Select Page

વિસનગરમાં બે ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

વિસનગરમાં બે ઈંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત

વિસનગર શહેરમાં ગુરૂવારે સવારે એક સામટો બે ઈંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો ઉપર કેડ સમા પાણી ભરાયા હતા. વરસાદી પાણી ભરાતા શહેરના ગંજબજાર અને એમ.એન.કોલેજ રોડ ઉપર વાહન વ્યવહાર ખોટવાયો હતો. કેટલાક વાહનો પાણીમાં બંધ પડ્યા હતા. ત્યારે નગરપાલિકાની વરસાદી પાણીના નિકાલની નિષ્ફળ કામગીરીની પોલ ખુલ્લી પડી હતી.
પાલિકાએ રૂા. ૪ કરોડના ખર્ચે ગંજબજાર થી કાંસા રોડ સુધી નાખેલી વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન ફેલ હોવાનો લોકોમાં ગણગણાટ
વિસનગરમાં ચોમાસાના વરસાદમાં ગંજબજાર સહિત શહેરના મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાવાની સમસ્યા વર્ષોથી છે. જેમાં ગંજબજાર તથા આજુબાજુના વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી વેપારીઓ અને વાહનચાલકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ગંજબજારમાં વરસાદી પાણી ભરાતા વેપારીઓના માલ-સામાનને ભારે નુકશાન થતુ હતુ. ગંજબજારના વેપારીઓની વારંવાર રજુઆત બાદ પાલિકા દ્વારા રૂા.૪ કરોડના ખર્ચે ગંજબજારથી કાંસા રોડ ઉપર રામદેવીપીર મંદિર સુધી ૧૨૦૦ ડાયાની મોટી પાઈપ લાઈન નાખવામાં આવી હતી. આ પાઈપ લાઈન નાખ્યા બાદ ચોમાસાના ભારે વરસાદમાં ગંજબજારમાં એક ટીંપુ પણ પાણી ભરાશે નહી તેવો આરોગ્યમંત્રી ઋષિભાઈ પટેલે ભૂમિપુજનના કાર્યક્રમમાં જાહેરમાં દાવો કર્યો હતો. પરંતુ મંત્રીશ્રીના દાવાને મેઘરાજાએ પોકળ સાબિત કર્યો છે. થોડા દિવસ પહેલા વિસનગરમાં પડેલા સવા ઈંચ વરસાદમાં ગંજબજારમાં પાણી ભરાયુ હતુ. ત્યારે એક ગોળના વેપારીની દુકાનમા પાણી ઘુસી જતા તેને રૂા.૫૦ હજારનુ નુકશાન થયુ હતુ. ત્યારબાદ વિસનગરમાં ગુરૂવારે સવારે ૧૦ થી ૨ વાગ્યા સુધીમાં એક સામટો બે ઈંચ વરસાદ ખાબકતા શહેરની એમ.એન.કોલેજ રોડ, દગાલા રોડ, ધરોઈ કોલોની રોડ સહિત નિચાણવાળા વિસ્તારોમાં કેડસમુ પાણી ભરાયુ હતુ. જેમાં ગંજબજાર અને એમ.એન.કોલેજ રોડ ઉપર ભરાયેલા વરસાદી પાણીથી વાહન વ્યવહાર ખોટવાયો હતો. અને વાહનોથી ધમધમતા આ બંન્ને રોડ ઉપર એક કલાક સુધી ટ્રાફીક જામ થયો હતો. કેટલાક નાના વાહનો પાણીમા બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બે ઈંચ જેટલા સામાન્ય વરસાદમાં ગંજબજાર માર્કેટમા પાણી ભરાતા વેપારીઓના માલને નુકશાન થતા રોષ ઉભો થયો હતો. વેપારીઓ અને વાહનચાલકોએ ગંજબજારથી કાંસા રોડ સુધી રૂા.૪ કરોડના ખર્ચે નાખેલી વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈન ફેલ હોવાનો ગણગણાટ કર્યો હતો. જો દોઢ બે ઈંચ વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો ઉપર કેડસમા પાણી ભરાતા હોય તો જે દિવસે એકસાથે આઠ-દશ ઈંચ વરસાદ પડશે ત્યારે શહેરની પરિસ્થિતિ કેવી થશે. તેની લોકોને ચિંતા સતાવી રહી છે. અત્યારે તો નગરપાલિકાના અણઘડ વહીવટથી શહેરની પ્રજા હેરાન થઈ રહી છે.