ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમે ઔદ્યોગિક હેતુ માટે ફાળવેલ પ્લોટનો કરાર રદ કર્યો ઈન્ડસ્ટ્રીયલ પ્લોટમાં ધ ગ્રાન્ડ ખોડીયાર હોટલનુ બાંધકામ અનઅધિકૃત
વિસનગર જી.આઈ.ડી.સી.માં ફાળવેલ પ્લોટ ઔદ્યોગિક હેતુ માટેના છે. ત્યારે કાંસા રોડ ઉપર આવેલ લક્ષ્મી ઓઈલ મીલના પ્લોટમાં વાણિજ્ય બાંધકામ કરવામાં આવતા ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ દ્વારા થયેલુ ધ ગ્રાન્ડ ખોડીયાર હોટલનુ બાંધકામ અનઅધિકૃત ગણી દૂર કરવા પ્લોટ ધારકને નોટીસ આપવામાં આવતા ભારે ચકચાર જાગી છે. નોટીસ આપવા છતા બાંધકામ દૂર કરવામાં નહી આવતા ઔદ્યોગિક વિકાસ નિગમે પ્લોટ ફાળવણીનો કરાર રદ કરતા હોટલનુ બાંધકામ વિવાદોમાં સપડાયુ છે.
વિસનગર જી.આઈ.ડી.સી.માં કાંસારોડ ઉપરનો પ્લોટ સર્વે નં.૧૧૬-૧ તા.૧૯-૯-૧૯૮૬ ના રોજ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ માટે ફાળવવામાં આવ્યો હતો. ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમમા આ પ્લોટ મે.લક્ષ્મી ઓઈલ મીલના નામે ચાલે છે. આ પ્લોટનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટેજ કરવાનો હોય છે. ત્યારે પ્લોટમાં ધ ગ્રાન્ડ ખોડીયાર હોટલનુ બાંધકામ કરવામાં આવતા વિસનગર તાલુકાના વાલમ ગામના પ્રશાંતકુમાર જીવણલાલ પટેલ દ્વારા તા.૩-૧૦-૨૦૨૩ ના રોજ જી.આઈ.ડી.સી. મહેસાણા નાયબ કાર્યપાલક ઈજનેરને એક અરજી કરવામાં આવી હતી કે, પ્લોટ નં.૧૧૬-૧ ઉપર અનઅધિકૃત પ્રવૃત્તિ કરવામાં આવી છે. જે નીતિ નિયમો મુજબ નહી હોવાથી તાત્કાલીક અસરથી બંધ કરાવવુ અને પ્લોટ પરત લેવાની તજવીજ કરવી. અરજદારે જે સમયે જાણ કરી તે વખતે હોટલનુ બાંધકામ ચાલુ હતુ. અરજી બાદ તા.૮-૧૧-૨૦૨૩ ના રોજ નાયબ કાર્યપાલક ઈજનેરે લક્ષ્મી ઓઈલ મીલને નોટીસ આપી હતી કે, રજુ કરેલા ફોટોગ્રાફની નકલ પ્રમાણે વાણિજ્ય બાંધકામ કરવામાં આવેલ છે. તે કચેરીના રેકર્ડ મુજબ અનઅધિકૃત જણાય છે બાંધકામ માટે સક્ષમ સત્તા મંડળ પાસેથી કોઈ પણ પ્રકારની મંજુરી લીધી હોય તો ૧૫ દિવસમાં રજુ કરવી અન્યથા બાંધકામ દૂર કરવુ. ત્યારબાદ જી.આઈ.ડી.સી. મહેસાણાના કાર્યપાલક ઈજનેરે તા.૧૭-૧૧-૨૩ ના રોજ પ્લોટ ધારકને ફરીથી નોટીસ આપી હતી કે પ્લોટ ઉપર વાણિજ્ય બાંધકામ કરવામાં આવેલ છે. જે બાંધકામ અનઅધિકૃત જણાય છે. પ્લોટમાં ચાલી રહેલી વાણિજ્ય પ્રવૃત્તિ તથા બીન અધિકૃત બાંધકામ દૂર કરી અત્રેની કચેરીને જાણ કરવી. ત્યારબાદ જી.આઈ.ડી.સી. મહેસાણા પ્રાદેશિક મેનેજરે તા.૧૪-૨-૨૦૨૪ ના રોજ નોટીસ આપી હતી કે, નાયબ કાર્યપાલક ઈજનેર અને કાર્યપાલક ઈજનેર મહેસાણા દ્વારા અનઅધિકૃત બાંધકામ અને વાણિજ્ય પ્રવૃત્તિ માટે નોટીસ આપવા છતા વાણિજ્ય પ્રવૃત્તિ બંધ કરવામાં આવી નથી. જે નિગમ સાથે કરાયેલ કરારખતની શરતોનો ભંગ થતો હોઈ કરાર રદ કેમ ન કરાયો તેનો ખુલાશો ૧૦ દિવસમા રજુ કરવા જણાવ્યુ હતુ. આ દરમ્યાન લક્ષ્મી ઓઈલ મીલ દ્વારા પ્લોટમાં હોટલની મંજુરી માટેની પરવાનગીનો પત્ર લખ્યો હતો. પરંતુ હેતુફેર માટેની કોઈ નીતિ અમલમાં નહી હોવાથી મંજુરી માટેની અરજી રદ કરવામાં આવી હતી.
લક્ષ્મી ઓઈલ મીલના પ્લોટ ધારક ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમના અધિકારીઓની નોટીસોને ઘોળીને પી જતા છેવટે પ્રાદેશીક મેનેજરે તા.૪-૩-૨૦૨૪ થી નોટીસ આપી છેકે આ પ્લોટ ઔદ્યોગિક ઉપયોગ માટે ફાળવ્યો હતો. જેમાં કરારની શરતોનો ભંગ કરવામાં આવ્યો હોઈ કરાર ખત રદ કેમ ન કરવો જેનો ખુલાસો નિયત સમયમાં કરવામાં આવેલ ન હોઈ નિગમના કરારખતની શરતોનુ ઉલ્લંઘન કરવામાં આવેલ છે. જેથી નિગમના નિયમોનુસાર આપના કરારખત રદ કરવામાં આવે છે. નોધપાત્ર બાબત છેકે અરજદાર દ્વારા હોટલનુ બાંધકામ થતુ હતુ તે વખતેજ જી.આઈ.ડી.સી. તંત્રને જાણ કરી હતી. પરંતુ કોઈ કડક કાર્યવાહી ન થતા ઔદ્યોગિક પ્લોટમાં બાંધકામ પણ થઈ ગયુ અને હોટલ પણ શરૂ થઈ ગઈ છે. આ હોટલમાં બેન્કવેટ હૉલમાં જન્મદિન, એનિવર્સરી, રીંગ સેરેમની જેવી નાની મોટી પાર્ટીઓ થાય છે ત્યારે ફાયર સેફ્ટીની પણ કોઈ સુવિધા કરવામાં ન આવી હોવાનુ જાણવા મળ્યુ છે.