અર્બન હેલ્થ સેન્ટરની માગણી પાંચ વર્ષથી અધ્ધરતાલ
જુની મામલતદાર ઓફિસ કંમ્પાઉન્ડમાં જગ્યા ફાળવવા અધિકારીઓના ઠાગાઠૈયા
કેબિનેટમંત્રી ઋષિભાઈ પટેલ શહેરનો વિકાસ કરવા પ્રયત્નશીલ છે. પરંતુ સમયના અભાવે પુરતુ ફોલોઅપ લઈ શક્તા નથી. જ્યારે બીજી બાજુ અધિકારીઓ ધ્યાન નહી આપતા વિકાસ કામગીરી આગળ વધતી નથી. જુની મામલતદાર ઓફિસ કંમ્પાઉન્ડમા અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા માટે મંત્રી ઋષિભાઈ પટેલે ૧૦ મહિના પહેલા ભલામણ કરી હતી. પરંતુ રેવન્યુ વિભાગ મંત્રીશ્રીની ભલામણને પણ નહી ગણકારતા અર્બન હેલ્થ સેન્ટરની કામગીરી આગળ વધતી નથી. રેવન્યુ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારની ટીકા ભાજપના અદના નેતાઓએ કરી છે. ત્યારે લોકો વ્યંગ કરી રહ્યા છે કે, મંત્રીશ્રીની ભલામણ હોવા છતાં કામ થતુ નથી તો શુંં આ ફાઈલ આગળ વધારવા માટે પણ વજન મુકવુ પડશે.
વિસનગરના કોટ વિસ્તારમાથી તમામ ઓફિસો બહાર નીકળી ગઈ છે. કોટ વિસ્તારમાં અવર જવર રહે તેમજ લોકોને નજીકમા તબીબી સુવિધા મળી રહે તે માટે દરબાર જુની માલતદાર ઓફિસના કંમ્પાઉન્ડમાં કોર્ટ બીલ્ડીંગની જગ્યા અર્બન હેલ્થ સેન્ટર માટે ફાળવવા છેલ્લા પાંચ વર્ષથી માંગણી કરવામાં આવી રહી છે. ઋષિભાઈ પટેલ જ્યારે ફક્ત ધારાસભ્યની જવાબદારીમા હતા ત્યારે તેમની સમક્ષ અર્બન હેલ્થ સેન્ટર માટે રજુઆત કરવામાં આવી હતી. અત્યારે અર્બન હેલ્થ સેન્ટર નૂતન હાઈસ્કુલની બાજુમાં ભાડાના મકાનમાં કાર્યરત છે. ત્યારે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ઋષિભાઈ પટેલ સમક્ષ જુની મામલતદાર ઓફીસ કંમ્પાઉન્ડમા અર્બન હેલ્થ સેન્ટર શરૂ કરવા ફરીથી રજુઆત થતા મંત્રીશ્રીએ તા.૩૦-૯-૨૦૨૩ના પત્રથી જીલ્લા કલેક્ટરને જગ્યા ફાળવવા ભલામણ કરી હતી. જે સંદર્ભે નિવાસી અધિક કલેક્ટરે તા.૬-૧૧-૨૦૨૩ના પત્રથી જુની મામલતદાર કચેરીની જગ્યાએ અર્બન હેલ્થ સેન્ટર બનાવવા માટે જીલ્લા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગને ફાળવવા સ્થળ તથા રેકર્ડની ચકાસણી કરી સ્પષ્ટ અભિપ્રાય સહ નિયમોનુસારની દરખાસ્ત પ્રાંત અધિકારી મારફતે કરવા વિસનગર મામલતદારને જાણ કરવામાં આવી હતી.
કેબિનેટમંત્રીની ભલામણ બાદ રેવન્યુ વિભાગ દ્વારા જ્યાં ફાળવણી માટે પત્ર વ્યવહાર થતા પરંતુ આઠ માસથી અર્બન હેલ્થ સેન્ટરની જગ્યા માટેની ફાઈલ આગળ વધતી નથી કે મંજુરી મળતી નથી. રેવન્યુ વિભાગમા લેતી દેતી વગર કામ થતા નથી ત્યારે કેબિનેટ મંત્રીના ભલામણ વાળી ફાઈલ પણ આ કારણે અટવાઈ છે કે શું તેવી લોકોમા ચર્ચા થઈ રહી છે. ઋષિભાઈ પટેલને જ્યારથી આરોગ્ય મંત્રી તરીકે જવાબદારી આપી છે ત્યારથી સમગ્ર ગુજરાતમા આરોગ્યલક્ષી સેવાઓનો વ્યાપ વધ્યો છે. કરોડો રૂપિયાના ખર્ચે જીલ્લા કક્ષાની, તાલુકા કક્ષાની હોસ્પિટલો, ગ્રામ્ય વિસ્તારમાં પ્રાથમિક તબીબી સારવાર આપતી પી.એચ.સી., સી.એચ.સી. સેન્ટરોના અદ્યતન બિલ્ડીંગ બન્યા છે. જ્યારે આરોગ્ય મંત્રીના મત વિસ્તારમા રેવન્યુ વિભાગ જગ્યા નહી ફાળવતા અર્બન હેલ્થ સેન્ટરનો વિકાસ ઠેબે ચડ્યો છે તે પણ નગ્ન સત્ય છે.