આદર્શમાં નવિન ભવન માટે રૂા.૧૦ કરોડ દાનની જાહેરાત
શિક્ષણની કેડી કંડારવા વિપુુલભાઈ ચૌધરીની અપીલથી
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગર સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલના સ્વ. માનસિંહભાઈ પૃ. પટેલ પ્રાર્થના ભવનમાં તા-૦૨/૦૭/૨૦૨૩ ના રોજ ૯ઃ૩૦ કલાકે કેળવણી મંડળની ૭૯ મી સાધારણ સભા તથા અમૃત મહોત્સવનો શુભારંભ કાર્યક્રમ યોજાયો. જેમાં સમાજના મહાનુભાવો, હોદ્દેદારો, દાતાઓ અને સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સભાના અઘ્યક્ષ તરીકે વિપુલભાઈ ચૌધરી (પૂર્વ ગૃહમંત્રીશ્રી,ગુ.રા. તથા પૂર્વ ચેરમેનશ્રી, દૂધ સાગર ડેરી, મહેસાણા)ની ઉપસ્થિતિમાં અધ્યક્ષ તથા મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો.
કેળવણી મંડળના મંત્રી જે.ડી.ચૌધરીએ મહાનુભાવોનું સ્વાગત પ્રવચનથી સ્વાગત કરેલ. કેળવણી મંડળની ૭૯મી સાધારણ સભાની કાર્યવાહી કેળવણી મંડળના સહમંત્રી રામજીભાઈ એમ. ચૌધરીએ કરેલ અને સાધારણ સભાએ તેની બહાલી આપેલ. ત્યારબાદ શાળા સંચાલન સમિતિના પ્રમુખ ડો.સુરેશભાઈ વી.ચૌધરીએ આદર્શ શૈક્ષણિક સંકુલની વર્ષ-૨૦૨૨-૨૩ ની શૈક્ષણિક તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિઓની ઝાંખી રજૂ કરી હતી. સાથે સાથે નવી શિક્ષણનીતિ અંતર્ગત સંકુલની તેમજ સમાજની અભ્યાસ ક્ષેત્રની જરૂરિયાતો વિષે પ્રકાશ પાડવામાં આવ્યો હતો.
મંડળના પ્રમુખ કે.કે.ચૌધરીએ આદર્શ વિદ્યાલયના ૭૫ વર્ષ પૂર્ણ થયેલ હોઈ ભવ્યત્તમ અમૃત મહોત્સવ ઉજવવા તેની રૂપરેખા રજૂ કરી શિક્ષણના નૂતન અભિગમો અને બદલાયેલી શિક્ષણ પ્રણાલી થકી સમાજનો સર્વાંગી વિકાસ કરવા સમાજના સૌ મહાનુભાવો, દાતાશ્રીઓ અને હોદ્દેદારોને આહ્વાન કર્યું હતુ. આદર્શ શૈક્ષણિક સંકુલમાંથી આદર્શ તાલીમ ભવનનું નિર્માણ કરી સમાજના સંતાનોને આજના યુગની જરૂરિયાત પ્રમાણે ઉચ્ચ કોટિનું અને સુવિધાસભર શિક્ષણ પ્રાપ્ત થાય તે માટે નવીન ભવનોનું નિર્માણ કેવી રીતે કરવું તે અંગે સમાજના ગૌરવશાળી અને કુશળ એન્જીનીયર નિકુંજભાઈ પટેલ (ચૌધરી) તથા આર્કિટેક ઉમંગભાઈ ગોસ્વામીએ સભા સમક્ષ નવા ભવનોનો પ્લાન પ્રોજેક્ટર દ્વારા રિપ્રેન્ટેશન કરાવી સમાજના બહોળી સંખ્યામાં ઉપસ્થિત સૌ આગેવાનોને અભિભૂત કરેલ.
સમારંભના અધ્યક્ષ તથા અમૃત મહોત્સવના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીએ “સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ” તથા નવી શિક્ષણનિતી અને આજના સમય પ્રમાણે શિક્ષણના આયામોને પરિપૂર્ણ કરવા માટે પ્રેરણાદાયી પ્રવચન આપીને નવી શિક્ષણ કેડીને કંડારવા માટે બનનાર નવીન ભવનો માટે ઉદાર હાથે દાન આપવા સમાજના સૌ અગ્રણીઓને હાંકલ કરેલ. જે થકી આજદિન સુધી દાતાશ્રીઓ પાસેથી દસ કરોડ જેટલી માતબર રકમનું દાન મળેલ છે અને આ દાનનો પ્રવાહ સતત ચાલુ રાખવા સમાજના અગ્રણીઓને આહ્વાન પણ કરેલ.
છેલ્લે કેળવણી મંડળના ઉપપ્રમુખ નટુભાઈ એમ.ચૌધરીએ સાધારણ સભામાં ઉપસ્થિત સૌ મહાનુભાવો, હોદ્દેદારશ્રીઓ, દાતાશ્રીઓ અને સમાજના અગ્રણીશ્રીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.