ખેરાલુ વિધાનસભા ક્ષેત્રમાં રાજકીય ખીચડી રંધાવાની ચર્ચા
ધારાસભ્ય પછી પૂર્વ ધારાસભ્ય વડાપ્રધાનને મળ્યા
ખેરાલુ વિધાનસભાની ચુંટણીમા ભારે રસાકસી પછી ધારાસભ્ય પદે સરદારભાઈ ચૌધરી ચુંટાયા છે ત્યારથી ભાજપના ત્રણ ભાગ હતા તે બે થઈ ગયા છે. પાટણ લોકસભાની ચુંટણીમાં ભરતસિંહ ડાભીને રિપીટ કરતા ભાજપમા પડેલા ત્રણે ભાગ એક થઈને ભરતસિંહ ડાભી માટે પ્રયત્ન કરતા જોવા મળ્યા છે. હાલમાં ભાજપના સ્પષ્ટ બે ભાગ જોવા મળે છે. ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી અચાનક વડાપ્રધાનને મળવા પહોચ્યા હતા. ત્યારે તમામ લોકોને એક સામાન્ય પ્રક્રિયા હોય તેવુ લાગતુ હતુ પરંતુ તે પછી અચાનક પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળ્યા તે ઉપરથી જરૂર કોઈ રાજકીય ખિચડી પાકતી હોય તેવુ લોકોને લાગે છે.
ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી દ્વારા દિલ્હી વડાપ્રધાનને મળ્યા ત્યારે પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સાથે તેમની મુલાકાત થઈ નહોતી કે મુલાકાત કરી નહોતી તે બાબતે ચર્ચાઓ શરૂ થઈ છે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને મળવા ગયા ત્યારે ગૃહમંત્રી અમિતભાઈ શાહને પણ મળ્યા હતા જેના કારણે રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. ગત વિધાનસભાની ચુંટણીમા ગૃહમંત્રી અમીતભાઈ શાહ ખેરાલુ સભા કરવા આવ્યા ત્યારે તેમણે જાહેર મંચ ઉપરથી જાહેરાત કરી હતી કે ગુજરાતની તમામ વિધાનસભાઓને ૧ ધારાસભ્ય મળે છે. જયારે ખેરાલુ વિધાનસભાને બે ધારાસભ્ય મળશે. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોરની ચિંતા તમે ન કરતા પણ અમે કરીશુ. હવે જયારે બે વર્ષ ના સમય પછી પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર ગૃહમંત્રી અમિતભાઈ શાહને મળતા રાજકીય ગતિવિધી તેજ થઈ ગઈ છે. વડાપ્રધાન અને ગૃહમંત્રીની મુલાકાત માટે પાટણ સાંસદ ભરતસિંહ ડાભીનો પૂર્વ ધારાસભ્ય સહિત તેમની સાથેની ટીમના સભ્યો જાહેરમાં આભાર માનતા જોવા મળે છે. આગામી સમયમાં ખેરાલુ વિધાનસભામા નવા રાજકીય સમિકરણ જોવા મળે તેવી ચર્ચાઓ શરૂ થઈ છે. પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સાથે ખેરાલુ તાલુકા ભાજપ મહામંત્રી ભરતજી ઠાકોર, ખેરાલુ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોર, જિલ્લા અનુસુચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ ચંદ્રકાન્તભાઈ રાવત તથા ખેરાલુ તાલુકા ભાજપના ચાણક્ય દિનેશભાઈ ચૌધરી હિરવાણી અને જીતુભાઈ ચૌહાણ વડાપ્રધાન અને ગૃહમંત્રીને મળવા ગયા ત્યારે પાટણ- સાંસદ ભરતસિંહ ડાભીને ત્યાં રોકાયા હતા. તે પછી ગણત્રીના દિવસોમાં ગાંધીનગર ધારાસભ્ય તથા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશજી ઠાકોર પાટણ સાંસદ ભરતસિંહ ડાભી સાથે વડાપ્રધાનની મુલાકાતે પહોચ્યા હતા જેથી એવુ લાગે છે કે ખેરાલુ વિધાનસભા માટે જરૂર રાજકીય ખિચડી રંધાઈ છે.