Select Page

મતદાર યાદી સુધારણામા સહકાર આપવો એ એક દેશ સેવા

મતદાર યાદી સુધારણામા સહકાર આપવો એ એક દેશ સેવા

ભારત દેશમાંથી ઘુસપેઠીયાઓને બહાર કાઢવા એ ફક્ત ભાજપનીજ જવાબદારી?

તંત્રી સ્થાનેથી…

સ્પેશ્યલ ઈન્ટેન્સીવ રીવીઝન (SIR), મતદાર યાદી શુધ્ધીકરણ પ્રક્રિયા કે મતદાર યાદી વિશેષ ગહન પુનઃનિરિક્ષણ પ્રક્રિયા એ દેશમાં પ્રથમવાર નથી. આ પ્રકારની મતદાર યાદી સુધારવાની પ્રક્રિયા ૧૯૫૧ થી ૨૦૦૪ સુધીમા આઠ વખત થઈ ચુકી છે. ૨૧ વર્ષે દેશની વસ્તીમાં વધારો કે ઘટાડો થયો હોય તેમજ નવા મતદારો સામેલ થયા હોય તેનુ પ્રતિબિંબ મતદાર યાદીમાં પડે તે સૌથી મહત્વનુ છે. કારણકે મતદારયાદી લોકતંત્રમાં એક એવો દસ્તાવેજ છેકે જેના આધારે સરકારો પણ બદલાઈ શકે છે. તેથી ચુંટણી પંચની આ સમગ્ર પ્રક્રિયાને શંકાની નજરથી જોવાની કોઈ જરૂર નથી. વાસ્તવિકતા એ છે કે બિહારની ચુંટણી પહેલા જ્યારે મતદાર યાદીની પુનઃસમીક્ષાનો મુદ્દો ઉઠ્યો તેમાં સૌથી મહત્વપૂર્ણ બાબત દેશના ઘુસપેઠીયાની છે. આ મુદ્દો ભારતના દરેક રાજ્યોની ઓછી વધતી સમસ્યા છે. ભાજપે બિહારની ચુંટણી અગાઉ દિલ્હીની ચુંટણીમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. આપણી કમનસીબી એ છે કે બાગ્લાદેશથી માડીને રોહિંગ્યા(મ્યાનમાર)ના શરણાર્થીઓ લાખ્ખોની સંખ્યામાં ભારતમાં આવીને વસી ગયા છે. ભારતમાં મૂળ બાંગ્લાદેશીઓની સંખ્યા કરોડોમાં થઈ ગઈ છે. આસામ અને બિહાર ઉપરાંત્ત ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં જે રીતે ડેમોગ્રાફીક અસંતુલતા સર્જાઈ છે, તેની પાછળ ઘુસણખોરોની ભૂમિકા મહત્વની છે. દેશમાં ઉત્તર પૂર્વના રાજ્યોમાં આ સમસ્યા સૌથી વધુ છે. ઘુસણખોરોના કારણે દેશમાં અસ્થિરતા સર્જાઈ છે. ઘુસપેઠીયાઓને કામ ધંધો મળતો ન હોઈ અસમાજીક પ્રવૃત્તિઓ કરવા માટે પણ પ્રેરાય છે. ઘુસણખોરોને દેશમાં સરકારી દસ્તાવેજો સાથેની સુવિધાઓ પુરી પાડવાનુ એક દેશ વિરોધી ષડયંત્ર ચાલી રહ્યુ છે. લાખ્ખો કરોડોની સંખ્યામાં પડોશી દેશના લોકો ઘુસી આવતા દેશની અર્થવ્યવસ્થા ઉપર અસર થતા વડાપ્રધાન મોદીની સરકારે ઘુસણખોરોને રોકવા તથા તેમના દેશમાં પરત મોકલવા માટે પ્રયાસો કરી રહ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દરેક સભાઓમાં વગાડી વગાડીને કહી રહ્યા છે કે ભારત દેશ એ કોઈ ધર્મશાળા નથી કે જેની ઈચ્છા થાય તે આવીને ગેરકાયદેસર રોકાય. એનડીએ સરકારે દેશમાં ઘુસણખોરીના મુદ્દાને ખુબજ ગંભીરતાથી લીધો છે. ત્યારે દુઃખ સાથે શરમની વાત છેકે અગાઉની કેન્દ્રીય નેતાગીરીએ વોટ બેન્કની લાલચમાં ઘુસણખોરીને પ્રોત્સાહન આપતા એ વિચાર કર્યો નથી કે, ઘુસણખોરોના કારણે દેશમાં રહેતા લોકોની હાલત શુ થશે. ઘુસપેઠીયા ભારત દેશમાં રહેતા લોકોને મળતી સુવિધામાં ભાગ પડાવી રહ્યા છે. ભારત દેશની વ્યવસ્થા ઉપર પ્રથમ હક્ક દેશમાં રહેતા લોકોને છે. જ્યારે કરોડોની સંખ્યામાં રહેતા ઘુસણખોરોના કારણે દેશમાં રહેતા મૂળ નાગરિકોને અનેક ઘણુ નુકશાન થઈ રહ્યુ છે. પરંતુ આપણી કમનસીબી એ છેકે ઘુસણખોરોને આપણે રાષ્ટ્રીય સમસ્યા કરતા રાજકીય સમસ્યા તરીકે વધુ જોઈએ છીએ. ત્યારે પ્રશ્ન એ થાય છેકે દેશમાં ઘૂસણખોરી રોકવાની જવાબદારી એકલી ભારતીય જનતાપાર્ટીની છે? અન્ય પક્ષો ઘુસણખોરો બાબતે કેમ કોઈ શબ્દ ઉચ્ચારતા નથી. એનો મતલબ એ કે બીજા પક્ષોને ભારત દેશનુ અને ભારતમાં રહેતા લોકોના હિત કરતા પોતાના રાજકીય હિતનુ મહત્વ વધારે છે. બિહારની ચુંટણી પહેલા ચુંટણી પંચ દ્વારા મતદાર યાદી શુધ્ધીકરણ પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વિરોધપક્ષના પેટમાં તેલ રેડાયુ અને વોટ ચોર ગદ્દી છોડ નો મુદ્દો ઉઠાવ્યો. બિહારમાં સર પ્રક્રિયાના કારણે ૬૫ લાખ મતદારોના મતદારયાદીમાંથી નામ દૂર થયા. બિહારમાં બે તબક્કાની ચુંટણીમાં ૬૫ ટકા જેટલુ ઐતિહાસિક મતદાન થયુ તેની પાછળ ચુંટણીપંચની મતદાર યાદી પુનઃસમીક્ષા પણ મહત્વની હોઈ શકે. ઉત્તર પૂર્વના રાજ્યોમાં આસામમાં જે લોકો ઘૂસ્યા છે તેમને દૂર કરવા માટે નેશનલ સીટીઝન રજીસ્ટ્રીની પ્રક્રિયા ચાલે છે. જેથી આસામમાં મતદાર યાદી શુધ્ધીકરણ પ્રક્રિયા કરવામાં આવી નથી. પરંતુ બિહાર બાદ ગુજરાત સહિતના ૧૨ રાજ્યમાં મતદાર યાદી ખાસ સઘન સુધારણાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. ચુંટણી પંચ ભારત દેશ અને દેશમાં રહેતા લોકોના હિતમાં અત્યારે કામ કરી રહ્યુ છે. બુથ લેવલ ઓફીસરો મતદારોના ઘેર જઈને ફોર્મ વિતરણ કરી રહ્યા છે. ત્યારે મતદાર યાદી સુધારણાની આ કામગીરીમાં સહકાર આપવો એ એક દેશ સેવા છે. ભારતમાં જે લોકો વર્ષોથી રહે છે અને વર્ષ ૨૦૦૨ ની મતદાર યાદીમાં નામ છે તેમને આ પ્રક્રિયાનો કોઈ ડર રાખવાનો નથી. જે મતદારોના એક થી વધુ જગ્યાએ મતદાર યાદીમાં નામ છે તેમને જરૂર તકલીફ થવાની છે. બી.એલ.ઓ. દ્વારા આપવામાં આવતા ફોર્મમાં આધાર કાર્ડ નંબર પણ માગવામાં આવ્યો છે. આધારકાર્ડ સાથે ચુંટણી કાર્ડ પણ લીંક થશે. જેથી ઘુસણખોરોએ ખોટી રીતે લીધેલા કાર્ડમાં દૂધનુ દૂધ અને પાણીનુ પાણી થઈ જશે. દેશ હિતમાં ચાલતી ચુંટણી પંચની પ્રક્રિયાને આવકારી સહકાર આપવાની જગ્યાએ પશ્ચિમ બંગાળ અને તામિલનાડુમાં અગાઉથી સ્થાનિક શાસક વિપક્ષે ચુંટણી પંચની કામગીરી સામે વાંધો લેવાનુ શરૂ કરી દીધુ છે. જોકે ચુંટણી પંચે ગર્ભિત રીતે ચેતવણી આપી દીધી છેકે મતદાર યાદી કે ચુંટણી પ્રક્રિયામાં સહકાર આપવો તે રાજ્ય સરકારની ફરજ છે. વિપક્ષ દ્વારા આ સમગ્ર પ્રક્રિયાને વોટ ચોરીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે દેશને નુકશાન કરતા, દેશના લોકોને નુકશાન કરતા ઘુસપેઠીયાઓની ઓળખ છતી થતી હોય તો તેનો વિરોધ કરવાનુ કારણ શું?