Select Page

પાણીની ગંભીર સમસ્યા બાબતે પાણી પુરવઠા મંત્રીને રજુઆત

પાણીની ગંભીર સમસ્યા બાબતે પાણી પુરવઠા મંત્રીને રજુઆત

કેબીનેટ મંત્રી બે દિવસ રોકાયા પણ પ્રજાની મુશ્કેલી પ્રત્યે બેધ્યાન

  • વિતરણ વ્યવસ્થા નહી સુધરે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવા કોંગ્રેસની ચીમકી
  • પ્રમુખ તથા વોટર વર્કસ ચેરમેન પાણીની સમસ્યાનો નિકાલ કરવામાં નિષ્ફળ
  • જીલ્લા કલેક્ટર તાત્કાલીક દોડી આવી પાલિકા પ્રમુખ સહિતના સ્ટાફ સાથે ચર્ચા કરી

પાલિકાના ગત બોર્ડમાં વિકાસમંચ અને કોંગ્રેસના ગઠબંધનના પ્રમુખ શકુન્તલાબેન પટેલ, પ્રજ્ઞાબેન પટેલ અને ગોવિંદભાઈ ગાંધીનો વહિવટ અત્યાર કરતા સારો હતો કે પાંચ વર્ષના શાસનમાં પાણીની ક્યાય બુમ પડવા દીધી નહોતી. અત્યારે કેબીનેટ મંત્રી વિસનગરના અને પાલિકામાં ભાજપનુ શાસન છતા પીવાના પાણી માટે લોકોને વલખા મારવા પડે છે. કેબીનેટ મંત્રી શહેરમાં બબ્બે દિવસ રોકાયા છતા લોકોની હાલાકી પ્રત્યે બેધ્યાન રહેતા હવે શહેરના લોકો પાણી પુરવઠા મંત્રીનો સીધો સંપર્ક કરી રજુઆત કરવા મજબુર બન્યા છે. પાણીની વારંવારની સમસ્યાને લઈને હવે તો શહેર કોંગ્રેસ પણ મેદાનમાં આવી વિતરણ વ્યવસ્થા નહી સુધરે તો ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ વિસનગરના હોવા છતા નર્મદાના અધિકારીઓને જાણે કોઈનો ડર ન હોય તેમ પુરવઠો બંધ કરી શહેરીજનોને બાનમાં લઈ રહ્યા છે. કેબીનેટ મંત્રી તા.૮ અને ૯ માર્ચ બે દિવસ વિસનગરમાં હતા. ત્યારે શહેરની પાણીની વિકટ પરિસ્થિતિની ન તો કોઈ દરકાર કરી હતી કે, પાણી મુદ્દે નમર્દાના કોઈ અધિકારીનો સંપર્ક કર્યા હોવાનુ પણ જાણમાં નથી. સતત દસ દિવસ સુધી આંતરે દિવસે પાણી મળતા તો કેટલાક વિસ્તારોમાં બબ્બે દિવસે પાણી મળતા ગંભીર સમસ્યા સર્જાઈ હતી. શહેરની પાણીની સમસ્યા બાબતે શહેરના એક જાગૃત નાગરિકે પાણી પુરવઠા મંત્રી કુવરજી બાવળીયાનો ટેલીફોનીક સંપર્ક કરી રજુઆત કરી હતી. વિસનગર એ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલનુ શહેર હોઈ મંત્રી કુવરજી બાવળીયાએ પણ તેમના સુધી આવેલી રજુઆતથી આશ્ચર્ય વ્યક્ત કર્યુ હશે. પાણી પુરવઠા મંત્રીએ સુચન કરતા કે ગમે તે કારણોસર જીલ્લા કલેક્ટર એમ.નાગરાજન વિસનગર દોડી આવી પાલિકા પ્રમુખ ઉત્તમભાઈ અને અન્ય સ્ટાફ સાથે પ્રાન્ત ઓફીસમાં મીટીંગ કરી હતી. કયા કારણથી શહેર પાણીની વિકટ સમસ્યા ભોગવી રહ્યુ છે તે બાબતે ચર્ચા કરી હતી. જોકે શહેરમાં પાણી પહોચતુ કરવામાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલ અને વોટર વર્કસ ચેરમેન કિરીટભાઈ પરમાર બન્ને નિષ્ફળ ગયા છે. પાણી બંધ થાય ત્યારે દોડતા થાય છે પરંતુ નર્મદાના અધિકારીઓ આગળ કંઈ ઉપજતુ નથી.
શહેરમાં વારંવાર પાણી વિતરણ વ્યવસ્થા ખોટવાતા અને પાણી વગર શહેરીજનો હાલાકી ભોગવતા શહેર કોંગ્રેસ સહિત પાલિકાના કોંગ્રેસના સદસ્યો હવે મેદાનમાં આવ્યા છે. શહેર કોંગ્રેસ પ્રમુખ તથા સદસ્ય હિરેનભાઈ પટેલ, પાલિકા વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈ, પાલિકાના કોંગ્રેસના સદસ્યો સુનિતાબેન ભીલ, મુસ્તાકભાઈ બહેલીમ અને બીલ્કીશબેન મનસુરીએ જણાવયુ છેકે, જ્યારથી પાલિકામાં ભાજપનુ શાસન આવ્યુ છે ત્યારથી પાણીની સમસ્યા માથાનો દુઃખાવો બની ગઈ છે. પાણી માટે સમગ્ર શહેરની જનતાએ કાગારોળ મચાવી છે. ભાજપના જાડી ચામડીના શાસકોએ પાણી અનિયમિત કરી સમગ્ર શહેરને બાનમાં લીધુ છે. નર્મદાના અધિકારીઓ અને પાલિકા પદાધિકારીઓ વચ્ચેના ગજગ્રાહથી હજુ તો ઉનાળો શરૂ થયો નથી અને પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. અત્યારે આવી પરિસ્થિતિ છેતો ઉનાળાની કાળઝાળ ગરમીમા શું હાલત થશે? પાણી વેરો આપવા છતા અઠવાડીયામાં એક દિવસ કાપ અને રીપેરીંગના બહાને વારંવાર પુરવઠો બંધ કરતા વર્ષમાં બે થી ત્રણ માસ પાણી આપવામાં આવતુ નથી. પાણી વિતરણ વ્યવસ્થા સુધારવામાં નહી આવે તો સમગ્ર શહેરની જનતાને સાથે રાખી ગાંધી ચીન્ધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us