Select Page

અન્ય શહેરમાંથી આવેલા ૪૦૦ ને હોમ કોરન્ટાઈન કરાયા વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી-બહારથી જરૂર આવશે

અન્ય શહેરમાંથી આવેલા ૪૦૦ ને હોમ કોરન્ટાઈન કરાયા  વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી-બહારથી જરૂર આવશે

અન્ય શહેરમાંથી આવેલા ૪૦૦ ને હોમ કોરન્ટાઈન કરાયા
વિસનગરમાં કોરોનાનો એક પણ કેસ નહી-બહારથી જરૂર આવશે
(પ્ર.ન્યુ.સ.)            વિસનગર,રવિવાર
લોકડાઉનમાં પોલીસની કડક કાર્યવાહી અને આરોગ્ય વિભાગના સતત સર્વેના કારણે વિસનગરમાં કોરોના પોઝીટીવનો એકપણ કેસ નોધાયો નથી. પરંતુ બહારગામથી અને મોટેભાગે કોરોનાનુ એપી સેન્ટર અમદાવાદથી લોકો વિસનગરમાં આવતા બહારથી વિસનગરમાં કોરોનાનો કેસ જરૂર આવશે. નવાઈની બાબત છેકે શહેરમાં કોરોનાનો કેસ નોધાયો તેવી વારંવારની અફવાઓ ઉપર લોકો વધારે ધ્યાન આપે છે. પરંતુ બહારગામથી કોઈ આવ્યા હોય તો આરોગ્ય વિભાગ કે પોલીસને જાણ કરવાની તેમજ ખરીદી કરવા નીકળ્યા હોય તો સોશિયલ ડીસ્ટન્સ રાખવામાં ધ્યાન આપવામાં આવતુ નથી.
સતલાસણા કોરોના પોઝીટીવ કેસ નોધાતા પ્રાન્ત ઓફીસરે કાંસા ચાર રસ્તા મોરચો સંભાળ્યો
શહેરમાં આવતા વાહનોની નોધણી કરવામાં તંત્રની ઉદાસીનતા
મહેસાણા જીલ્લામાં કડી, વિજાપુર અને સતલાસણામાં કોરોના   પોઝીટીવ કેસ નોધાયા છે. વિસનગર શહેર કે તાલુકાના ગામડામાં કોરોનાનો એક પણ કેસ નોધાયો નથી. જોકે અમદાવાદ તથા બહારગામથી કોઈપણ રોકટોક વગર લોકો વિસનગરમાં આવતા વિસનગરમાં કોરોનાનો કેસ જોવા મળે તે શક્યતા નકારી શકાય નહી. વહેલી સવારે ફોર વ્હીલ વાહનો અને બાઈક ઉપર મોટી સંખ્યામાં લોકો પરિવાર સાથે વિસનગરમાં પ્રવેશતા જોવા મળે છે. બહારગામથી કોઈ આવ્યુ હોય તો આરોગ્ય ખાતાને જાણ કરવી ફરજીયાત છે. બહારગામથી આવીને જાણ કરવામાં ન આવે અને સોસાયટી કે મહોલ્લામાં ફરતો જણાય તો પોલીસને જાણ કરવાથી બહારગામથી આવેલ વ્યક્તિ ઉપર જાહેરનામા ભંગની ફરિયાદ થાય છે. વિસનગરમાં બહારથી આવેલા લોકો માટે આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કરવામાં આવી રહ્યો છે. જેમાં અત્યાર સુધી ૪૦૦ લોકો આવ્યાની જાણકારી મળતા તેમની તપાસ કરી હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. બહારગામથી કોઈ આવ્યુ હોય તો તેની જાણ કરવા સોસાયટીના પ્રમુખ મંત્રીને કે વોર્ડના સભ્યને પણ સુચના આપવામાં આવી છે. બહારગામથી આવેલ વ્યક્તિની માહિતી અને વિગતો છુપાવવામાં આવે તો પડોશી તેમજ સોસાયટીના પ્રમુખ મંત્રી વિરુધ્ધ પણ કાર્યવાહી કરવાની જોગવાઈ છે. આરોગ્ય વિભાગ દ્વારા ઘણી સોસાયટીના પ્રમુખ તેમજ મંત્રીને તેની જાણકારી આપવામાં આવી છે.
વિસનગરમાં કોરોના સંક્રમીત આવી ન જાય તે માટે તંત્ર દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. સતલાસણામાં કોરોના વાયરસ પોઝીટીવ બે કેસ નોધતા તેની સાથેજ પ્રાન્ત ઓફીસર સી.સી.પટેલ અને મામલતદાર બી.જી.પરમાર કાંસા ચાર રસ્તા ઉપર મોરચો સંભાળ્યો હતો. અને સતલાસણા તરફથી આવતા તમામ વાહનોને અટકાવ્યા હતા. બહારગામથી વિસનગરમાં આવતા મોટાભાગના લોકો ટ્રાવેલીંગ હિસ્ટ્રી છુપાવે છે. જે શહેરના લોકો માટે ખતરનાક સાબીત થાય તેમ છે. શહેરમાં આવતા દરેક વાહનોની નોધણી થાય તે માટે મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિર આગળ, કમાણા રોડ અક્ષરધામ ટાઉનશીપ, કડા રોડ ખોડીયાર માતાનુ મંદિર, વિજાપુર રોડ પેટ્રોલપંપ પાસે, ભાલક રોડ, સુંશી ત્રણ રસ્તા, પીંડારીયા રોડ આશાપુરી માતાનું મંદિર, પાલડી ત્રણ રસ્તા, દેણપ રોડ પાંજરાપોળ પાસે, થલોટા રોડા પંચશીલ સોસાયટી આગળ તથા કાંસા રોડ રામાપીર મંદિર આગળ પોલીસ પોઈન્ટ મુકી અવરજવર કરતા વાહનોની નોધણી કરવા પોલીસને સુચન કરાયુ હતુ. પરંતુ તેનો અમલ કરવામાં આવ્યો નથી. આ દરેક પોઈન્ટ ઉપર પોલીસ કર્મચારીઓ મુકી વાહન લઈને આવનારની ટ્રાવેલીંગ હીસ્ટ્રી મેળવી તેની આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવે તોજ કોરોના સામે લોકડાઉન ફળશે. બાકી વિસનગરમાં જાહેરનામા ભંગના ઢગલાબંધ કેસ કરવામાં આવે અને બહારગામથી આવનાર પ્રત્યે તંત્ર ધ્યાન નહી રાખે તો વિસનગરમાં બહારથી કોરોના આવતો કોઈ રોકી શકશે નહી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us