શું ચૌધરી સમાજની સંસ્થા છે એટલે ભેદભાવ આદર્શ વિદ્યાલય આગળ સ્વચ્છતાની જગ્યાએ ગંદકીના ઢગ
ચુંટણીમા દરેક સમાજના મત લેવા માટે ખોળા પાથરવાના અને સત્તામાં આવ્યા બાદ એવો નશો ચડી જાય છે કે નાના સમાજો અને સંસ્થાઓની કોઈ રજુઆત તથા પ્રશ્નો ધ્યાને લેવાતા નથી. આદર્શ વિદ્યાલયમાં અસંખ્ય વિદ્યાર્થીઓની અવર જવર રહે છે. શૈક્ષણિક સંસ્થા આગળ સ્વચ્છતા જાળવવાનો સરકારનો પરિપત્ર છે. ત્યારે આ શૈક્ષણિક સંસ્થા આગળ સ્વચ્છતાની જગ્યાએ દિવસે દિવસે ગંદકી વધી રહી છે. પાલિકા નહી ગણકારતા હવે તો જાતિ ભેદની ચર્ચાઓ થઈ રહી છે કે શું ચૌધરી સમાજની સંસ્થા છે એટલે ભેદભાવ રાખવામાં આવે છે!
વિસનગરમા ચૌધરી આંજણા સમાજની શ્રી અખીલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ કે.કે.ચૌધરી તથા સભ્યોની મહેનતથી આજ આદર્શ શૈક્ષણિક સંકુલનો શિક્ષણ ક્ષેત્રે હરણફાળ વિકાસ થઈ રહ્યો છ.ે ચૌધરી આંજણા સમાજના દાતાઓના કરોડોના દાનથી સંસ્થામાં અદ્યતન સુવિધાઓ ઉભી થઈ રહી છે. જેનો તમામ સમાજના વિદ્યાર્થીઓને લાભ મળી રહ્યો છે. ત્યારે મદદરૂપ બનવાની જગ્યાએ પાલિકા તંત્ર વિકાસમાં અડચણરૂપ બની રહ્યુ છે. શૈક્ષણિક સંસ્થાઓ આગળ સ્વચ્છતા જાળવવી, જાહેર રોડ ઉપર હોય તો સંસ્થા આગળ બંપ બનાવવા એવા અગાઉ સરકારના પરિપત્રો થયા છે. પરંતુ આ પરિપત્રોનો અમલ કરવામાં વિસનગર પાલિકા દ્વારા ભેદભાવ રાખવામાં આવતો હોય તેમ જણાય છે. સાંકળચંદ પટેલ યુનિવર્સિટી, નૂતન હાઈસ્કુલ, સરદાર પટેલ વિદ્યાલય વિગેરે શૈક્ષણિક સંસ્થાઓ આગળ સ્વચ્છતાનુ પુરેપુરૂ ધ્યાન આપવામાં આવે છે. જ્યારે આદર્શ વિદ્યાલય આગળ સ્વચ્છતા જાળવવાની જગ્યાએ ગંદકી વધારવામાં આવતી હોય તેમ જણાય છે. આ સંસ્થાના બંન્ને દરવાજા આગળ કચરા સ્ટેન્ડ બનાવી દેતા આખો દિવસ પારાવાર દુર્ગંધ મારતી ગંદકી જોવા મળી રહી છે.
આદર્શ શૈક્ષણિક સંકુલમા પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા, ઉચ્ચત્તર માધ્યમિક શાળા, કોલેજ તથા છાત્રાલય ચાલે છે. અસંખ્ય વિદ્યાર્થીઓની અવર જવર રહે છે. ત્યારે સ્વચ્છતા જાળવવાની જગ્યાએ સંસ્થાના બંન્ને દરવાજા આગળ રોગચાળાને આમંત્રણ આપતી દુર્ગંધ મારતી ગંદકી બારેમાસ જોવા મળે છે. સંસ્થા દ્વારા એક વખત નહી પરંતુ અનેક વખત પાલિકામાં લેખીત તથા મૌખિક રજુઆત કરવામાં આવી છે પરંતુ પાલિકાની નજરમાં આ માતબર શૈક્ષણિક સંસ્થાની કોઈ કિંમત નથી કે કંઈ પડી નથી. સંસ્થાના ગેટ આગળ કચરો ઓછો થવાની જગ્યાએ દિવસે દિવસે વધી રહ્યો છે. પહેલા સંસ્થાના કમાણા રોડ તરફના વરંડા આગળ કચરો ઠલવાતો હતો. હવે પરિસ્થિતિ એવી થઈ છે કે, મેઈન ગેટ સુધી ગંદકી ફેલાયેલી રહે છે. અન્ય સંસ્થાઓ આગળ સ્વચ્છતાની કાળજી રાખવામાં આવે છે ત્યારે આદર્શ આગળ જાણી જોઈને ગંદકી કરવામાં આવતી હોય તેમ જણાતા પાલિકાના આ ભેદભાવથી હવે તો રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે કે, શું હજુ પણ વિધાનસભાની ચુંટણીનો ધ્વેષભાવ ચૌધરી સમાજની સંસ્થા પ્રત્યે રાખવામાં આવી રહ્યો છે! મહેસાણા રોડ ઉપર કેનાલની આગળ ખુલ્લી જગ્યામા કચરા સ્ટેન્ડ કેમ બદલવામાં આવતુ નથી? આદર્શ સંકુલના મુખ્ય ગેટ આગળથી વાહનો પસાર થતા બંપ બનાવવાની માગણી પણ પેન્ડીંગ છે. જે પણ ધ્યાને લેવામા આવતી નથી. વિસનગર પાલિકા સમાજો પ્રત્યે ભેદભાવની માનસિક્તાથી ક્યારે બહાર આવશે?