સાંકળચંદ યુનિ.માં એડમિશન કૌભાંડમાં CID ક્રાઈમની તપાસનો ધમધમાટ
એસ.સી.,એસ.ટી. કેટેગરીમાં ભૂતિયા એડમિશન થયા હોવાની અરજી આધારે
રાજ્યના આદિવાસી વિસ્તારના એસ.સી., એસ.ટી. કેટેગરીના વિદ્યાર્થીઓ વિનામૂલ્યે શિક્ષણ મેળવી પગભર બને તે માટે સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. ત્યારે ગુજરાતના શિક્ષણ માફીયા સ્કોલરશિપમાં કૌભાંડ કરી પોતે પગભર બની રહ્યા છે. વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં આવુ કૌભાંડ થયાની થયેલી અરજી આધારે સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગર દ્વારા તપાસનો ધમધમાટ થતા ભારે ચકચાર જાગી છે. આ કેટેગરીમાં જે વિદ્યાર્થીઓએ એડમિશન લીધા હતા અને કોલેજમાં આવ્યા નથી તેવા વિદ્યાર્થીઓના જવાબ લેવા માટે પણ સી.આઈ.ડી. ક્રાઈમે સમન્સ મોકલ્યા હોવાનુ જાણવા મળ્યુ છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે સંકળાયેલા માફીયા સમાજમાં શૈક્ષણિક સેવા કરતા હોવાના ડોળ કરે છે, પરંતુ ઉંડી તપાસ કરવામાં આવે તો તંત્રમાં ઉધઈની જેમ ફેલાયેલા આ માફીયા સેવા માટે નહી પરંતુ મેવા માટે શિક્ષણની હાટડીઓ લગાવી હોવાનુ બહાર આવે તેમ છે. આદિવાસી વિસ્તારના એસ.સી., એસ.ટી. કેટેગરીના ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ વિનામુલ્યે ઉચ્ચ શિક્ષણ મેળવી પગભર બને તે માટે સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવે છે. પરંતુ શિક્ષણ માફીયાઓએ રાજ્યવ્યાપી એવુ કૌભાંડ આદર્યુ છેકે જેમાં એડમિશન આપની કોલેજોને સ્કોલરશિપની ગ્રાન્ટ મળે છે પરંતુ આદિવાસી પછાત વિસ્તારના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ મળતુ નથી. ગુજરાતમાં આવી ઘણી કોલેજો હશે. તેમાં વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિવાદમાં આવી છે. વિસનગર તાલુકાના કાંસા ગામના અને હાલ ગાંધીનગર રહેતા અશ્વીનકુમાર સોમાભાઈ પટેલ દ્વારા સાંકળચંદ પટેલ યુનિવર્સિટી વિરુધ્ધ સરકારના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ સહિત સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરમાં અરજી કરવામાં આવી હતી કે, વર્ષ ૨૦૨૦-૨૧ માં યુનિવર્સિટીની વિવિધ કોલેજમાં એસ.સી., એસ.ટી. કેટેગરીમાં ભૂતિયા એડમિશન કરવામાં આવ્યા છે. આ કેટેગરીના એડમિશનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કોલેજમાં આવ્યા નથી છતા સ્કોલરશિપ ફળવાઈ છે અને બેંકમાંથી સ્કોલરશિપના નાણાં ઉપડી ગયા છે. આદિવાસી વિસ્તારની સ્કુલોમાંથી વિદ્યાર્થીઓને એડમિશન કરાવનાર એજન્ટને રૂા.૧.૫૦ કરોડ ચુકવ્યા હોવાનો પણ આક્ષેપ છે. વિસનગરના ધારાસભ્ય તેમજ ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના મંત્રી ઋષિભાઈ પટેલની ઓફીસમાં પણ આ કૌભાંડના પુરાવા પહોચી ગયા છે. પરંતુ હજુ સુધી તપાસના કોઈ આદેશ થયા હોય તેવુ જાણવા મળ્યુ નથી.
સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં થયેલા એડમિશન કૌભાંડની અશ્વિનકુમાર સોમાભાઈ પટેલ દ્વારા સી.આઈ.ડી. ક્રાઈમ ગાંધીનગરમાં પણ અરજી કરવામાં આવી હતી. જે અરજી આધારે સી.આઈ.ડી. ક્રાઈમે યુનિવર્સિટીના પ્રમુખ પ્રકાશભાઈ પટેલ તથા કૌભાંડમાં સંકળાયેલા અન્ય ૧૨ વ્યક્તિઓને જવાબ લેવા માટેનુ સમન્સ આપી તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવતા શૈક્ષણિક નગરીમાં ભારે ચકચાર જાગી છે.