Select Page

પાલિકા ભવનમાં રૂા.૨.૪૧ કરોડ માફ ન થયા પરંતુ હપ્તા કરી રાહત આપીકેબિનેટ બેઠકમાં મંત્રીશ્રી અને મંત્રીશ્રીના કારણે પાલિકા ગુમરાહ

વિસનગર પાલિકા ભવનની જગ્યામાં સરકારની કેબિનેટ બેઠકના નિર્ણય બાદ રૂા.૨.૪૧ કરોડની રાહત મળી હોવાના અહેવાલથી પાલિકા તંત્ર રાજીના રેડ થઈ ગયુ હતુ પરંતુ જીલ્લા કલેક્ટરનો પત્ર મળ્યો ત્યારે ભાંડો ફુટ્યો કે રૂા.૨.૪૧ કરોડની રાહ નથી મળી પણ આ રકમ ચુકવવા હપ્તાની રાહત આપવામાં આવી છે.
સરકારની જગ્યા હોય અને અર્ધસરકારી સંસ્થાને બજાર કિંમતે આપવામાં આવે તે નવાઈની બાબત છે. તાલુકા પંચાયત કંમ્પાઉન્ડમા પાલિકા ભવન માટે ૧૨૦૦ ચો.મી. જમીન ફાળવવામાં આવી હતી. આ જમીન બજાર કિંમત રૂા.૨૧,૧૭૪/-ના ભાવથી કુલ રૂા.૨,૫૪,૦૮,૮૦૦/- માં વિસનગર પાલિકાને આપવા માટે મહેસુલ વિભાગ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો. જેમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલની ભલામણથી કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલે મુખ્યમંત્રી સમક્ષ ભલામણ કરી હતી કે, પાલિકાની આર્થિક સ્થિતિ નબળી હોવાથી જમીનની કુલ કિંમત ભરી શકવા સક્ષમ નથી. જેથી ભરવા પાત્ર રકમના ૫૦ ટકા રકમ સરળ હપ્તામા કરી જમીનનો કબજો આપવો.
માતબર રકમની રાહત મળ્યાનો હરખ સમાતો નહતો.
આ તો કલેક્ટરનો પત્ર આવ્યો ત્યારે ખબર પડી કે ઉલ્લુ બન્યા
કેબિનેટ બેઠકમાં જંત્રી કિંમતે પાલિકા ભવનની જગ્યા આપવામાં આવી હોવાનુ જાણી રૂા.૨,૪૧,૪૮,૮૦૦/- નો ફાયદો થયો હોવાથી પાલિકા તંત્ર રાજીના રેડ થયુ ગયુ હતુ. રાહતની આ રકમથી અન્ય વિકાસના કામો થશે તેવા સ્વપન જોવાતા હતા. કેબિનેટ મંત્રી ઋષિભાઈ પટેલની વગથી કેબિનેટ બેઠક દ્વારા માતબર રકમની રાહત આપતો ખાસ કિસ્સામા નિર્ણય કરવામાં આવ્યો હોવાનુ કહેવાતુ હતુ. ત્યારે જીલ્લા કલેક્ટર દ્વારા પાલિકા ભવન માટે નાણાં ભરવાનો પત્ર જોઈ પાલિકા તંત્રનો હરખ ઓસરી ગયો હતો.
મહેસુલ વિભાગ દ્વારા જીલ્લા કલેક્ટરને પત્ર લખવામાં આવ્યો હતો જે આધારે જીલ્લા કલેક્ટરે પાલિકાને પત્ર લખ્યો છે કે ખુલ્લા પ્લોટની રૂા.૧૦૫૦/- જંત્રી પ્રમાણે ૧૨૦૦ ચો.મી. જમીનના રૂા.૧૨,૬૦,૦૦૦/- દિને ૩૦મા જમા કરાવવા જેથી આગોતરા કબજા મુજબની કાર્યવાહી કરી શકાય. બજાર કિંમત રૂા.૨,૫૪,૦૮,૮૦૦/- માંથી પ્રવર્તમાન જંત્રીના ૧૦૦ ટકા મુજબ થતી કિંમત રૂા.૧૨,૬૦,૦૦૦/- બાદ કરતા બાકી રહેતી તફાવતની રકમ રૂા.૨,૪૧,૪૮,૮૦૦/- અર્ધ વાર્ષિક ચાર સરખા હપ્તામા ભરપાઈ કરવાના રહેશે. એટલેકે દર છ મહિને રૂ.૬૦,૩૭,૨૦૦/- ભરવાના રહેશે. અર્ધવાર્ષિક સમયગાળો પુરો થવાના બીજા મહિનાની મોડામા મોડા પાંચ તારીખ સુધીમાં હપ્તાની રકમ જમા કરવામાં નહી આવે તો વિલંબીત સમય માટે ૮ ટકા લેખે વ્યાજની રકમ વસુલ કરવામાં આવશે. આમ પાલિકા ભવનની જગ્યા ફાળવણીમાં કેબિનેટ મંત્રી સાથે પાલિકા તંત્ર પણ ગુમરાહ થયુ હતુ. હકિકતમા જગ્યા ફાળવણીમા પાલિકાને કોઈ ફાયદો થયો નથી. બાકીની રકમ ચાર હપ્તામા ભરવાની રાહત આપવામા આવી છે.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us