તાલુકા પંચાયત સદસ્યની સવાલા સીટમા આવતા તમામ ગામમાં બાંકડા ફાળવવા ભલામણ સવાલા સીટમા બાંકડા ફાળવણીમાં તંત્ર ભાજપના એજન્ટની ભૂમિકામા
વિકાસ કામ કોઈપણ જગ્યાએ થતુ હોય તેમા ક્યારેય રૂકાવટ ન હોય કે ભેદભાવ ન હોય, પરંતુ વિસનગર તાલુકા પંચાયત તંત્ર ભાજપનુ એજન્ટ બની બાંકડા ફાળવણી રૂકાવટ ઉભી કરતા ટીડીઓના આ ભેદભાવની ભારે ટીકા થઈ રહી છે. સવાલાના સદસ્યની માગણી છેકે તાલુકા પંચાયત સીટના તમામ ગામમાં બાકડાની ફાળવણી કરવામાં આવે. ત્યારે ટીડીઓએ ફક્ત સવાલા ગામમાજ બાકડા મુકવા તેવો ઓર્ડર કરતા આ વિવાદ થયો છે.
કોંગ્રેસના રાજ્ય સભાના સાંસદ શક્તિસિંહ ગોહિલની ગ્રાન્ટમાંથી ૧૨૦ બાંકડાની મંજુરી
ભાજપ વિરોધ પક્ષની ઈમેજ ન વધે તેવા પ્રયત્નો કરે તે બરોબર છે. પરંતુ ભાજપના ઈશારે વહિવટી તંત્ર બીજી પાર્ટીનો પ્રસાર પ્રચાર ન થાય તેવા પ્રયત્નો કરે બતાવે છેકે હવે તંત્ર ભાજપના એજન્ટની ભૂમિકામાં આવી ગયુ છે. વિસનગર તાલુકા પંચાયતની સવાલા સીટના મહિલા સદસ્ય સાબેરાબીબી સરફરાજખાન ખોખરની ભલામણથી કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ દ્વારા સવાલા સીટમાં બાંકડા ફાળવણીની ગ્રાન્ટ મંજુર કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૪-૨૫ ની ગ્રાન્ટમાંથી જેમ પોર્ટલ આધારે વિસનગર તાલુકા પંચાયત દ્વારા જલારામ સીમેન્ટ પાઈપ વર્કસમાંથી રૂા.૨૨૯૦/- ની કિંમતનો એક એવા ૧૨૦ બાકડાની મંજુરી આપવામાં આવી છે. જે સંદર્ભે તાલુકા વિકાસ અધિકારીએ સવાલા ગ્રામ પંચાયતના વહીવટદાર તથા તલાટી કમ મંત્રીને તા.૧૯-૧૧-૨૦૨૪ ના પત્રથી સવાલા ગામમાં પ્રજા ઉપયોગી જગ્યાએ બાંકડા મુકવા જાણ કરી છે.
ટીડીઓના આ ભેદભાવ ધરાવતા વલણ સામે તાલુકા પંચાયત સદસ્ય સાબેરાબીબી ખોખર દ્વારા તા.૨૫-૧૧-૨૦૨૪ ના પત્રની રજુઆત કરવામાં આવી છેકે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ સમક્ષ બાંકડા માટેની જે માગણી કરવામાં આવી છે તે ફક્ત સવાલા ગામ પુરતી નહી પરંતુ સવાલા સીટમાં આવતા સવાલા, ગણેશપુરા, બેચરપુરા અને રાવળાપુરા એમ ચાર ગામ માટે માગણી કરવામાં આવી છે. ફક્ત સવાલા ગામમાજ પ્રજા ઉપયોગી બાંકડા ફાળવવા જે હુકમ કરવામાં આવ્યો છે તે ભુલ ભરેલો અને ખોટો છે. સવાલા ગામમાજ નહી પરંતુ સીટમાં આવતા ચારેય ગામમાં પ્રજા ઉપયોગી બાંકડા ફાળવણીનો હુકમ કરવા તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા લેખીત જાણ કરાઈ છે.
સવાલા મુસ્લીમ બહુમતી ધરાવતુ ગામ છે. જ્યારે ગણેશપુરા, બેચરપુરા અને રાવળાપુરા હિન્દુ સમાજની બહુમતી ધરાવતા ગામ છે. મુસ્લીમ સમાજના આ મહિલા સદસ્યએ વિકાસ કામનો લાભ તેમના ગામ પુરતો નહી રાખી સીટમાં આવતા અન્ય ગામમાં પણ વિકાસનો લાભ મળે તેવી ભાવના રાખી કોમી એખલાસનો સંદેશો આપ્યો છે. કોમી ભાઈચારાના કોઈપણ કાર્ય કે અભિગમને પ્રોત્સાહન આપવુ જોઈએ. ત્યારે મહિલા સદસ્યા ચારેય ગામમાં બાંકડાની ફાળવણી માટે રજૂઆત કરવા ગયા ત્યારે તાલુકા પંચાયતમાંથી જવાબ મળ્યો હતો કે, બાંકડા ફક્ત સવાલા ગામમાજ ફળવાશે અને ઉતારવામા આવશે. અન્ય ગામમાં બાંકડા ફળવાશે નહી. કોંગ્રેસના સાંસદની તક્તી વાળા બાંકડા અન્ય ગામોમાં જાય નહી તેવી તાલુકા પંચાયત વહિવટી તંત્રની ભાજપના એજન્ટ જેવી ભૂમિકાની ભારે ટીકા થઈ રહી છે.