
ખેરાલુમાં ટાવર રોડ ખોદી નાંખતા હોબાળો
તહેવારના સમયેજ વેપારીઓના ધંધા-રોજગાર ઉપર અસર કરતો પાલિકાનો નડતરરૂપ વિકાસ
ખેરાલુ પાલિકામાં હાલ કોઈ રણીધણી નથી. પરંતુ શહેર ભાજપ પ્રમુખ અને પાલિકા પુર્વ પ્રમુખની નવા ટેન્ડરમાં વર્ક ઓર્ડર લેવા મુદ્દે કોન્ટ્રાક્ટરોને ત્રણ વર્ષ પહેલા મંજુર થયેલ ટેન્ડરમાં ટાવર રોડ નવો બનાવવા ચિમકી આપી હતી.ગભરાયેલા કોન્ટ્રાક્ટરે ત્રણ વર્ષ પછી અચાનક ટાવર રોડનું કામ રાતો રાત શરૂ કરી દેતા નવરાત્રી ટાણે વેપારીઓ અકળાયા હતા.
ખેરાલુ પાલિકામાં નવા ટેન્ડર બહાર પડ્યા હતા. જેનો વર્કઓર્ડર લેવા આવેલા પેટા કોન્ટ્રાક્ટરોને પુર્વ પ્રમુખે ચિમકી આપી હતી કે, જુના ટેન્ડરના કામો પુર્ણ કરો તે પછી જ નવા કામોના વર્કઓર્ડર આપવામાં આવશે. કોન્ટ્રાક્ટરે રાતોરાત ટાવરથી ઉર્મિશ પાન ઘર સુધી નો રોડ ખોદી નાંખ્યો હતો. ખરેખર પાલિકાના ઈજનેરે ધ્યાન રાખ્યુ હોત તો ગટરના ઢાંકણા ઉંચા કરીને જુના સી.સી.રોડ પર નવો સી.સી. રોડ બનાવ્યો હોત તો કામ ટુંક સમયમાં સારી રીતે થઈ શક્યુ હોત. પરંતુ કોન્ટ્રાક્ટરના દબાવમાં જુના ટેન્ડર પ્રમાણે રોડ ખોદી નાંખી નવો બનાવવાનું શરૂ કરતા નવરાત્રી ટાણે વેપારીઓ અકળાયા હતા.
ટાવરરોડ બંધ હોવાથી બજારમાં આવતા ગ્રાહકોમાં ઘટાડો થયો છે. જેથી વેપારીઓ અકળાયા હતા. તેમણે વેપારી મહામંડળના પ્રમુખ મુકેશભાઈ દેસાઈ સમક્ષ રજુઆત કરી હતી કે, પાલિકાના વહીવટદાર અને ચિફ ઓફિસર સમક્ષ રજુઆત કરો. બજારનો રોડ નવો બનાવવો હોય તો પહેલા વેપારીઓને જાણ કરવી પડે. આડેધડ કામગીરી શરૂ કરતા બજારમાં ગ્રાહકો ઘટી ગયા છે. ખેરાલુ પાલિકાના પુર્વ પ્રમુખ હેમન્તભાઈ શુકલ અને શહેર ભાજપ પ્રમુખ વી.ડી.દેસાઈ હવે યુધ્ધના ધોરણે રોડનું કામ સત્વરે પુરુ કરાવે તેવું વેપારીઓ ઈચ્છી રહ્યા છે.