પાલિકા જનરલમાં OWCના રૂા.૬૦ લાખના પેમેન્ટનો મુદ્દો ઉછળ્યો
સભ્યોને વિશ્વાસમાં લીધા સીવાય પ્રમુખ પેમેન્ટ ચુકવણીમાં સંમતી કેવી રીતે આપી શકે
- મુખ્યમંત્રી ઓનલાઈનમાં ફરિયાદ થઈ-પ્રાદેશિક કમિશ્નર કચેરીના વડા વિસનગર રૂબરૂ આવી મશીનનુ ટેસ્ટીંગ કરી બતાવે
- ફક્ત એજન્ડાની ચર્ચાનોજ આગ્રહ રાખતા વિરોધ પક્ષના નેતા અને દંડક વચ્ચે ચકમક જરી
- થયેલા પેમેન્ટમાં વિરોધ લખી નહી આપે તો ભવિષ્યમાં રૂા.૬૦ લાખની રીકવરીનો મુદ્દો ઉભો થવાની શક્યતાથી સભ્યમાં ગભરાટ
વિસનગર પાલિકાની જનરલમાં ઓ.ડબ્લ્યુ.સી. મશીનના રૂા.૬૦ લાખના ચુકવણાનો મુદ્દો ઉછળ્યો હતો. ઝીરો અવર્સમાં વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ મુદ્દો ઉઠાવતા એજન્ડા મુદ્દેજ ચર્ચા કરવાની દંડકની ટકોરથી ચકમક જરી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલની સંમતીથી પેમેન્ટ ચુકવણુ થયુ હતુ. ત્યારે વિરોધપક્ષના નેતાની જાટકણી સામે ભાજપના સિનિયર સહિતના સભ્યો નીચી મુંડી કરી બેસી રહ્યા હતા. રૂા.૬૦ લાખના પેમેન્ટમાં મોટો ખેલ ખેલાયો છે. ત્યારે વિસનગરની પ્રજાએ જેમને ચુંટીને મોકલ્યા છે તે ભાજપના સભ્યો કોને વફાદાર, પ્રાદેશિક કમિશ્નર કચેરી સામે કઈજ બોલી શકતા નથી તેવા અનેક પ્રશ્નો થઈ રહ્યા છે. ગત ગઠબંધનના બોર્ડમાં હિરહોન્ડા શો-રૂમ પાસેના રસ્તના વિવાદમાં કરેલ બીલની રીકવરી નિકળતા હજુ પણ સભ્યો ઉપર રીકવરીનુ જોખમ છે. ત્યારે ઓ.ડબ્લ્યુ.સી.ના થયેલા પેમેન્ટ સામે વિરોધ લખી નહી આપે તો ભવિષ્યમાં રૂા.૬૦ લાખની રીકવરીનો મુદ્દો ઉભો થવાની શક્યતાથી ભાજપના સભ્યોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. પાલિકા પ્રમુખે ખેલ કર્યો અને સહન સભ્યોને કરવાવારો આવે તેવી ચર્ચાઓ થઈ રહી છે.
વિસનગર પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના અધ્યક્ષસ્થાને, ચીફ ઓફીસર પાર્થ ત્રીવેદી, સ્ટેન્ડીંગ ચેરમેન આશાબેન પટેલ તથા દંડક મેહુલભાઈ પટેલ, સિનિયર સભ્યો ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલ, બાંધકામ ચેરમેન વિજયભાઈ પટેલ વિગેરેની ઉપસ્થિતિમાં પાલિકાની જનરલ સભા મળી હતી. પ્રમુખ વર્ષાબેન પટેલના ચાર્જમાં આ છેલ્લી જનરલ હતી. પરંતુ પ્રમુખ પતિ હર્ષદભાઈ પટેલની ખોટી દખલગીરીથી અઢી વર્ષમાં અનેક વિવાદો ઉભા થયા હોવાથી કોઈ સભ્યએ પ્રમુખનો આભાર માન્યો નહોતો. દંડક મેહુલભાઈ પટેલે જનરલના એજન્ડાનુ વાંચન શરૂ કર્યુ તે પહેલા ઝીરો અવર્સમાજ વિરોધ પક્ષના નેતા શામળભાઈ દેસાઈએ ભાજપના સભ્યોનુ નાક કાપીને પ્રાદેશિક કમિશ્નર કચેરીના ઈશારે થયેલા ઓ.ડબ્લ્યુ.સી.ના રૂા.૬૦ લાખના પેમેન્ટનો મુદ્દો ઉઠાવ્યો હતો. વિરોધપક્ષના નેતાએ ભાજપના બોર્ડનો ઉધડો લીધો હતો કે પાલિકાની જાણ બહાર બારોબાર પેમેન્ટ કંઈ રીતે થયુ, પેમેન્ટ કરવા સામે મોટાભાગના સભ્યોનો વિરોધ હતો તો પ્રમુખ વર્ષાબેન પટેલે પેમેન્ટ કરવા કેમ સંમતી આપી, હાઉસને વિશ્વાસમાં લીધા સીવાય શહેરને કેમ નુકશાન કર્યુ. આ મુદ્દો એજન્ડામાં નથી તેવી દંડક મેહુલભાઈ પટેલે ટકોર કરતાજ વિરોધપક્ષના નેતા શામળભાઈ દેસાઈ ઉકળી ઉઠ્યા હતા કે, અમે પાલિકાના સિનિયર સભ્ય છીએ અને કયો મુદ્દો ક્યારે ઉઠાવવો તેનો ખ્યાલ છે. ઝીરો અવર્સમાં કોઈપણ ચુંટાયેલ સભ્ય કે શહેરનો કોઈપણ વ્યક્તિ પ્રશ્ન ઉઠાવી શકે છે. ખબર ન હોય તો પાલિકાની જોગવાઈઓ વાંચી લેવા માટે પણ ટકોર કરી હતી.
આમતો વિરોધ પક્ષના પ્રશ્નો સામે જનરલમાં ભાજપના સભ્યો એક થઈ જવાબ આપતા હતા. પરંતુ રૂા.૬૦ લાખના પેમેન્ટ ચુકવણીમાં મોટુ કમિશન મળ્યુ હોવાની શંકાથી ભાજપના સભ્યો ચુપ રહીને વિરોધ પક્ષના નેતાને જાણે મુક સંમતી આપી હતી. ભાજપના અદના અને પાયાના નેતાની શેખી મારતા સિનિયર સભ્યો રૂા.૬૦ લાખનુ પેમેન્ટ કરવામાં પ્રાદેશિક કમિશ્નરને રોકી નહી શકતા વિરોધ પક્ષના ધારદાર પ્રશ્નો સામે નીચી મુંડી કરી બેસી રહ્યા હતા. રૂા.૬૦ લાખનુ પેમેન્ટ કરવામાં પ્રમુખની સંમતીના કારણે અત્યારે સમગ્ર ભાજપના બોર્ડને સહન કરવા વારો આવ્યો છે. એજન્ડાની ચર્ચામાં ફરી વિરોધ પક્ષના નેતા વચ્ચે ઉઠી જવાબ માગતા રહ્યા અને હોબાળા વચ્ચે એજન્ડાના ઠરાવો વાંચી જનગણમન શરૂ કરી જનરલ પૂર્ણ કરવામાં આવી હતી. પછી તો શામળભાઈ દેસાઈ બેઠા નહી અને જનગણમનમાં જોડાઈ ગયા. પાલિકા જનરલમાં ૪૫ ઠરાવોમાં ૬ ઠરાવ નામંજુર કરવામાં આવ્યા હતા અને ૩ ઠરાવ પેન્ડીંગ રાખવામાં આવ્યા હતા. પ્રાદેશિક કમિશ્નર કચેરીએ ઉપરવટ થઈ રૂા.૬૦ લાખનુ પેમેન્ટ કરતા એ ૨૧ સભ્યોની બહુમતી ધરાવતા ભાજપના બોર્ડ માટે નામોશી છે. પરંતુ પાર્ટીની શીસ્તના બહાને નહી બોલીને ભાજપના સભ્યો પણ ઓ.ડબ્લ્યુ.સી.ના રૂા.૬૦ લાખના ચુકવણાની ગેરરીતીમાં આડકતરી રીતે સંકળાયેલા હોવાનુ કહી શકાય.
મુખ્યમંત્રીને સોશિયલ મીડિયામાં ફરિયાદ કરાઈ
પ્રાદેશિક કમિશ્નર કચેરીનો વડો વિસનગર આવી OWCનુ ટેસ્ટીંગ કરી બતાવે
વિસનગર પાલિકાના ભાજપના સભ્યો વિરોધ કરતા રહ્યા છતા પ્રાદેશિક કમિશ્નર કચેરી ગાંધીનગરના ઈશારે ઓડબ્લ્યુસીનુ રૂા.૬૦ લાખનુ પેમેન્ટ થતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. પાલિકામાં સત્તા કોની ચુંટાયેલા સભ્યોની કે પછી પ્રાદેશિક કમિશ્નરની તેવા પ્રશ્નો ઉભા થયા છે. હમણા થોડા સમય પહેલાજ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સોશિયલ મીડિયામાં ઓનલાઈન ફરિયાદ કરવાની સુવિધા ઉભી કરી છે. જેમાં વિસનગરના ત્રીવેદી મહેશભાઈ મયાશંકર (પંડીતજી) દ્વારા ઓડબલ્યુસીના રૂા.૬૦ લાખના વિવાદિત પેમેન્ટ બાબતે મુખ્યમંત્રી ઓનલાઈન ફરિયાદ કરવામાં આવી છેકે, વ્યક્તિગત તપાસ કરી ઓડબ્લ્યુસી મશીન ટેન્ડરની શરત પ્રમાણે અને કંપનીએ આપેલ બાહેધરી પ્રમાણે છેકે નહી તે ચકાસો. પાલિકા પ્રતિનિધિઓના વિરોધ સામે આંખ આડા કાન કરી પ્રાદેશિક કમિશ્નર કચેરી દ્વારા બીલ ચુકવાતુ હોય તો આ કચેરીના વહિવટી વડા વિસનગર રૂબરૂ આવી ચાર મશીનોના ટેસ્ટીંગ કરી બતાવે.