપથી પુર્ણ કરવાની શાસક પક્ષની ઉતાવળ હોય. પરંતુ વિરોધ પક્ષના નેતા ગેર હાજર હોવા છતાં શાસક પક્ષે શહેરના વિકાસ અને સુવિધાની કોઈ પણ પ્રકારની ચર્ચા વગર એક જ મિનિટમાં બજેટ બેઠક પુર્ણ કરી હતી.
વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈએ ભાજપ શાસીત પાલિકાએ બજેટમાં રજુ કરેલા આંકડા ભ્રામક ગણાવ્યા હતા. તેમને જણાવ્યુ હતુ કે, બજેટમા શહેરના ભાવિ વિકાસની વાત હોય. લોકોની સુખાકારી અને સુવિધાની વાત હોય. શહેરને કઈ દિશામાં લઈ જવા માગો છો તેની ચર્ચા હોય ત્યારે સત્તાના નશામાં શહેરનો કે લોકોનો કોઈ વિચાર નહી કરી રમત રમતા હોય તેવો વહિવટ ચાલી રહ્યો છે. ભાજપનુ શાસન હકિકતમાં લોકો સાથે રમત રમી રહ્યુ છે. રજુ કરેલા બજેટના આંકડામાં ગત વર્ષનો ખર્ચ રૂા.૪૮.૮૨ કરોડનો છે. જ્યારે આવનાર વર્ષનો ખર્ચ રૂા.૮૨.૧૫ કરોડ અંદાજવામાં આવ્યો છે. ભાજપ દ્વારા ભ્રામક આંકડાઓ રજુ કરવામાં આવ્યા છે. અત્યાર સુધી શહેરમાં કોઈ મહત્વનો વિકાસ નહી કરી શકનાર ભાજપના શાસને એવો તે કયો વિકાસનો રોડમેપ બનાવ્યો છે કે ઉઘડતી સિલ્લક સાથે ગત વર્ષ કરતા ડબલ ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે. પ્રજાને વિકાસ અને સુવિધામા ઉલ્લુ બનાવી હવે બજેટના આંકડામા પણ ઉલ્લુ બનાવવામાં આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts