ગોવિંદચકલા પાટીદાર ટ્રસ્ટને ઉકરડાવાળી ૯૧૪૯ ચો.મી.જમીનનો કબજો સોંપાયો
મંત્રી ઋષિભાઈ પટેલે દિકરીઓના સન્માન કાર્યક્રમમાં પાઠવેલી શુભેચ્છા ફળી
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બનતા તેમના પ્રયત્નોથી આપેલી શુભેચ્છાઓ મોટા સમાજોને ફળી રહી છે. એમ.એન.કોલેજ રોડ ઉપરની શ્રીસરકાર થયેલી ઉકરડાવાળી જગ્યાનો પ્રશ્ન વર્ષોથી અટવાયો હતો. ત્યારે ૯૧૪૯ ચો.મી. જગ્યા ગોવિંદચકલા પાટીદાર ટ્રસ્ટને સોપવા મહેસુલ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે. ટ્રસ્ટ બજાર કિંમત કરતા ૫૦ ટકા રકમ ભરતા વિસનગર સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ દ્વારા ટ્રસ્ટીઓને સ્થળ ઉપર કબજા પાવતી આપવામાં આવી હતી.
ગેરકાયદેસર જમીન પચાવી પાડવી હોય તો સમય થતો નથી. જમીનો પચાવી તેમાં રાતોરાત બાંધકામ થઈ જતા હોય છે અને વર્ષો સુધી ભોગવટા થતા હોય છે. જ્યારે હક્કની કાયદેસરની જમીન પરત લેવા માટે વર્ષો વીતી જાય છે. આવા આપણા મહેસુલ વિભાગના કાયદા છે. એમ.એન.કોલેજ રોડ ઉપરની ઉકરડાવાળી જગ્યા ગોવિંદચકલા પાટીદાર સમાજની હતી. પરંતુ આ જમીન શ્રીસરકાર થઈ જતા માલિકી માટે ગોવિંદચકલા પાટીદાર ટ્રસ્ટ દ્વારા વર્ષોથી કાર્યવાહી ચાલતી હતી. સમાજના આગેવાનોએ સરકારના મંત્રીઓ, ધારાસભ્યો અને અધિકારીઓને ઘણી રજુઆત કરી હતી. પરંતુ માલિકી હક્ક મળતો નહોતો.
વિસનગરના ધારાસભ્ય ઋષિભાઈ પટેલ કેબીનેટ મંત્રી બન્યા બાદ ગોવિંદચકલા પાટીદાર ટ્રસ્ટ વિસનગર દ્વારા તા.૨૫-૧-૨૦૨૨ ની અરજીથી ઉકરડા સદરના સીટી સર્વે નં.૧૩૩૭ (રેવન્યુ સર્વે નં.૨૮૮૫) ક્ષે.હે.આરે ૧-૪૭-૪૬ ચો.મી પૈકી ૯૧૪૯ ચો.મી. જમીન સામાજીક, શૈક્ષણિક તેમજ મહિલા સશક્તિકરણના હેતુથી ફાળવવા માગણી કરી હતી. આ જમીનની કેબીનેટ મંત્રીના માર્ગદર્શનમાં કાર્યવાહી ચાલતી હતી તે દરમ્યાન ગોવિંદચકલા પાટીદાર સમાજ દ્વારા ગોવિંદચકલા પટેલવાડીમાં દિકરીઓના સન્માનનો કાર્યક્રમ કરાયો હતો. જેમાં ઉપસ્થિત મંત્રી ઋષિભાઈ પટેલે હવે પછીનો દિકરીઓના સન્માનનો કાર્યક્રમ ઉકરડાવાળી જગ્યામાં કરવા ગોવિંદચકલા સમાજને શુભેચ્છા પાઠવી હતી. કેબીનેટ મંત્રીની શુભેચ્છા ગોવિંદચકલા પાટીદાર સમાજને ફળી છે.
આ જમીન પ્રથમ પ્રતિ ચો.મીના રૂા.૭૫૦૦/- પ્રમાણે ૯૧૪૯ ચો.મીના રૂા.૬,૮૬,૧૭,૫૦૦/-(છ કરોડ છયાસી લાખ સત્તર હજાર પાચસો) ભરવાની શરતે ફાળવવામાં આવી હતી. પરંતુ ટ્રસ્ટ સમાજ ઉપયોગી પ્રવૃત્તિઓ કરતુ હોવાથી ૫૦ ટકા બજાર કિંમતે જમીન ફાળવવાનો હુકમ કરતા રૂા.૩,૪૩,૦૮,૭૫૦/- ભરવાની શરતે મંજુરી આપી હતી. જાણવા મળ્યા પ્રમાણે આ નાણાં સમાજ દ્વારા ભરી દેવામાં આવ્યા છે. જમીન ફાળવણીની સાથે આ જમીન નવી, અવિભાજ્ય અને વિક્રિયાદીત નિયંત્રીત શરતે ગ્રાન્ટ કરવામાં આવી હોવાથી સરકારની પૂર્વ મંજુરી સીવાય અન્ય કોઈ વ્યક્તિ, સંસ્થાને જમીન ગીરો, વેચાણ, બક્ષીસ ભાડે કે પેટા ભાડે આપી શકાશે નહી. જે હેતુથી ફાળવવામાં આવી છે તે હેતુથી એટલે કે સામાજીક, શૈક્ષણિક તેમજ મહિલા સશક્તિકરણના હેતુથીજ જમીનનો ઉપયોગ કરી શકાશે. અરજદાર સંસ્થાએ જમીનનો ઉપયોગ વિસનગર શહેરના સમગ્ર વર્ગોના સાર્વજનિક હેતુ માટે કરવાનો રહેશે. જમીનનો કબજો મળ્યા બાદ બાંધકામ લે-આઉટ પ્લાન અત્રેની હુકમની તારીખથી છ માસમાં સક્ષમ અધિકારી પાસેથી મંજુર કરાવી અને બે વર્ષમાં તેનો ઉપયોગ કરી દેવાનો રહેશે. વિગેરે શરતો આધારે મહેસુલ વિભાગના હુકમથી જીલ્લા કલેક્ટર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવી છે. તા.૨૮-૬-૨૦૨૩ ના કલેક્ટરના હુકમ બાદ સીટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ શૈલેષભાઈ ચૌધરીએ સ્થળ ઉપર કબજા પાવતી આપતા ગોવિંદચકલા પાટીદાર ટ્રસ્ટના પ્રમુખ સહિતના આગેવાનોએ ઉકરડાવાળી જમીનનો કબજો મેળવ્યો હતો. જમીનની માલિકી મેળવવા ધિરજ રાખતી ગોવિંદ ચકલા પાટીદાર સમાજના આગેવાનોની વર્ષોની મહેનત અભિનંદનને પાત્ર છે. મંત્રી ઋષિભાઈ પટેલની વગના આધારેજ આ કિંમતી જમીન મળી છે. શહેર મધ્યે ખુલ્લી જગ્યાના કારણે ભારે ગંદકી થતી હતી. જોકે ગોવિંદચકલા સમાજના તત્કાલીન પાલિકા પ્રમુખ ગીરીશભાઈ પટેલે ઉકરડામાં પુરાણ કરાવી ગંદકી દૂર કરી હતી.