Select Page

પાલિકા તંત્રએ ઓચિંતી તપાસ કરી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો કચરાના ટ્રેક્ટરમાં નાખવાના બટાકા પકોડીમાં વપરાય છે

પાલિકા તંત્રએ ઓચિંતી તપાસ કરી અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો કચરાના ટ્રેક્ટરમાં નાખવાના બટાકા પકોડીમાં વપરાય છે

સ્વાદપ્રીય લોકો હોસે હોસે પકોડી ખાય છે, પરંતુ પરપ્રાંતિય પકોડીના વેપારીઓ સ્વાદપ્રીય જનતા સાથે વિશ્વાસઘાત કરી રહ્યા છે. વિસનગર પાલિકા ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદીના માર્ગદર્શનમાં સ્વચ્છતા વિભાગની ટીમ દ્વારા પકોડી બનાવતા વેપારીઓના નિવાસ્થાને ઓચિંતી તપાસ કરતા નાકનુ ટેરવુ ચડી જાય, ચિતરી ચડે તેવી અખાદ્ય સામગ્રી જોવા મળી હતી. તપાસમાં બાફેલા અને કેરેટમાં ભરેલા સડેલા ૧૫૦ કિલો બટાકાનો નાશ કરવામાં આવ્યો હતો. કચરાના ટ્રેક્ટરમાં નાખી દેવાના સડેલા બટાકા સસ્તા ભાવે ખરીદી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાર કરતા આવા વેપારીઓ સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. હવે અખાદ્ય વસ્તુઓ પકડાશે તો કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી હતી.
ચણા પ્લાસ્ટીકની કોથળીમાં બાંધીને બટાકાના તપેલામાં બાફવામાં આવે છે
કેટલીક મહિલાઓ બજારમાં શાકભાજી ખરીદવા નીકળે કે અન્ય કોઈ ખરીદી કરવા નીકળે એટલે પાણીપુરીનો ચટાકો માણ્યા વગર રહી શકતી નથી. સ્વાદના શોખીન કેટલાક પુરુષો પણ પકોડીનો સ્વાદ માણ્યા વગર રહી શકતા નથી. ત્યારે સ્વાદના શોખીનો એ બાબતથી અજાણ છે કે પકોડીના વેપારીઓ ગ્રાહકોના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વગર અખાદ્ય સામગ્રી ખવડાવી રહ્યા છે. ટાઈફોઈડના કેસ વધતા તંત્ર સચેત થયુ છે અને ખાસ કરીને પાણીપુરીના વેપારીઓના નિવાસ્થાને તપાસ શરૂ કરી છે. વિસનગર પાલિકાની સ્વચ્છતા વિભાગની ટીમ દ્વારા શહેરમાં પકોડીનો વેપાર કરતા આઠ થી દસ જેટલા વેપારીઓના નિવાસ્થાને સવારે ઓચિંતી તપાસ કરી હતી. જેમાં મોટાભાગના વેપારીઓના ત્યા કેરેટમાં ભરેલા કાચા બટાકા સડેલા હોવાનુ જણાયુ હતુ. જે બટાકા બાફવામાં આવ્યા હતા તે પણ સડેલા હતા. લોકો વિશ્વાસ રાખી પાણીપુરી ખાય છે ત્યારે વેપારીઓ જેનો ઉપયોગ કરવાનો ન હોય અને ફેકી દેવાના હોય તેવા બટાકા બાફીને ખવડાવે છે. જ્યા બટાકા બાફવામાં આવતા હતા અને પકોડી બનાવવામાં આવતી હતી તે સ્થળે ઉભા રહી શકાય નહી તેવી ગંદકી જોવા મળી હતી. ગ્રાહકોને આકર્ષવા સ્ટીલની ફ્રેમવાળી સુશોભિત કરેલી લારીઓમાં પકોડી ભરવામાં આવે છે. પરંતુ પકોડી જ્યા બનાવવામાં આવે છે ત્યા નકરી ગંદકી જોવા મળી હતી.
અત્યારે કેન્સરના કેસ વધતા ખાદ્યવસ્તુમાં પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળવા સૂચનો કરવામાં આવે છે. ત્યારે બળતણનો ડબલ ખર્ચ થાય નહી તે માટે વિસનગર પાલિકાની તપાસમાં પ્લાસ્ટીકની કોથળીમાં ચણા ભરીને બટાકાના તપેલામાં બાફવામાં આવતા હોવાનુ પકડાયુ હતુ. લોકો નિયમિત પાણીપુરી ખાય છે. ત્યારે આ વેપારીઓ લોકોના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોય તેવુ ક્યાંય જોવા મળ્યુ નહોતુ. સ્વચ્છતા વિભાગની ટીમે ૧૫૦ કિલો સડેલા બટાકા સહિતની અખાદ્ય સામગ્રીનો નાશ કર્યો હતો. હવે પછી તપાસમાં અખાદ્ય વસ્તુઓ પકડાશે તો તેવા ઈસમો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તાકીદ કરવામાં આવી હતી. જોકે ઘણા સમય બાદ પાલિકાએ પકોડીના વેપારીઓના ત્યા તપાસ કરી હતી. ત્યારે આ વેપારીઓએ અત્યાર સુધી કેટલા સડેલા બટાકા ખવડાવ્યા હશે તે ચિંતાનો વિષય છે. પ્લાસ્ટીકની કોથળીમાં ભરીને ચણા બટાકાની સાથે બાફવામાં આવતા હોવાથી પાણીપુરી ખાવાવાળાને કેન્સરનો રોગ થવાની પણ શક્યતા છે. લોકોના સ્વાસ્થ્યના હિતમાં પાણીપુરીના વેપારીઓના ત્યા આંતરે દિવસે તપાસ કરવામાં આવે તે હિતાવહ છે.