Select Page

વિસનગરમાં હરિયાણા પોલીસના સર્ચ ઓપરેશનથી ડબ્બા ટ્રેડીંગ તત્વોમાં દોડધામ

વિસનગરમાં હરિયાણા પોલીસના સર્ચ ઓપરેશનથી ડબ્બા ટ્રેડીંગ તત્વોમાં દોડધામ

બબ્બે આરોપીઓએ રિકવરીના નાણાં ભર્યા બાદ પણ જામીન મળ્યા નથી

વિસનગરના ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને ઝડપ્યા બાદ હરિયાણા પોલીસ દ્વારા અન્ય આરોપીઓને પકડવા વારંવાર સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ગત અઠવાડીયે હરિયાણા પોલીસ અચાનક આવી ચડતા ઉમિયા માતાના મંદિર આગળ ભારે દોડધામ મચી હતી. પોલીસે આથમણા ઠાકોરવાસમાં પણ સર્ચ કર્યુ હતુ. બબ્બે આરોપીઓએ રિકવરીના નાણા ભર્યા હોવા છતા જામીન નહી મળતા હવે પોલીસ ઉપર પણ વિશ્વાસ રહ્યો નથી.
વિસનગર પંથકમાં ડબ્બા ટ્રેડીંગનો ગોરખ ધંધો ફુલ્યો ફાલ્યો છે. સ્થાનિક પોલીસ દ્વારા રેડ કરી ડબ્બા ટ્રેડીંગ ચલાવતા આરોપીઓને પકડવા છતા શેર બજારમાં રોકાણના નામે છેતરપીંડીનો ગેરકાયદેસર ગોરખધંધો બંધ થતો નથી. બે માસ પહેલા હરિયાણામાં ડબ્બા ટ્રેડીંગની છેતરપીંડીનો કેસ થયો હતો. જેમાં હરિયાણા પોલીસ વિસનગર આવીને આથમણા ઠાકોરવાસના એક આરોપીને પકડી ગઈ હતી. આ કેસમાં વડનગરના પણ એક આરોપીને ઝડપ્યો છે. પકડાયેલા આરોપીઓની પુછપરછમાં વિસનગર આથમણા ઠાકોરવાસના બીજા ત્રણ આરોપીઓના નામ ખુલ્યા છે. આ આરોપીઓને પકડવા માટે હરિયાણા પોલીસના વિસનગરમાં આંટાફેરા વધી ગયા છે.
ધૂળેટી બાદ તા.૨૭-૩-૨૦૨૪ ને બુધવારના રોજ વિસનગરમાં ડબ્બા ટ્રેડીંગના આરોપીઓને પકડવા હરિયાણા પોલીસ આવી ચડી હતી. આ પોલીસ પટણી દરવાજા ઉમિયા માતાના મંદિરે પહોચતા ભારે દોડધામ મચી હતી. ડબ્બા ટ્રેડીંગના મુખ્ય સુત્રધારને પોલીસ શોધી રહી છે. પોલીસ જેમના નામ ખુલ્યા છે તે આરોપીઓના ઘર સુધી પહોચી સર્ચ કર્યુ હતુ પરંતુ આરોપીઓ પકડાયા નહોતા.
હરિયાણા પોલીસે વડનગરના આરોપીને પકડ્યા બાદ તેના ખાતામાં જમા થયેલા રૂા.૧૦ લાખ રિકવરી પેટે પરત કર્યા હતા. આ ઉપરાંત્ત વિસનગરના પણ એક આરોપીના ખાતામાં રૂા.૧૦ લાખ જમા થયા હોવાથી તે રકમ રિકવરી પેટે પરત કરી હરિયાણા પોલીસ સ્ટેશને હાજર થયો હતો. આ બન્ને આરોપીઓએ ખાતામાં જમા થયેલી રકમ કાયદેસરની કાર્યવાહી રૂપે પરત કરવા છતા હરિયાણા કોર્ટે હજી જામીન ઉપર મુક્ત કર્યા નથી. આ અગાઉ રૂા.૧ કરોડ ૭ લાખના કેસમાં મહારાષ્ટ્ર પોલીસ વિસનગરમાં આવી હતી. જે કેસની માડવાણ રકમ જમા કરાવતા તમામ આરોપીઓ છુટી ગયા છે. પરંતુ રકમ રિકવર કરવા છતા હરિયાણા કોર્ટે જામીન મુક્ત નહી કરતા વિસનગરના અન્ય આરોપીઓ નાસતા ફરી રહ્યા છે. બુધવારના રોજ સર્ચ ઓપરેશનમાં આરોપીઓ નહી પકડાતા હરિયાણા પોલીસ વિસનગર સીટી પોલીસ સ્ટેશનમાં એન્ટ્રી કરાવી પરત ફરી હતી. જાણવા મળ્યા પ્રમાણે હરિયાણા પોલીસ સાથે સાંઠ ગાંઠ ધરાવતા વિસનગરના કેટલાક લોકો આ આરોપીઓ ઉપર સતત વૉચ રાખીને બેઠા છે. હરિયાણા પોલીસ પાકી બાતમીની રાહ જોઈને બેઠી છે. ડબ્બા ટ્રેડીંગના આરોપીઓની ગમે ત્યારે ધરપકડ થવાની પુરેપુરી શક્યતા છે. આરોપીઓ તેમના ઘરે આવતા હોવાથી અડધી રાત્રે હરિયાણા પોલીસ ઉંઘમાં ઝડપે તેવી પણ શક્યતા છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us