
જી.ડી.મેદાનમાં ફટાકડા સ્ટોલ ફાળવણીની હિલચાલથી વેપારીઓ તણાવમા

આગ હોનારતના બનાવોથી તંત્રની નાના વેપારીઓ ઉપર ભીસ
- હાઈસ્કુલના મેદાનમાં અત્યારે પાણીથી ભરાયેલુ છે ત્યારે ફટાકડાના સ્ટોલ કઈ રીતે ઉભા કરી શકાશે?
- અગાઉ પ્રાન્ત ઓફીસર બેનીવાલે આ નિર્ણય લેતા પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસાએ વેપારીઓને ન્યાય અપાવ્યો હતો
- કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ નાના વેપારીઓના હિતમા તંત્ર પાસે નિર્ણય કરાવે તેવી લાગણી
વિસનગરમાં વર્ષોથી ગૌરવપથ રોડ ઉપર ડોસાભાઈ બાગ આગળ ફટાકડાના સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે છે. નાના વેપારીઓ અગ્નિશામકની પુરી વ્યવસ્થા કરતા અને સાવચેતી રાખતા હજુ સુધી કોઈ નુકશાનકારક બનાવ બન્યો નથી. પરંતુ ગુજરાતમાં આગ હોનારતના બનાવો બનતા વિસનગર પ્રાન્ત ઓફીસર દ્વારા જી.ડી.મેદાનમાં ફટાકડા સ્ટોલ ફાળવણીની હિલચાલ થતા નાના વેપારીઓ તણાવમાં આવી ગયા છે. મોટા વેપારીઓ દુકાનોમાં ફટાકડાનો ધંધો કરે છે. ત્યારે જાહેર રોડથી અંદરના મેદાનમાં ફટાકડા સ્ટોલ સુધી ગ્રાહકો આવશે કે નહી તે ચિંતા વેપારીઓને સતાવી રહી છે. કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ નાના વેપારીઓના હિતમાં નિર્ણય કરાવે તેવી વેપારીઓની માગણી છે.
મોટા માથાઓની ભુલમા હંમેશા નાના લોકોનેજ શોષવા વારો આવે છે. રાજકોટ ગેમઝોનમાં આગ હોનારતમાં ૨૭ લોકોએ જીવ ગુમાવતા હવે સરકાર સતર્ક બની છે. આગના બનાવ ન બને તે માટે એક માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. સરકારની આ કડક કાર્યવાહીના કારણે અત્યારે દિવાળીમાં ફટાકડાનો વેપાર કરતા નાના વેપારીઓ ટેન્શનમાં આવી ગયા છે. વિસનગરમાં વર્ષોથી ડોસાભાઈ બાગ આગળ ફટાકડા સ્ટોલ માટે જગ્યા ફાળવવામાં આવે છે. આ જગ્યા બધી બાજુથી ખુલ્લી હોવાથી તેમજ નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર નહી હોવાથી તમામ રીતે સુરક્ષીત છે. વળી તંત્રની સૂચનાઓનુ પાલન કરી વેપારીઓ દ્વારા અગ્નિશામકની પુરતી વ્યવસ્થા કરવામાં આવે છે. શહેરનો જાહેર માર્ગ હોવાથી ગ્રાહકોને પણ ફટાકડાની ખરીદી માટે સાનુકુળતા રહે છે. આ સીવાય ગરીબ નાના વેપારીઓ ૮ થી ૧૦ હજારના ફટાકડાનો માલ ખરીદી લારીમાં વેપાર કરી પરિવારની દિવાળી સુધારવા મહેનત કરે છે.
ડોસાભાઈ બાગ આગળ ફટાકડાના સ્ટોલ ફાળવતા તેમજ સ્ટેશન રોડ ઉપર લારીઓમાં ફટાકડા વેચવાના કારણે અત્યાર સુધી ક્યારેય કોઈ હોનારતનો બનાવ બન્યો નથી. ત્યારે તંત્ર દ્વારા નાના વેપારીઓને દંડવાની હિલચાલ ચાલી રહી છે. જાણવા મળ્યા પ્રમાણે પ્રાન્ત ઓફીસર દેવાંગભાઈ રાઠોડ દ્વારા જી.ડી.હાઈસ્કુલના મેદાનમાં ફટાકડા સ્ટોલના નકશા બનાવવા પાલિકાને સૂચના આપવામાં આવી છે. પાલિકાએ તેની તૈયારીઓ પણ શરૂ કરી છે. તંત્રની આ હિલચાલથી ફટાકડાના નાના વેપારીઓની અત્યારે ઉંઘ હરામ થઈ ગઈ છે. નાના વેપારીઓની લાગણી છેકે, હૉલસેલના મોટા વેપારીઓ તેમની માલિકીની દુકાનોમાં વેપાર કરશે. જ્યારે જી.ડી.હાઈસ્કુલનુ મેદાન જાહેર રોડ ઉપરથી ઘણુ અંદર આવેલુ હોવાથી ગ્રાહકો ફટાકડાની ખરીદી કરવા આવશે નહી. નાના વેપારીઓ પાસે કોઈ ફંડ હોતુ નથી. વ્યાજે રૂપિયા લાવી ફટાકડાનો ધંધો કરતા હોય છે. સ્થળ બદલાશે તો ફટાકડાનો માલ વેચાશે નહી અને નાના વેપારીઓ દેવામાં ડૂબી જશે. રાજકોટ ગેમઝોનની જગ્યા બંધીયાર ટેન્ટમાં હતી. આગ લાગતા બહાર નિકળવાનો રસ્તો નહી રહેતા લોકોએ જીવ ગુમાવ્યો હતો. ડોસાભાઈ બાગ વિસ્તાર ચારેબાજુથી ખુલ્લો છે. નજીકમાં કોઈ રહેણાંક વિસ્તાર પણ નથી. જેથી આ જગ્યામાં વર્ષોની જેમ સ્ટોલ ફાળવવામાં આવે તો કોઈ તકલીફ થવાની નથી.
નોધપાત્ર બાબત છેકે, ધારાસભ્ય પ્રહેલાદભાઈ ગોસાના સમયકાળમાં તત્કાલીન પ્રાન્ત ઓફીસર આર.કે.બેનીવાલે જી.ડી.ના મેદાનમાં ફટાકડા સ્ટોલ ફાળવણીની કાર્યવાહી કરી હતી. જેમાં પૂર્વ ધારાસભ્ય સ્વ.પ્રહેલાદભાઈ ગોસા નાના વેપારીઓની વ્હારે આવતા છેવટે જગ્યા બદલવાનો નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હતો. નાના સમાજોનુ અને નાના વેપારીઓનુ હંમેશા હિત જોતા કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ યોગ્ય સૂચના આપી બાગ આગળ સ્ટોલની સ્થિતિ યથાવત રાખે તેવી ફટાકડાના વેપારીઓની લાગણી છે.