Select Page

તાલુકા પંચાયતમાં દાખલામાં થતી હેરાનગતિથી હોબાળો

તાલુકા પંચાયતમાં દાખલામાં થતી હેરાનગતિથી હોબાળો

વિસનગર ટી.ડી.ઓ.દાખલામાં સહી કરવામાં વિલંબ કરતા

  • ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ઉપર હોબાળાની કોઈ અસર જોવા નહી મળતા અરજદારોએ તાલુકા પંચાયત પ્રમુખ સામે બળાપો ઠાલવ્યો હતો

વિસનગર તાલુકા પંચાયતના મહિલા ટી.ડી.ઓ. છેલ્લા એકાદ મહિનાથી આવકના તથા અન્ય દાખલામાં સહીઓ કરવામાં વિલંબ કરતા ગામડાના અરજદારો આગઝરતી ગરમીમાં દાખલો લેવા માટે કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જેમાં ચાર-પાંચ ધક્કા ખાઈને કંટાળેલા અરજદારોએ બુધવારના રોજ તાલુકા પંચાયતમાં હોબાળો મચાવી પ્રમુખ સામે બળાપો કાઢ્યો હતો. જોકે ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ઉપર હોબાળાની કોઈ અસર જોવા મળી ન હતી.
તાજેતરમાં શાળા-કોલેજોની પરીક્ષાના પરિણામો જાહેર થતા વધુ અભ્યાસ માટે તેમજ સ્પર્ધાત્મક પરિક્ષાઓ આપવા દરેક વિદ્યાર્થીને આવકનો દાખલો, જાતિનો દાખલો તથા ક્રિમિલેયર સર્ટીફીકેટની ફરજીયાત જરૂર પડે છે. વિસનગર તાલુકા પંચાયતમાં અત્યારે આવકનો દાખલો, જાતિનો દાખલો તથા ક્રિમિલેયર સર્ટીફીકેટ મેળવવા માટે રોજેરોજ અરજદારોનો ભારે ઘસારો રહે છે. પરંતુ ગમે તે કારણે ટી.ડી.ઓ મેઘાબેન ભગત આવકના કે અન્ય દાખલામાં સહી કરવામાં વિલંબ કરતા હોવાથી ગામડાના અરજદારો અને વિદ્યાર્થીઓ પોતાનો દાખલો લેવા માટે આગઝરતી ગરમીમાં કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે. જેમાં ચાર-પાંચ ધક્કા ખાઈ થાકેલા અરજદારોએ બુધવારના રોજ સવારે દાખલો નહી મળતા તાલુકા પંચાયતમાં હોબાળો મચાવી ટી.ડી.ઓ. ઉપર રોષ વ્યક્ત કર્યો હતો. આ સમયે ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ઓફિસમાં હાજર નહી દેખાતા અરજદારોએ તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબેન પટેલ સમક્ષ ટી.ડી.ઓ.ની કામગીરી બાબતે બળાપો ઠાલવ્યો હતો. જોકે ટી.ડી.ઓ. મેઘાબેન ભગત ઉપર હોબાળાની કોઈ અસર જોવા મળી ન હતી.
અત્રે ઉલ્લેખનીય બાબત છે કે, ચુંટણી સમયે ભાજપના હોદ્દેદારો ચુંટણી જીતવા રાત-દિવસ ઉજાગરા કરે છે. ગામેગામ ફરી મતદારોને રીઝવતા હોય છે. અને ચુંટણી જીત્યા બાદ પ્રજાના કામો કરવા કે પ્રજાને પડતી મુશ્કેલી દુર કરવા કોઈ રસ દાખવતા નથી. જેમાં કોઈના આશિર્વાદથી હોદ્દો મેળવનાર ચાવીરૂપ પદાધિકારી તો પોતાનો હોદ્દો બચાવવા મૌન પ્રેક્ષક બનીને પ્રજાને થતી હેરાનગતીનો તમાશો જોતા હોય છે. આવા ચાવીરૂપ પદાધિકારીઓ પ્રજાનુ ક્યાથી ભલુ કરે તે વિચારવા જેવુ છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us