૨૮ મી ઓગસ્ટે લેવાયેલ સેમ્પલનો ૧૫ મી સપ્ટેમ્બરે રીપોર્ટ આવ્યોતો ભાદરવી પૂનમના મેળામાં કોન્ટ્રાક્ટ રદ કેમ ન કરાયો?ભાજપના રાજમાં ફૂડ એન્ડ ડ્રગ્સમાં ચાલતાવ્યાપાક ભ્રષ્ટાચારથી ભેળસેળ અટકવાની નથી
તંત્રી સ્થાનેથી…
ભાજપ અને ભ્રષ્ટાચાર એક બીજાના પર્યાય બની ગયા છે. વિધાનસભાની ચુંટણીમાં ગુજરાતની જનતાએ ખોબલે ખોબલે મત આપતા ભાજપને ઐતિહાસિક ૧૫૬ સીટ મળી હતી. પરંતુ વધારે પડતુ ખાવાનુ મળવાથી અપચો થાય છે તેમ વધારે પ્રમાણમાં મળેલી સીટો ભાજપ પચાવી નહી શકતા અપચારૂપી ભ્રષ્ટાચાર બહાર આવી રહ્યો છે. અંગ્રેજો વખતના અને કોંગ્રેસે બનાવેલ પુલ તુટતા નથી અને ભાજપના શાસનમાં બનેલા પુલ તુટી રહ્યા છે. ડામરના રોડ અને આર.સી. રોડ તુટીને ઉખડી જતા હોવાની બાબતથી લોકો ટેવાઈ ગયા છે. ભાજપના શાસનમાં રેવન્યુ વિભાગમાં દામ વગર કામ થતા નથી. ગુજરાતમાં એકધારી મળેલી સત્તાના કારણે ભાજપના મંત્રીઓ, ધારાસભ્યો અને નેતાઓની છત્રછાયામાં છાકટા બનેલા ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ તથા કર્મચારીઓ પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા ભેળસેળીયાઓને પકડી કડક કાર્યવાહી કરવાની જગ્યાએ, રેડ કરીને સેમ્પલ લઈને ખીસ્સા ભરવામાં વ્યસ્ત બની ગયા છે. પ્રજાને કેન્સરનો ભોગ બનવુ હોય તો બને અને પ્રજાને જવુ હોય તો જાય જાહન્નુમમા અમારે તો અમારો લાભ પ્રથમ એવી મેલી મુરાદથી કામ કરતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ઉપર જાણે ભાજપ સરકારનો કોઈ અંકુશ નથી. યાત્રાધામ અંબાજી મંદિરમાં દેશ-વિદેશથી લાખ્ખો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. દર્શનાર્થી પરંપરાગત મળતા મોહનથાળના પ્રસાદનુ પેકેટ ખરીદી ઘરે લઈ જાય છે અને પરિવારને પણ પ્રસાદ આપે છે. પરંતુ દર્શનાર્થીઓને ક્યા ખબર છેકે હિન્દુ વાદ ઉપર મત મેળવનાર ભાજપને, હલકી ગુણવત્તાના ઘી માંથી બનાવેલ મોહનથાળનો પ્રસાદ આરોગવાથી, હિન્દુ દર્શનાર્થી કેન્સર જેવી બીમારી કે અન્ય રોગનો ભોગ બનશે તેની કંઈ પડી નથી. ભાજપના નેતાઓને તો લાખ્ખો દર્શનાર્થીઓની નહી પરંતુ મળતીયા કોન્ટ્રાક્ટરોને લાભ થાય તેની વધારે પડી છે. અંબાજી મંદિરમાં મોહિની કેટર્સને મોહનથાળ બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. માઈભક્તોને શુધ્ધ ખાદ્ય વસ્તુઓમાંથી બનાવેલ ગુણવત્તાયુક્ત મોહનથાળનો પ્રસાદ મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મોહિની કેટર્સની રૂબરૂ મુલાકાત લઈ તપાસ કરવામાં આવી હતી. તપાસમાં ઉપયોગમાં લેવાતા ખાદ્ય ઘી ઉપર શંકા જતા સ્થળ ઉપરજ મોબાઈલ ફૂડ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ. ઘી યોગ્ય ન જણાતા રૂા.૮ લાખની કિંમતના ભેળસેળવાળા ઘી ના ૧૫ કિ.ગ્રા.ના ૧૮૮ ડબ્બા જપ્ત કરવામાં આવ્યા હતા. ૨૮ મી ઓગસ્ટ-૨૦૨૩ ના રોજ ટેસ્ટીંગ કરવામાં આવ્યુ હતુ અને ૧૫ મી સપ્ટેમ્બર-૨૦૨૩ ના રોજ ઘી ખાવા લાયક નથી તેનો રીપોર્ટ આવ્યો હતો. આગળ સાત દિવસનો ભાદરવી પૂનમનો મેળો આવતો હતો. ત્યારે ભાજપના ભ્રષ્ટાચારી તંત્ર ઉપર શંકા ઉપજાવે તેવી બાબત એ છેકે મોહનથાળ બનાવનાર કોન્ટ્રાક્ટર મોહિની કેટર્સ હલકી ગુણવત્તાનુ ભેળસેળયુક્ત ઘી નો ઉપયોગ કરતા પકડાયો તો તેના વિરુધ્ધ તાત્કાલીક કાર્યવાહી કેમ કરવામાં ન આવી? તા.૨૩-૯ થી ૨૯-૯ સુધીના સાત દિવસના મેળા દરમ્યાન ૪૫.૫૪ લાખ યાત્રિકોએ અંબાજી મંદિરમાં દર્શન કર્યા અને આ મેળા દરમ્યાન ૧૮,૪૧,૪૮૧ મોહનથાળના પેકેટ વેચાયા. તો આ પેકેટમાં આપવામાં આવેલ મોહનથાળ ભેળસેળયુક્ત ઘી થી બનાવવામાં ન આવ્યો હોય તેની શુ ખાતરી? ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ મોહિની કેટર્સ વિરુધ્ધ જે કાર્યવાહી કરવામાં આવી, તેમાં પણ ભ્રષ્ટાચારી ભાજપની ભેળસેળયુક્ત કાર્યવાહી હોવાનુ મનાય છે. મંદિરોમાંય ભ્રષ્ટાચારનો સડો ચલાવી લેનાર ભાજપ અને તેના તંત્રએ ખરેખર તો શરમ અનુભવવી જોઈએ કે ભાદરવી પૂનમમાં પદયાત્રિઓ માટે સેવાભાવી લોકો લાખ્ખો રૂપિયાના ખર્ચે સ્વેચ્છાએ જે સેવા કેમ્પ ઉભા કરે છે તેમાં પણ પદયાત્રિ બીમાર ન પડે તેની તકેદારી રાખી શુધ્ધ ખાદ્ય વસ્તુઓ આપે છે. જ્યારે શુધ્ધ મોહનથાળ આપવાની જેમની ફરજ છે તે ભાજપ સરકારના તંત્રમાં પદયાત્રિઓને ભેળસેળ અને હલકી ગુણવત્તાનો મોહનથાળ આપવામાં આવે છે. આસ્થાના સ્થાનકમાં ચાલતી આવી ગેરરીતી ભાજપ માટે કલંક સમાન છે.