Select Page

તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન અને ઉપપ્રમુખે ગેરસમજ દુર કરી તપાસ કમિટી સદસ્યો માટે નહી સર્વાંગી વિકાસ માટે

વિસનગર તાલુકાના સદસ્યોની ગ્રાન્ટમાથી ગામડાઓમાં થનાર વિકાસકામોની દેખરેખ રાખવા માટે વિકાસકામોની કમિટી બનાવવામાં આવી હોવાના મુદ્દે વિવાદ થયો હતો. જે બાબતે તાલુકા પંચાયતના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખે લોકોની ગેરસમજ દુર કરતા જણાવ્યુ છે કે, અમારા (ભાજપના) સદસ્યો ઉપર અમને અને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલને પુરેપુરો વિશ્વાસ છે. તપાસ કમિટી સદસ્યોએ સુચવેલા કામોની દેખરેખ માટે નહી પણ દરેક ગામનો સર્વાગી વિકાસ થાય છે કે નહી તેનું ધ્યાન રાખવા માટે બનાવી છે. આ તો કેટલાક બહારના લોકો ભાજપને બદનામ કરવા સદસ્યોને ગુમરાહ કરી રહ્યા છે. ગામડામાં થનાર વિકાસકામોની તપાસ કરી તેની બિલનું ચુકવણુ કરવાની જવાબદારી ટી.ડી.ઓ.ની છે.
સરકાર ગ્રામ્ય વિસ્તારનો સર્વાગી વિકાસ કરવા માટે જરૂરીયાત પ્રમાણે પુરતી ગ્રાન્ટ ફાળવે છે. સરકારની વિવિધ ગ્રાન્ટમાથી નાના-મોટા દરેક ગામમાં વિકાસકામો થયા છે. જેમાં વિસનગર તાલુકા પંચાયતના સદસ્યોની ગ્રાન્ટમાથી ગામડાઓમાં વિકાસકામો થયા છે અને આગામી સમયમાં પણ સદસ્યોની ગ્રાન્ટમાથી ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને લગતા જરૂરી વિકાસકામો થવાના છે. પરંતુ કોઈ શૈતાની ભેજાના વ્યક્તિએ એવી અફવા ફેલાવી કે, હવે તાલુકા સદસ્યોની ગ્રાન્ટમાથી થનાર વિકાસકામોમાં કોઈ ગેરરીતી ન થાય તેની દેખરેખ રાખવા માટે પંચશીલ કોલેજમાં બેસતા કેટલાક વ્યક્તિના ઈશારે તપાસ કમિટી નિમવામાં આવી છે. જે વાત સાચી માની સદસ્યોએ પોતાનો બળાપો ઠાલવતા હોબાળો થયો હતો. આ વિવાદ બાબતે તપાસ કમિટીના સભ્ય અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ (દેણપ) અને તાલુકા પંચાયતના ઉપપ્રમુખ જનકબા ચાવડા (કડા)એ ગેરસમજ દુર કરતા જણાવ્યુ છે કે, ભાજપના સદસ્યો વિકાસકામોમાં ક્યારેય ગેરરીતી કરે નહી તેવો અમને અને કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલને પુરેપુરો વિશ્વાસ છે. આ તો અગાઉ મનરેગા યોજનામાં મંજુર થયેલા કામોમાં ૨૦ ટકા પણ કામ થતા ન હતા અને ૮૦ ટકા જેટલો ભ્રષ્ટાચાર થતો હતો. કેટલાક સરપંચો તો ફાયદાવાળા જ કામો કરતા હતા. જેના કારણે ગ્રામજનોની સુવિધા અને સુખાકારીને લગતા મહત્વના કામો થતા ન હતા. થોડા સમય પહેલા ગામડાઓમાં સ્વચ્છતા જળવાય તે માટે તાલુકા પંચાયત દ્વારા દરેક ગામમાં જરૂરીયાત પ્રમાણે સારી ક્વોલીટીના ડસ્ટબીન (ડોલ) આપવાનો ઠરાવ કર્યો હતો. જેમાં જેમ પોર્ટલ ઉપર તપાસ કરતા એક ડસ્ટબીન ડોલ રૂા.૬૮૦માં મળતી હતી. ત્યારે તાલુકા પંચાયત દ્વારા ટેન્ડરીંગ કરી સારી ક્વોલીટીનુ એક ડસ્ટબીન રૂા.૧૮૦માં ખરીદી રૂા. ૪૦૦નો ફાયદો કર્યો હતો. ટી.ડી.ઓ. સુચીબેન પટેલ અને અમે બધા સદસ્યો જેમ પોર્ટલ ઉપર આધાર રાખ્યા વગર બજાર ભાવમાં જેમ પોર્ટલ કરતા ઓછી કિંમતે સારી વસ્તુ મળે તે માટે ટેન્ડરીંગ પ્રક્રિયા કરી ખરીદી કરવાનો નિર્ણય કર્યો છે. આ તો બહારના કોઈ વ્યક્તિએ તાલુકા પંચાયતના ભાજપના સદસ્યોમા અંદરોઅંદર વિખવાદ ઉભો કરી ભાજપને બદનામ કરવા ખોટી અફવા ફેલાવી છે. વિકાસકામોની તપાસ કમિટી તાલુકા સદસ્યોએ સુચવેલા વિકાસકામોની દેખરેખ રાખવા નહી પણ ગામડાઓમાં અધુરા મહત્વના કામો થાય છે કે નહી તેનુ ધ્યાન રાખવા વિકાસકામોની તપાસ કમિટી નિમવામાં આવી છે.
જ્યારે આ બાબતે ટી.ડી.ઓ. સુચીબેન પટેલનો સંપર્ક કરતા તેમને જણાવ્યુ હતુ કે, સરકારી ગ્રાન્ટમાથી ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કામો કરાવવાની મારી પ્રાથમિક્તા છે. હું કોઈપણ ગામમાં થયેલા વિકાસકામની સ્થળ તપાસ કર્યા પછી જ બિલમાં સહી કરૂ છું. વિકાસકામોમાં ગેરરીતી ન થાય તેની તકેદારી રાખવાની મારી જવાબદારી છે. અત્યારે તાલુકાના દરેક ગામના પેન્ડીંગ રહેલા વિકાસકામો ઝડપી પુરા થાય તેના માટે પ્રયત્નો કરુ છું. જેમાં મને કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ, તાલુકા સદસ્યો અને તલાટી કમ મંત્રીઓ સહયોગ આપી રહ્યા છે. વિકાસકામોની તપાસ કમિટી બાબતે ક્યારે વિવાદ થયો તેની મને જાણ નથી. સદસ્યો ઉપર શંકા રાખી તપાસ કમિટી બનાવી હોવાની વાત કોઈએ ઉપજાવી કાઢી હોય તેવુ મને લાગે છે. જોકે હું મારી ફરજની કામગીરી સિવાય બહારના કોઈપણ વિવાદમાં રસ લેતી નથી.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us