Select Page

ઉમતામાં સરકારી ખરાબાની જમીન ફાળવવા મુદ્દે ચકચાર

ઉમતામાં સરકારી ખરાબાની જમીન ફાળવવા મુદ્દે ચકચાર

વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને પ્લોટ ફાળવવાની અફવાથી

  • વિસનગર પ્રાન્ત અધિકારીના આદેશથી વિચરતી વિમુક્ત જાતિના પરિવારોને વસવાટ માટે પ્લોટ ફાળવવા અગાઉ તાલુકાના અન્ય ગામોમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો
  • ગામની સરકારી ખરાબાની જમીન ૩૦૦ ડફેરોને વસવાટ માટે ફાળવવાના હોવાની કેટલાક વ્યક્તિઓએ અફવા ફેલાવતા સ્થાનિક રાજકારણ ગરમાયુ

વિસનગર તાલુકાના ઉમતા ગામે નવિન રે.સ.નં.૫૪૪૫ અને જુના રે.સ.નં.૩૧૨૮/૨ વાળી ૩.૦૨.૮૬ હે.આર. ચો.મી. ખરાબાની જમીન સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના આશરે ૩૦૦ (ડફેરો) લોકોને વસવાટ માટે ફાળવવાના હોવાની ગામમાં ચર્ચા થતા આ મુદ્દે ગ્રામસભા યોજાઈ હતી. જેમાં ગામના પુર્વ સરપંચ અંકિતભાઈ પટેલે ગામના ખરાબાની જગ્યા ફાળવણીની વાત ખોટી અફવા હોવાનુ જણાવ્યુ હતુ. પરંતુ ગામના કેટલાક લોકોમાં આ શંકા દુર નહી થતા તેમને આગેવાનો સાથે મંગળવારના રોજ મામલતદારને આવેદનપત્ર આપી વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે મામલતદારે વર્ષ ૧૯૮૫ના રેવન્યુ રેકર્ડને ધ્યાને નહી લેવાનું જણાવતા આ જગ્યા ફાળવણીની વિવાદીત ચર્ચાનો અંત આવ્યો હતો.
વિસનગર તાલુકાના ઉમતા ગામની નવિન રે.સર્વેે નં.૫૪૪૫ અને જુના રે.સ.નં.૩૧૨૮/૨ની હે.આર. ચો.મી. ૩.૦૨.૮૬ વાળી સરકારી ખરાબા હેડે ચાલતી જમીનમાં ગામના ઢોર ઢાંખર રાખતા ગરીબ પરિવારો તેઓના ઢોર ઢાંખર ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. આ સિવાય ગામના મોટાભાગના પશુપાલકો પણ ખરાબાની જમીનનો ઉપયોગ કરે છે. આ જમીન સરકાર દ્વારા વિચરતી વિમુક્ત જાતિના આશરે ૩૦૦ (ડફેરો) પરિવારોને કાયમી વસવાટ માટે ફાળવવાની તજવીજ ચાલતી હોવાની ગામના કેટલાક લોકોએ ચર્ચા કરતા આ મુદ્દે ગામમાં ભારે ચકચાર જાગી હતી. આ બાબતે ગામના પુર્વ સરપંચ અને તાલુકા પંચાયત સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિતભાઈ પટેલે આ જગ્યાના રેવન્યુ રેકર્ડના પુરાવા સાથે વિસનગર મામલતદાર કચેરી, પ્રાન્ત કચેરી તથા મહેસાણા કલેક્ટર કચેરીમાં તપાસ કરતા મહેસાણા જીલ્લાના તત્કાલિન કલેક્ટરે વર્ષ ૧૯૭૦માં ૩૧૨૮ જુના રે.સ.નં.પૈકીની ૪-૩૫ એકર ગુંઠા જમીન ઠાકોર રાજાજી ડુંગરજીને ફાળવી હતી. જ્યારે બાકીની ૦૨૪.૪૩ ગુંઠા ધોબી મફતલાલ સાંકળેશ્વર વિગેરેના પરિવારોને ફાળવી હતી. જેથી નવિન રે.સ.નં.૫૪૪૫ વાળી ૩.૦૨.૮૬ હે.આરે.ચો.મી. જગ્યા કોઈપણ સંજોગોમાં બીજાને ફાળવી શકાય તેમ ન હોતી. જે બાબત અંકિતભાઈએ રેવન્યુ રેકર્ડના પુરાવા સાથે મામલતદાર ગજેન્દ્રભાઈ પટેલને રજુઆત કરતા મામલતદારે મહેસાણા લેન્ડ રેકર્ડ કચેરીને જમીનનો સર્વે કરવા આદેશ કર્યો હતો. ત્યારે લેન્ડ રેકર્ડ કચેરીના સર્વેયરે ટીમ સાથે સ્થળ તપાસ કરતા આ જમીનના અગાઉના મુળ માલિક ઠાકોર રાજાજી ડુંગરજી અને ધોબી મફતલાલ સાંકળેશ્વર વિગેરેના પરિવારો હતા. જેમને સ્થળ ઉપર જમીનના આધાર-પુરાવા રજુ કરતા સર્વેયરે મામલતદારને ટેલીફોનીક જાણ કરી સ્થળ સ્થિતીથી વાકેફ કર્યા હતા.
આ મુદ્દે ગામના આગેવાનો દ્વારા તા.૧૫-૭ના રોજ રાત્રીના આશરે ૮-૦૦ કલાકે ગામના ટાવર ચોકમાં જનરલ ગ્રામસભા યોજવામાં આવી હતી. જેમાં ગામના પૂર્વ સરપંચ અંકિતભાઈ પટેલે વિચરતી વિમુક્ત જાતિના લોકોને વસવાટ માટે ફાળવવાની ચર્ચા અફવા હોવાની સ્પષ્ટતા કરી હતી. છતાં ગામના કેટલાક લોકોમાં આ શંકા દુર નહી થતા તેમને આગેવાનોને સાથે રાખી મંગળવારના રોજ મામલતદાર ગજેન્દ્રભાઈ પટેલને આવેદનપત્ર આપી જમીન ફાળવણી મુદ્દે પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. ત્યારે મામલતદારે કચેરીના રેકર્ડમાં ભુલ હોવાનું સ્વિકારી વર્ષ ૧૯૮૫ના મુળ રેવન્યુ રેકર્ડને ધ્યાને નહી લેવા ગ્રામજનોને જણાવતા આ જગ્યા ફાળવણીની વિવાદીત ચર્ચાનો અંત આવ્યો હતો. જોકે સરકારી રેવન્યુ રેકર્ડ પ્રમાણે સદર જગ્યા ઉપર વિસનગર-સુંશી રોડ ઉપર ઓડ મુસ્લીમ-૨૯, લુહારીયા, રાવળ, બજાણીયા તથા વાંસફોડા-૯૦ સહિત ૧૧૯ પરિવારોને વસવાટ માટે પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ અગાઉ વિસનગર પ્રાન્ત અધિકારીના આદેશથી વિચરતી વિમુક્ત જાતિનાપરિવારોને રહેઠાણ માટે પ્લોટ ફાળવવા તાલુકાના અન્ય ગામોમાં પણ સર્વે કરવામાં આવ્યો હતો.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us