Select Page

અંગ્રેજોએ ઘડેલા કાયદામાંથી તો આઝાદી અપાવી હવે ભારત દેશની અદાલતોમાં ખડકાયેલા કેસોનો નિકાલ કરવાનુ વિચારા

અંગ્રેજોએ ઘડેલા કાયદામાંથી તો આઝાદી અપાવી હવે ભારત દેશની અદાલતોમાં ખડકાયેલા કેસોનો નિકાલ કરવાનુ વિચારા

તંત્રી સ્થાનેથી…

વર્ષ-૨૦૨૨ ની ૧૫ મી ઓગસ્ટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ લીધેલી પાંચ પ્રતિજ્ઞામાં અંગ્રેજોની ગુલામીની નિશાનીનો અંત લાવવાની પણ પ્રતિજ્ઞા હતી. જે અંતર્ગત અંગ્રેજોએ ઘડેલા કાયદાની ગુલામીનો અંત લાવવા ગૃહમંત્રી અમીતભાઈ શાહે મહત્વના ૩ કાયદા બદલવા વિધેયક લોકસભામાં રજુ કર્યુ હતુ. જેમાં આઝાદી માટેની લડત દબાવી દેવા જે રાજદ્રોહનો કાયદો હતો તેનો અંત લાવવામાં આવ્યો છે. આ ઉપરાંત્ત ટોળા દ્વારા થતી હત્યામાં મોબલીન્ચીંગ, સગીરા સાથે દુષ્કર્મના કાયદામાં પણ કડક જોગવાઈ કરવામાં આવી છે. વિદેશોમાં સામાન્ય ગુનામાં સમાજ સેવાની સજા થાય છે. તે પ્રમાણે ભારતમાં પણ સજાની જોગવાઈ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે અંગ્રેજોએ ઘડેલા કાયદામાં સુધારા કરી વર્તમાન સ્થિતિ મુજબના કાયદાનો અમલ કર્યો છે. પરંતુ હવે કેન્દ્ર સરકારે ભારતના ન્યાયાલયોમાં વર્ષોથી ખડકાયેલા કેસોના નિકાલ માટે પણ વિચારવાનુ છે. દેશમાં એક નહી અનેક કેસો છેકે જે ૫૦ કે ૬૦ વર્ષ જુના છે. આવા કેસોની સંખ્યા બે કરોડથી વધુ છે. નીચલી અદાલતોમાં ૭ હજારથી વધુ કેસ એવા છેકે જે ૧૯૫૮ થી હજુ પણ ઉકેલાયા નથી. અદાલતોના કામમાં દેર છે પણ અંધેર નથી તેવુ કહેવાય છે. દેશની જનતામાં ન્યાય પ્રણાલીની વિશ્વસનિયતા હજુ પણ અકબંધ છે. ત્યારે ન્યાય મેળવવા ધિરજ અને ધક્કાની માનસિકતા પણ એટલીજ રાખવી પડે છે. એક વર્ષ પહેલાના અહેવાલ મુજબ દેશની તમામ હાઈકોર્ટોમાં કુલ ૫૯ લાખ ૫૫ હજાર ઉપરાંત્ત કેસોમાં ૪૨ લાખ ૯૯ હજાર જેટલા સિવિલ કેસ છે, જ્યારે ૧૬ લાખ ૫૫ હજાર જેટલા ક્રિમીનલ કેસોનો ભરાવો છે. તેજ પ્રમાણે દેશની તમામ નીચલી અદાલતોમાં ૪ કરોડ ૧૩ લાખ ઉપરાંત્ત પડતર કેસોમાં સિવિલ પ્રકારના ૧ કરોડ ૫૯ લાખ જેટલા કેસો તથા ક્રિમીનલ પ્રકારના ૩ કરોડ ૭૫ લાખ જેટલા કેસોનો સમાવેશ થાય છે. દેશની હાઈકોર્ટોમાં દિવાની કેસો વધુ પ્રમાણમાં પેન્ડીંગ બોલે છે. જ્યારે નીચલી અદાલતોમાં ફોજદારી કેસોમાં નોધપાત્ર ભરાવો જોવા મળી રહ્યો છે. સરકાર અને ન્યાયતંત્ર દેશની જનતાનો અદાલતો ઉપર વિશ્વાસ જળવાઈ રહે તે માટે પડતર કેસોનો ઝડપી ઉકેલ આવે તે માટે પ્રયત્નશીલ છે. પરંતુ કોઈ પરિણામ મળતુ નથી અને દર વર્ષે નવા કેસો ઉમેરાઈ રહ્યા છે. કેસના વિલંબના કારણો શોધી તેનો ઉકેલ લાવવા માટે તાકીદ કરવામાં આવે છે, પરંતુ અનેક વિસંગતતાઓના કારણે ધીમી ન્યાય પ્રણાલીનો ઉકેલ આવતો નથી. અદાલતોમાં કેસોનો ભરાવો અને ન્યાયમાં વિલંબ પાછળ ન્યાયાધીશો, વકીલો, પોલીસ અને પક્ષકારો એટલાજ જવાબદાર છે. અદાલતોમાં કામના વાર્ષિક દિવસો ન્યાયના વિલંબમાં મહત્વનુ કારણ છે. દેશની અદાલતો હજુ પણ અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા વેકેશનો ભોગવે છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓના કામના દિવસો ૨૪૪ છે. જ્યારે સુપ્રિમ કોર્ટમાં ૧૯૩, હાઈકોર્ટમાં ૨૧૦ અને નીચલી કોર્ટમાં ૨૪૫ કામના દિવસ છે. વકીલો પોતાની વ્યસ્તતાના કારણે મુદતો માગતા તેમજ સુનાવણી ટાળવા વિવિધ બહાને મુદતના રીપોર્ટ આપવાના કારણે પણ કેસોનો નિકાલ થતો નથી. પોલીસ તપાસની પ્રક્રિયા પણ ઝડપી અને સમયસરના ન્યાયમાં અવરોધરૂપ હોય છે. પોલીસે ગુનાની તપાસ કરી નિર્ધારીત સમયમર્યાદામાં કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવાની હોય છે. પરંતુ અદાલતોમાં સમયસર આરોપનામા દાખલ થતા નથી. કારણે કાયદો અને વ્યવસ્થાની ફરજ બજાવતી પોલીસના માથેજ ગુનાના તપાસની જવાબદારી હોય છે. પોલીસને કામના બોજ હેઠળ આ બન્ને કામ કરવાના હોય છે. લૉ એન્ડ ઓર્ડરનુ કામ તાકીદનુ હોવાથી પોલીસ ગુનાની તપાસ સમયસર કરી શકતી નથી. કેટલાક પક્ષકારો ન્યાય માટે નહી પરંતુ સામેના પક્ષકારને હેરાન કરવા માટે કોર્ટ કેસ કરતા હોય છે. પોલીસ સાથે મળીને સમંસ બજવા દેતા નથી. વધારે મુદતોની અપેક્ષા રાખવામાં આવે છે. આમ કોર્ટ સાથે સંકળાયેલા લોકોના કારણેજ કેસોનો ભરાવો થયો છે. જરૂરીયાત મુજબ ન્યાયાધીશોની ભરતી ન કરવી, નવી અદાલતો બનાવવા તથા સુવિધાઓ ઉભી કરવા ફંડ ન ફાળવવુ જેવી સરકારની નિષ્કાળજી પણ કેસોના ભરાવા માટે જવાબદાર છે. આવા અનેક કારણોનો વિચાર કરી કેન્દ્ર સરકારે કરોડો પડતર કેસોના નિકાલ માટે પણ વિચાર કરવો એટલોજ જરૂરી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us