તરૂણાવસ્થામા હિંસક અને ઘાતકી માનસિકતા માટે જવાબદાર કોણ?
ગુજરાતમાં વર્ષ-૨૦૨૫ ૧૭૮૬ ગુના બાળ ગુનાખોરીના
તંત્રી સ્થાનેથી…
પશ્ચિમી દેશોમાં સ્કુલના બાળકો ક્લાસરૂમમાં રિવોલ્વોર કે મશીનગનથી હુમલા કરી અન્ય વિદ્યાર્થીઓનો જીવ લેતા હોવાના બનાવો ઘણી વખત સાંભળ્યા છે. જ્યારે હવે ગુરૂ અને શિષ્ય પરંપરાના સાંસ્કૃતિક સંસ્કાર ધરાવતા ભારત દેશમા, સ્કુલમાં અભ્યાસ કરતા તરૂણાવસ્થાના વિદ્યાર્થીઓની જે રીતે માનસિકતા હિંસક અને ઘાતકી બની રહી છે તે સમગ્ર સમાજ માટે ચિંતાનો વિષય છે. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીની હત્યા કરે છે. વિદ્યાર્થી શિક્ષક ઉપર પિસ્તોલથી હુમલો કરે છે. વિદ્યાર્થી શિક્ષિકાના પ્રેમમાં પાગલ બનીને જીવતી સળગાવવાનો પ્રયત્ન કરે છે આવા અનેક બનાવો દેશના વિવિધ રાજ્યોમાં જોવા મળી રહ્યા છે. શાળામાં સામાન્ય બાબતમાં બોલાચાલી બાદ વિદ્યાર્થીઓ વચ્ચેના ઝગડાના બનાવો બન્યા હશે. પરંતુ અત્યારના સમયમાં સામાન્ય બોલાચાલીમાં હત્યા કરવાના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદ સેવન્થ ડે સ્કૂલનો બનાવ થોડા દિવસ પહેલાજ બન્યો. સ્કૂલમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે ધક્કો મારવા જેવી સામાન્ય બાબતમાં ઝગડો થયો. બીજા દિવસે આઠમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ દશમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર છરીથી હુમલો કર્યો. જેમાં ઈજાગ્રસ્ત વિદ્યાર્થીનુ મૃત્યુ થયુ. ૧૫ થી ૧૮ વર્ષના તરૂણો પહેલા કોઈ ભૂલ કરે કે ગુનો કરે તો ગભરાતા હતા. માતા-પિતાના ઠપકાનો કે મારનો ડર રહેતો હતો. જ્યારે વિદ્યાર્થીના મૃત્યુ બાદ હુમલો કરનાર વિદ્યાર્થીએ તેના મિત્ર સાથે સોશિયલ મીડિયાની વાતચીતમાં જે થઈ ગયુ તે થઈ ગયુ તેવો નિર્ભય જવાબ આપે છે. ઉત્તરાખંડના કાશીપુર - ઉધમસિંહ નગરમાં સ્કૂલના શિક્ષકે એક પ્રશ્નનો ખોટો જવાબ આપવા બદલ વિદ્યાર્થીને લાફો માર્યો હતો. જેનો બદલો લેવા વિદ્યાર્થી લંચ બોક્ષમાં પિસ્તોલ છુપાવીને લાવ્યો અને લાફો મારનાર શિક્ષકને ગોળી મારી દીધી. શિક્ષકને જમણા ખભાના નીચેના ભાગે ગોળી વાગી જે કરોડરજ્જુ પાસે ફસાઈ ગઈ. શિક્ષક અત્યારે આઈસીયુમા છે. મધ્યપ્રદેશના નરસિંહપુર જિલ્લામાં એક ખુબજ ભયાનક ઘટના પ્રકાશમાં આવી છે. આ બનાવે સમગ્ર રાજ્યને હચમચાવી દીધુ છે. શાળાના એક ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકા ઉપર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી હતી. આ ઘટના પાછળનુ કારણ વિદ્યાર્થી શિક્ષિકાના એક તરફી પ્રેમમા પાગલ હોવાનુ જાણવા મળ્યુ છે. બાલાસીનોરની એક સરકારી સ્કૂલના ધો.૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર તેના સહાધ્યાયીએ છરીથી હુમલો કર્યો હતો. નજીવી બાબતમાં ઝઘડો થતા વિદ્યાર્થીને પીઠ, પેટ અને ખભા ઉપર છરીના ઘા માર્યા હતા. વડોદરાના પાદરામા સાતમા ધોરણમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓ વચ્ચે બેન્ચીસ ઉપર બેસવા બાબતે ઉગ્ર વિવાદ થતા એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને ચપ્પુ માર્યુ હતુ. મહારાષ્ટ્રના પુણેની નજીકના ભોસારી શહેરમા ભૂતપૂર્વ સહાધ્યાયીએ ફોન કરીને ૧૫ વર્ષના વિદ્યાર્થીને બોલાવ્યો હતો. કોમ્પ્યુટરની મદદ માટે બોલાવી કારમાં તેનુ અપહરણ કરી વાયરથી ગળુ રૂંધી હત્યા કરી હતી. ત્યારબાદ વિદ્યાર્થીના પિતાને ફોન કરી રૂા.૫૦,૦૦૦ ની ખંડણી માગી હતી. આ કેસમાં સંડોવાયેલા આરોપી વિદ્યાર્થીઓએ પોલીસ પુછપરછમાં સીઆઈડી સિરિયલમાંથી અપહરણની પ્રેરણા મેળવી હોવાનુ જણાવ્યુ હતુ. નાલાસોપારામાં રહેતી છ વર્ષની બાળકી બધાને ખુબજ પ્રીય હતી. ત્યારે બાળકીના ફોઈનો ૧૩ વર્ષના પુત્રને ઈર્ષા આવતા બાળકીને નજીકના ડુંગર ઉપર લઈ ગયો. જ્યા ગળુ દબાવીને અને માથામાં પથ્થર મારીને બાળકીની હત્યા કરી. મહારાષ્ટ્રના યવતમાળમા નવ વર્ષના છોકરાએ સ્કૂલના શૌચાલયમાં આઠ વર્ષની બાળકીનુ જાતીય શોષણ કર્યુ હતુ. આ ગુનામા આઠ વર્ષની વિદ્યાર્થીનીએ મદદ કરી હતી. ભારત દેશમાં તરૂણો હિંસા તરફ વળી ગયા હોય એવા અનેક બનાવો બની રહ્યા છે. ચાલુ વર્ષે ૨૦૨૫ માંજ ગુજરાતમાં બાળ ગુનાખોરીના ૧૭૮૬ ગુના પોલીસ સમક્ષ આવ્યા છે. જેમાં વોરંટ વગરજ ધરપકડ કરી શકે તેવા કોગ્નિઝેબલ ઓફેન્સ ટાઈપના ગંભીર ગુનાનુ પ્રમાણ ૬.૩ ટકા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના વર્ષ ૨૦૨૪ ના આંકડા પ્રમાણે દેશમાં નોંધાયેલા કુલ ગુનાઓમાં ૩૨ હજારથી વધુ ગુના સગીરો દ્વારા આચરવામાં આવ્યા છે. જેમાં ૧૬ થી ૧૮ વર્ષના તરૂણો દ્વારા થયેલા ગુનાઓની ટકાવારી ૭૫ ટકા જેટલી છે. તરૂણોમાં જોવા મળતા હિંસક અને ઘાતકીપણા બાબતે હવે તો સંશોધનો પણ શરૂ થયા છે. જેમાં માતા-પિતા, સોશિયલ મીડિયા અને સ્કૂલનુ વાતાવરણ જવાબદાર છે. વાલીઓની ઉચ્ચ જીવન જીવવવાની આકાંક્ષાઓ પૂર્ણ કરવા તથા પરિવારને સુખ સુવિધા આપવાની દોડધામ એટલી હદે સ્પર્ધાત્મક બની છે કે માતા-પિતાને પોતાના સંતાનો સાથે સમય ફાળવવાની કે વાત કરવાની નવરાસ નથી. આ ઉપરાંત્ત પારિવારીક વિખવાદો, વિભક્ત કુટુંબના સભ્યો સાથે આંતરિક ઘૃણા સહિતની અનેક સમસ્યાઓ બાળ ગુનાખોરીના મૂળમા જણાઈ રહી છે. તરૂણોની સંસ્કાર વિરુધ્ધની પ્રવૃત્તિ પાછળ સોશિયલ મીડિયા પણ એટલુજ જવાબદાર છે. માતા-પિતાને એ જોવાની ફુરસદ નથી કે તેમનુ બાળક એડ્રોઈડ મોબાઈલ શું દેખે છે. સોશિયલ મીડિયાની વિવિધ ગેમ બાળકોને હિંસા તરફ ધકેલે છે. ઓનલાઈન ગેમીંગના કારણે પણ બાળકો તરૂણાવસ્થામાં ગુનાખોરી તરફ ધકેલાય છે. બાળકોને સંસ્કારી બનાવવા પાછળ શાળાનુ વાતાવરણ પણ મહત્વનુ છે. અત્યારના શિક્ષણમાં ગુરૂ(શિક્ષક) અને શિષ્ય(બાળક) વચ્ચે એવા કોઈ આત્મિયતાના સબંધ જોવા મળતા નથી. જેથી બાળક પોતાની વેદના શિક્ષક આગળ વ્યક્ત કરી શકતા નથી. સરકાર તથા સમાજના ચિંતકોએ શાળામાં અભ્યાસ કરતા બાળકો ગુનાખોરી તરફ જતા કેવી રીતે અટકાવવા તેનુ અધ્યયન કરવાનો સમય હવે પાકી ગયો છે.