Select Page

ભાજપમાં કાર્યક્રમોના તાયફાટ બંધ થશે તો માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર બંધ થશે

ભાજપમાં કાર્યક્રમોના તાયફાટ બંધ થશે તો માર્ગ મકાન વિભાગમાં ભ્રષ્ટાચાર બંધ થશે

ગંભીરા બ્રીજ દુર્ઘટનામા અધિકારીઓ ઉપર એક્શન લેવાથી કશુ વળવાનુ નથી

તંત્રી સ્થાનેથી…

એકધારી ૩૦ વર્ષથી સત્તા મળવાના કારણે ગુજરાતમાં ભાજપને સત્તાનો અપચો થઈ રહ્યો છે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી હતા ત્યારે આ જન્મમા દિલ્હીમાં મને હરાવનાર કોઈ નથી તેવુ અભિમાની સ્ટેટમેન્ટ આપતા સત્તા ગુમાવવી પડી હતી. ગુજરાતમાં ભાજપના કોઈ નેતા આપના સુપ્રીમો જેવુ જાહેરમા સ્ટેટમેન્ટ આપતા નથી. પરંતુ પ્રજાની રજૂઆતો અને પ્રશ્નોની જે રીતે અવગણના કરી રહ્યા છે તે ઉપરથી ગુજરાતમાંથી સત્તા છીનવનાર કોઈ નથી તેવુ ગુમાન હોવાનુ જણાય છે. ભાજપના શાસનમાં છેલ્લા કેટલાક વર્ષથી ચોમાસામાં નવાજ બનાવેલા રોડ અને બ્રીજ તુટવાની ઘટનાઓના નોંધપાત્ર વધારો થયો છે. દર ચોમાસામાં રોડ ઉપરના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ચુંટણી આવે ત્યારે વોટબેન્ક કંઈ રીતે સાચવવી તેની આવડત ધરાવતા ભાજપ દ્વારા પ્રજાની લાગણીઓ સાથે ખીલવાડ થઈ રહ્યો છે. એક માસ પહેલા ૯ જુલાઈની વહેલી સવારે મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી પરનો ૪૫ વર્ષ જૂનો ગંભીરા બ્રીજ તુટી પડ્યો. બ્રીજ ઉપરથી પસાર થતી ત્રણ ટ્રક, એક રીક્ષા, એક પીકઅપ ડાલુ તથા બાઈકો ચોમાસામાં બે કાંઠે વહેતી નદીમાં ખાબકતા આ દુર્ઘટનામા ૨૨ લોકોએ જીવ ગુમાવ્યા. ઘણા સમયથી બ્રીજ જર્જરીત હતો. સ્થાનિક આગેવાનોની રજુઆતો અવગણતા નાગરિકોની ચિંતા કરવાની વાતો કરતી સરકારની નિષ્કાળજીના કારણેજ આ દુર્ઘટના બની. દુર્ઘટના બાદ જિલ્લા પંચાયતના સદસ્ય સ્થાનિક આગેવાન હર્ષદસિંહ પરમારે રોષ ઠાલવ્યો હતો કે સરકારે ગંભીરા બ્રીજની ગંભીરતા નહી લેતા લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ઓગષ્ટ ૨૦૨૨ મા બ્રીજ જર્જરીત હોવાની રજુઆત કરી હતી. જેમાં બ્રીજની ડેન્સીટી અને વાઈબ્રેશન ખુબજ વધારે હોવાની જાણ કરવામાં આવી હતી. ગાંધીનગરથી માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ સ્થળ નિરીક્ષણ કરતા બ્રીજનુ વાઈબ્રેશન વધારે હોવાનુ કબુલ્યુ હતુ. મોટુ વાહન પસાર થાય ત્યારે બ્લોક એટલા હલતા હતા કે બ્રીજ ઉપર ઉભા રહેનારને ડર લાગતો હતો. બ્રીજનો ટેસ્ટ રિપોર્ટ જાહેર કરી તેને બંધ કરવા તેમજ નવો બ્રીજ બનાવવાની મંજુરી આપવા ત્રણ વર્ષ પહેલા માગણી થઈ હતી. પરંતુ આતો સત્તાના નશામા ચકચુર રહેતી ભાજપ સરકાર. જિલ્લા પંચાયત સદસ્યની રજૂઆત બાદ માર્ગ મકાન વિભાગના અધિકારીઓએ તપાસ કરવા છતા કોઈ પગલા નહી લેતા લોકોનો જીવ લીધો. જવાબદારો સામે સઅપરાધ માનવવધનો ગુનો દાખલ કરવાની માગણી બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ જાગ્યા અને નિષ્ણાતોની એક ટીમને મુજપુરા ગંભીરા બ્રીજની અત્યાર સુધીમાં થયેલી મરામત, ઈન્સ્પેક્શન, ગુણવત્તા ચકાસણી જેવી બાબતોતો અહેવાલ તૈયાર કરવા જવાબદારી સોંપી. ટીમ દ્વારા દુર્ઘટના સ્થળની જાત મુલાકાત કરાયા બાદ દુર્ઘટનાના કારણોના પ્રાથમિક અવલોકનો આધારે જવાબદાર જણાયેલ માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કાર્યપાલક ઈજનેર એન.એમ.નાયકાવાલા, નાયબ કાર્યપાલક ઈજનેર યુ.સી.પટેલ અને આર.ટી.પટેલ તથા મદદનીશ ઈજનેર જે.વી.શાહને તાત્કાલીક અસરથી ફરજ મોકૂફ કરવાનો નિર્ણય કરાયો. આવી કડકાઈ જિલ્લા પંચાયતના સદસ્યની રજૂઆત બાદ તુર્તજ દાખવી હોત તો કદાચ ૨૨ લોકોને જીવ ગુમાવવો પડ્યો ન હોત. બ્રીજ દુર્ઘટના બાદ ગુજરાતની પ્રજાનો રોષ જોઈને જવાબદાર અધિકારીઓની સંપત્તીની તપાસના આદેશ પણ આપવામાં આવ્યા. ગંભીરા બ્રીજની દુર્ઘટના બાદ રાજ્યના અન્ય બ્રીજોનુ ઈન્સ્પેક્શન કરવા માટે પણ સૂચનાઓ આપવામાં આવી. ગંભીરા બ્રીજ તો કોંગ્રેસની સરકારમાં બન્યો હતો જે ૪૫ વર્ષ સુધી ટક્યો, પણ ભાજપની સરકારમાં ચાર વર્ષ પહેલા બનેલો અમદાવાદના નરોડાથી હિંમતનગર તરફ જતા સીક્સ લેન બ્રીજનો એપ્રોચ બેસી ગયો. ચાર વર્ષમાંજ આ નવા બનેલા બ્રીજના બેહાલ ભ્રષ્ટાચારના કારણે થયા. ભાજપ સરકારમાં બનેલા એક નહી પરંતુ અનેક બ્રીજ છે જે તુટી ગયા છે. બ્રીજ ઉપરથી સળીયા નીકળી ગયા છે. બ્રીજ ઉપર વરસાદી પાણી ભરાય છે. ગુજરાતની ભાજપ સરકાર માર્ગ મકાન વિભાગ દ્વારા બનાવવામાં આવેલ હાઈવે અને બ્રીજ તુટી રહ્યા છે તેની પાછળ ભાજપના મોટા કાર્યક્રમોના તાયફા છે. ગાંધીનગર કમલમની મહેરબાની હોઈ તેજ કોન્ટ્રાક્ટરોને કામ મળતા હોવાના આક્ષેપો અનેક વખત થયા છે. પાર્ટીને મોટુ ફંડ આપીને કોન્ટ્રાક્ટ મળતો હોય તો કામ મજબૂત થવાની આશા ક્યાથી રાખી શકાય? ભાજપ દ્વારા થતા મોટાભાગના કાર્યક્રમોના ખર્ચની જવાબદારી અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોના માથે થોપી બેસાડવામાં આવે છે. કોન્ટ્રાક્ટના સરકારી કામમાં ટકાવારીની પરંપરા વર્ષોથી છે. પરંતુ કાર્યક્રમોના તાયફા પાછળ થતા ખર્ચની જવાબદારી વધતા તેની સીધી અસર કામની ગુણવત્તા ઉપર થઈ રહી છે. કાર્યક્રમોનો ખર્ચ કાઢવાના કારણે માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને કંઈ કહી શકતા નથી અને તેના પરિણામે હલકી ગુણવત્તાનુ કામ થાય છે. મોરબી પુલ કાંડ હોય, રાજકોટ ગેમ ઝોનનો અગ્નિકાંડ હોય કે ગંભીરા બ્રીજની દુર્ઘટના હોય. આ બનાવ બાદ અધિકારીઓ ઉપર એક્શન લેવાથી કંઈ વળવાનુ નથી. ભાજપ સરકારમાં જે ખાટલે મોટી ખોડ છે તેમાં સુધારો કરવાની જરૂર છે.