મૃત બાળક દાટ્યાનો હોબાળો-ખોદયુ તો કૂતરૂ નિકળ્યુ
પ્રકાશભાઈ પટેલ અને એસ.કે.યુનિવર્સિટી વિરોધની માનસિકતામાં દ્રશ્યમ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા
કોઈના વિરોધમાં ખોટી માનસિકતા લઈને ફરવાથી ઘણી વખત નીચા જોવાપણુ આવે છે. નૂતન હોસ્પિટલના ગેટની પાસેની જગ્યામાં મૃત બાળક દફનાવ્યુ હોવાની વાતનુ વતેસર થતા ભારે હોબાળો થયો હતો. પાલિકા અને પોલીસને બોલાવ્યા હતા. ખોદતા મરેલુ કૂતરૂ નિકળ્યુ હતુ. પ્રકાશભાઈ પટેલ અને એસ.કે.યુનિવર્સિટી વિરોધની માનસિકતામાં દ્રશ્યમ ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા.
એસ.કે.યુનિવર્સિટી એ વિસનગરનું ગૌરવ છે. યુનિવર્સિટીના પ્રેસીડન્ટ પ્રકાશભાઈ પટેલના પ્રયત્નોથી યુનિવર્સિટીનો વિકાસ એ સમગ્ર પંથક માટે ફાયદાકારક છે. જેમાં નૂતન હોસ્પિટલ તો આશિર્વાદરૂપ છે. તેમ છતા યુનિવર્સિટી વિરોધની કોઈ બાબત હોય તો તેની ઈમેજ ખરડાવવામાં કોઈ કચાસ રાખવામાં આવતી નથી. નૂતન હોસ્પિટલના ગેટની બાજુમાં યુનિવર્સિટી દ્વારા વરંડો કરવામાં આવ્યો છે. બાજુમાં આવેલ રૂદ્રાક્ષ બંગ્લોઝના રહીસો દ્વારા આ જગ્યાનો વિવાદ ઘણા સમયથી ચાલી રહ્યો છે.
તા.૧૯-૧૨-૨૦૨૨ રોજ રૂદ્રાક્ષ બંગ્લોઝના રહીસ રામચંદ્રભાઈ પટેલે સવારે હોબાળો મચાવ્યો હતો કે, સવારે દૂધ લેવા ગયો ત્યારે વરંડાની અંદરની બાજુમાં રોકકળનો અવાજ સંભળાયો હતો. બાળક દાટ્યુ હોવાનુ નજરે જોવાનુ જણાવ્યુ હતુ. નૂતન હોસ્પિટલ દ્વારા મૃત બાળક દાટ્યુ હોવાની ચર્ચાથી રૂદ્રાક્ષ બંગ્લોઝમાં રહીસો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા. આ રહીસોએ તેમના વોર્ડના અને પાલિકા દંડક મેહુલભાઈ પટેલને તાત્કાલીક બોલાવ્યા હતા. પાલિકા દંડક એક જવાબદાર વ્યક્તિ છે. જોઈ, જાણી અને તપાસીને નિવેદન કરવાની જગ્યાએ રહીસોના હોબાળામાં સામેલ થઈ ગયા હતા અને હોસ્પિટલ દ્વારા મૃત બાળક દાટ્યુ હોવાના આક્ષેપ કર્યા હતા.
જ્યારે હોસ્પિટલ તંત્ર દ્વારા મામલો શાંત પાડવા મૃત બાળક નહી પરંતુ મૃત કૂતરૂ દાટ્યુ હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ યુનિવર્સિટીના પ્રેસિડન્ટ પ્રકાશભાઈ પટેલ વિરોધની માનસિકતાના કારણે દંડક મેહુલભાઈ પટેલ કે રહીસોએ હોસ્પિટલ તંત્રની રજુઆત ગણકારી નહોતી.
પાલિકા દંડક મેહુલભાઈ પટેલે પાલિકામાં જાણ કરતા પ્રમુખ વર્ષાબેેન પટેલ અને ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી તાત્કાલીક સ્થળ ઉપર આવી ગયા હતા. રૂદ્રાક્ષ બંગ્લોઝના રહીસોએ પોલીસને જાણ કરતા પી.એસ.આઈ. બી.વી.ભગોરા સાથેનો સ્ટાફ સ્થળ ઉપર દોડી આવ્યો હતો. મૃત બાળક દાટ્યુ છેકે કૂતરૂ દાટ્યુ છે તે બાબતે દોઢ કલાક ચાલેલા હોબાળા બાદ પોલીસ અને પાલિકા તંત્રની હાજરીમાં ખોદવામાં આવતા અંદરથી મરેલુ કૂતરૂ નિકળ્યુ હતુ. ભોઠા પડેલા દંડક મેહુલભાઈ પટેલ તો તુર્તજ નિકળી ગયા હતા. હોસ્પિટલ કમ્પાઉન્ડમાં કૂતરૂ મરી જતા આસપાસ દુર્ગંધ ન મારે અને પ્રદુષણ ન થાય તેવા આશયથી મીઠુ નાખીને દાંટવામાં આવ્યુ હતુ. ત્યારે યુનિવર્સિટી વિરોધની માનસિકતાના કારણે વાતનુ વતેસર થઈ ગયુ અને પાલિકાના જવાબદાર હોદ્દેદારોને નીચા જોવા પણુ આવ્યુ.
રૂદ્રાક્ષ બંગ્લોઝની મહિલાઓએ કચરાપેટીમાં મેડિકલ વેસ્ટ નાખવામાં આવતો હોવાનો પણ હોબાળો કર્યો હતો. પરંતુ વર્ષે લાખ્ખો રૂપિયાનો ટેક્ષ ભરતી યુનિવર્સિટીના કચરાના નિકાલ માટે પાલિકા દ્વારા કોઈ વ્યવસ્થા કરવામાં નહી આવતા કચરાપેટી મુકવામાં આવી છે. સોસાયટીના રહીસોના વિરોધના કારણે કચરાપેટી અન્ય સ્થળે મુકવાનો નિર્ણય કરાયો હતો.