Select Page

વિસનગર પાલિકા તંત્રના રાજમાં રખડતી ગાયોનો ત્રાસ

વિસનગર પાલિકા તંત્રના રાજમાં રખડતી ગાયોનો ત્રાસ

આગ લાગે ત્યારેજ કુવો ખોદવાની વૃત્તી ધરાવતા

વિસનગર પાલિકા તંત્રના રાજમાં રખડતી ગાયોનો ત્રાસ

(પ્ર.ન્યુ.સ.) વિસનગર,રવિવાર
ચોમાસુ શરૂ થાય છે અને વિસનગરમાં રખડતી ગાયોનો ત્રાસ શરૂ થઈ જાય છે. રખડતી ગાયોના કારણે લોકો અકસ્માતનો ભોગ બને છે. ત્યારે પાલિકા તંત્ર તમાસો જોઈ રહ્યુ છે. આગ લાગે ત્યારેજ કુવો ખોદવાની વૃત્તી ધરાવતુ પાલિકા તંત્ર અત્યારે રખડતા ઢોર પકડવા એજન્સીની નિમણુંક કરવાની કાર્યવાહી કરી રહ્યુ છે.
વિસનગરમાં દર ચોમાસામાં રખડતી ગાયોનો ત્રાસ વર્તાય છે. ચોમાસામાં ગાયો માટીમાં નહી બેસતી હોવાથી રોડ ઉપર આવી જાય છે. વર્ષોથી આ મુશ્કેલી છે ત્યારે પાલિકાએ ખરેખર તો એપ્રિલ-મે માસથીજ ઢોર પકડવા એજન્સીની નિમણુંક કરવાની કાર્યવાહી કરવી જોઈએ. ત્યારે આગ લાગે ત્યારેજ કુવો ખોદવાની વૃત્તી ધરાવતા પાલિકાના સત્તાધીશોના કારણે ગત તા.૨૭-૭-૨૦૨૦ ની જનરલમાં જાહેર માર્ગો ઉપર રખડતા ઢોર પકડવા અંગે એજન્સીની નિમણુંક કરવા માટે ઠરાવ નં.૫૫ કરવામાં આવ્યો હતો. પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી તો છેલ્લા અઢી વર્ષની ટર્મથી પ્રમુખ છે. તેમના શાસનકાળમાં ચોમાસુ નવુ નથી. બીજુ ચોમાસુ આવ્યુ છે ત્યારે લોકોને પડતી મુશ્કેલીઓના નિવારણ માટેની દિર્ઘદ્રષ્ટી રાખી ઢોર પડકવા એજન્સીની નિમણુંક કરવાની કાર્યવાહી અગાઉની જનરલમાં કેમ કરી નહી? ચીફ ઓફીસર અશ્વીનભાઈ પાઠક તો વહીવટના અનુભવી છે. ચોમાસામાં રખડતા ઢોરથી કેવી મુશ્કેલીઓ પડશે તેનો ખ્યાલ રાખી ઢોર પકડવા એજન્સીની નિમણુંકનુ આગવુ આયોજન કેમ કરી શક્યા નથી? અત્યારે ઢોર પકડવાની એજન્સી માટે ટેન્ડરીંગ કરશે અને વર્કઓર્ડર આપશે એટલામાંતો એક થી દોઢ માસનો સમય નીકળી જવાનો છે.
નોંધપાત્ર બાબત છેકે, વર્તમાન બોર્ડમાં પ્રજ્ઞાબેન પટેલે તેમના પ્રમુખકાળમાં રખડતા ઢોર પકડી પુરવાની અસરકારક કામગીરી કરી શહેરીજનોની સરાહના પ્રાપ્ત કરી હતી. જ્યારે અત્યારે પ્રમુખ ગોવિંદભાઈ ગાંધીને તો હોતી હૈ ચલતી હૈ જેવુ હોય તેમ જણાય છે. વિસનગર શહેરમાં પાલડી ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા ઉપરના હાઈવે ઉપર ગાયોના અડીંગા હોય છે. વડનગરમાં કોઈ મોટો રાજકીય કાર્યક્રમ હોય તો વિસનગર પાલિકા દ્વારા હાઈવે ઉપર રખડતી ગાયો ન ફરે તે માટે પાલિકા કર્મચારીઓને ખડેપગે ઉભા રાખવામાં આવે છે. જ્યારે પાલિકામાં જે ટેક્ષ ભરે છે તે શહેરની જનતા માટે રખડતી ગાયોની કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. હાઈવે ઉપરાંત્ત, ગૌરવપથ, પટણી દરવાજા, સવાલા દરવાજા વિગેરે વિસ્તારોમાં પણ રખડતી ગાયોનો ત્રાસ લોકો સહન કરી રહ્યા છે. રખડતી ગાયોથી લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ત્યારે પાલિકા તંત્રની હોતી હૈ ચલતી હૈની નિતિથી લોકો ભારે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us