Select Page

વિશ્વને વિનાશ તરફ ધકેલાતુ અટકાવવા પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ મહત્વનુ

વિશ્વને વિનાશ તરફ ધકેલાતુ અટકાવવા પર્યાવરણ જાળવણી માટે વૃક્ષારોપણ મહત્વનુ

ચોમાસામાં એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરીએ

તંત્રી સ્થાનેથી…

વૃક્ષ નારાયણ દેવ એ કળીયુગમાં આપણી વચ્ચે રહેલા સાક્ષાત ભગવાન સ્વરૂપ છે. વસતી વિસ્ફોટ અને ઔદ્યોગિક વિકાસના નામે આપણે આ વૃક્ષ નારાયણનુ આડેધડ નિકંદન કાઢતા આવ્યા છીએ. આ વૃક્ષ નારાયણ આપણને અનેક રીતે ઉપયોગી છે. વૃક્ષોના પાન હવાને શુધ્ધ કરે છે. માનવજાતિ માટે ખતરનાક કાર્બન ડાયોક્સાઈડ શોષીને ઓક્સીજન આપે છે. વૃક્ષો અનેક જાતના ફળ આપે છે. વૃક્ષોના મુળીયા જમીનનુ ધોવાણ થતુ અટકાવે છે. વૃક્ષો રણને આગળ વધતુ અટકાવે છે. કેટલાક વૃક્ષના પર્ણો, ફળ, મુળીયા, પુષ્પો ઔષધિ તરીકે વપરાય છે. વૃક્ષોજ વાદળોને આકર્ષિને વરસાદ લાવે છે. વૃક્ષોની શિતળતા અનેક લોકોને ઉપયોગી છે. વૃક્ષો ધરતીની શોભા છે અને વૃક્ષ વિહોણી ધરતી કે કેશ વિહોણા શીશ જેવી છે. વૃક્ષોનુ આદિ અનાદિ કાળથી એટલા માટે મહત્વ આપવામાં આવ્યુ છેકે વિવિધ વૃક્ષોજ વિશ્વને વિનાશ તરફ ધકેલાતા અટકાવી શકે છે. ભારત દેશની આઝાદી સમયે ગાઢ જંગલો હતા. આઝાદી સમયે ૩૬ કરોડની વસતી અત્યારે દેશમાં ૧૪૦ કરોડે પહોચી છે. વસતી વધારાના કારણે રહેઠાણ માટેના મકાનો, ધંધા રોજગાર માટે ઉદ્યોગો, સુવિધાઓ માટે સડકો, રેલમાર્ગ વિગેરે બનાવવા જમીનોની જરૂરીયાત, ઘરના નિર્માણ માટે લાકડાની જરૂરીયાત વિગેરે માટે આડેધડ જંગલો કપાતા ગયા. જેના કારણે જંગલોનો વિસ્તાર ઘટતો ગયો જેની સાથે ખેતી લાયક જમીનો ઓછી થતા તેના કારણે પણ વૃક્ષો ઓછા થતા ગયા. પર્યાવરણ જાળવણી માટે એકમાત્ર ઉપયોગી અને જરૂરી છે તે વૃક્ષો છે. ત્યારે કાળા માથાના માનવીએ દુરોગામી વિચાર કર્યા વગર પોતાના સ્વાર્થમાં વૃક્ષોનુ નિકંદન કાઢી નાખ્યુ. આડેધડ કપાતા વૃક્ષો પાછળ સરકાર પણ એટલીજ જવાબદાર છે. એક તરફ પર્યાવરણ જાળવણી માટ વર્ષે કરોડો રૂપિયાનુ બજેટ ફાળવે છે. જ્યારે બીજી તરફ જેના કારણે પર્યાવરણ બગડતુ અટકે છે તે વૃક્ષોનુ વિકાસના નામે કટીંગ કરવામાં આવી રહ્યુ છે. વૃક્ષો વધારે તેટલી સમૃધ્ધિ વધારે તેવુ કહેવાય છે. ત્યારે સરકારના આંકડાજ બોલે છેકે કેટલા વૃક્ષો કપાય છે. પર્યાવરણ મંત્રાલયની માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં સમગ્ર દેશમાં એક કરોડથી વધારે વૃક્ષો કપાયા છે. વિકાસ માટે પર્યાવરણ મંત્રાલયે જે મંજુરી આપી છે તેના આંકડા છે. આ સીવાય ખાનગી જમીનો, જંગલો તથા ખેતરોમાં કરોડો વૃક્ષો કપાય છે. ફક્ત સરકારના આંકડા પ્રમાણે ગણતરી કરીએ તો દર મિનિટે ચાર વૃક્ષોનું નિકંદન નિકળી ગયુ છે. વૃક્ષોના નિકંદન પાછળ સરકારનુ જંગલ ખાતુ અને તંત્ર પણ એટલુજ જવાબદાર છે. રોજ સાંજે ૬-૦૦ કલાક પછી અને રવિવારના દિવસે ટ્રેક્ટરોના ટ્રેક્ટર ભરીને કટીંગ કરેલા વૃક્ષો લાટીઓમાં ઠલવાય છે. જે વૃક્ષો કાપવા કોઈ મંજુરી લેવામાં આવતી નથી. સરકારી તંત્રના અધિકારીઓ પણ મોટા હપ્તા મળતા હોવાથી વૃક્ષ છેદન સામે આંખ આડા કાન કરી રહ્યુ છે. જ્યારે બીજી બાજુ આજ સરકાર અને તેનુ તંત્ર વૃક્ષમાં રણછોડ, વૃક્ષો વાવો જીવન બચાવો, વૃક્ષ જતન આબાદ વતન, એક બાળ એક ઝાડ વિગેરે વૃક્ષારોપણ જાગૃતિના સુત્રો આપીને ફક્ત દેખાવ કરી રહ્યુ છે. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે, વિશ્વ પર્યાવરણ દિને કે અન્ય પ્રસંગોમાં રાજકીય નેતાઓ, સત્તાધીશો, અધિકારીઓ વૃક્ષારોપણના દેખાડા કરે છે. પરંતુ કાર્યક્રમ બાદ વૃક્ષ ઉછેરની કોઈ દેખરેખ રાખવામાં આવતી નથી. સરકાર દ્વારા વન મહોત્સવ ઉજવાય છે. દર વર્ષે ચોમાસા દરમ્યાન આ મહોત્સવ ઉજવવામાં આવે છે. જેમાં સ્કુલ કોલેજના બાળકો દ્વારા શૈક્ષણિક સંસ્થાના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે. ગુજરાતના ગ્રીન એમ્બેસેડર, પર્યાવરણ પ્રેમી જીતુભાઈ પટેલે વૃક્ષારોપણ માટે ગ્રીન ગ્લોબલ બ્રીગેડ બનાવીને ફક્ત વૃક્ષારોપણને મહત્વ આપ્યુ છે. સરકારી તંત્ર અને તેના કાર્યક્રમો ઉપર ભરોસો રાખ્યા વગર હવે લોકોએજ વૃક્ષારોપણ માટે જાગૃત થવાનુ છે. આવનારી પેઢી માટે પ્રદુષણમુક્ત વાતાવરણ આપવુ હશે તો વૃક્ષારોપણને અત્યારેજ મહત્વ આપવુ પડશે. વૃક્ષારોપણ માટે દરેકને પ્રોત્સાહન આપી વૃક્ષોની સંખ્યા વધારતા જઈશુ તો સમગ્ર માનવજાતિ માટે એક ઉમદા કાર્ય બની રહેશે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us