Select Page

વિસનગરના ટ્રાફીકમાં એમ્બ્યુલન્સની સાયરન સાંભળો તો જગ્યા આપજો

વિસનગરના ટ્રાફીકમાં એમ્બ્યુલન્સની સાયરન સાંભળો તો જગ્યા આપજો

આકસ્મિક સંજોગોમાં હોસ્પિટલની સમયસર સારવાર મળે તો જીવ બચી શકે છે

  • વિસનગર સિવિલ અને નૂતન હોસ્પિટલમાં ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સમાં ઘણા દર્દી આવે છે

વિસનગરમાં જ્યા સુધી બાયપાસ હાઈવે કાર્યરત થશે નહી ત્યા સુધી શહેરમાં ટ્રાફીકની સમસ્યા હલ થાય તેમ નથી. શહેરમાં દિવસ દરમ્યાન ખુબજ ટ્રાફીક થાય છે. આ સંજોગોમાં ૧૦૮ કે અન્ય એમ્બ્યુલન્સની સાયરન સાંભળો તો માનવતાના ધોરણે તાત્કાલીક જગ્યા આપવા પ્રચાર સાપ્તાહિકની અપીલ છે. વિસનગર સિવિલ હોસ્પિટલ અને નૂતન હોસ્પિટલમાં ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સની ખુબજ અવર જવર રહે છે. આકસ્મિક સંજોગોમાં હોસ્પિટલની સમયસર સારવાર મળે તો કોઈનો જીવ બચી શકે છે.
વિસનગરમાં આઈટીઆઈ બ્રીજ નિર્માણના કારણે મહેસાણા ચાર રસ્તાથી ધરોઈ કોલોની રોડ થઈને આઈટીઆઈ ચાર રસ્તા સુધીનો હાઈવેનો રસ્તો બંધ હોવાથી અત્યારે શહેરમાં ખુબજ ટ્રાફીક રહે છે. જેમાં સવાલા દરવાજા વિસ્તાર, ત્રણ દરવાજા ટાવરથી ગોવિંદચકલા પટેલવાડી રોડ, એમ.એન.કોલેજ ફાટક તથા રેલ્વેના સમયે ગંજબજાર ફાટક ઉપર ખુબજ ટ્રાફીક રહે છે. આવા સંજોગોમાં વિજાપુર રોડ, કડા રોડ કે મહેસાણા રોડ ઉપર કોઈ અકસ્માત થાય અને ૧૦૮ ને સિવિલ હોસ્પિટલ તરફ આવવુ હોય તો ખુબજ મુશ્કેલી પડે છે. જ્યારે કાંસા ઉંઝા રોડ, દેણપ રોડ કે વડનગર ઉમતા રોડ ઉપર અસ્કમાત થાય અને ૧૦૮ ને નૂતન હોસ્પિટલ તરફ જવુ હોય ત્યારે ટ્રાફીકનો સામનો કરવો પડે છે. શહેરમાં વકરેલા ટ્રાફીકમાં એમ્બ્યુલન્સ ફસાવાના એક વખત નહી પરંતુ અનેક વખત બનાવ બન્યા છે.
નૂતન મેડીકલ કોલેજને મંજુરી મળી ત્યારથી નૂતન હોસ્પિટલમાં અકસ્માતના સંજોગોમાં ઉપયોગમાં આવે તેવા સીટી સ્કેન જેવા અદ્યતન સાધનો હોવાથી અકસ્માતના મોટાભાગના બનાવોમાં લોકોને નૂતન હોસ્પિટલમાં સારવાર માટે પ્રથમ પસંદગી રહે છે. સાંકળચંદ યુનિવર્સિટીના ચેરમેન પ્રકાશભાઈ પટેલની સૂચનાથી નૂતન હોસ્પિટલમાં હાજર ર્ડાક્ટર તથા સ્ટાફ દ્વારા ઈમરજન્સીમાં માનવીય અભિગમથી સારવાર આપવામાં આવે છે. હમણા થોડા સમય પહેલાજ શહેરના એક વેપારીને હાર્ટ એટેક આવતા નૂતન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વેપારીનુ મૃત્યુ થતા મૃતદેહ વેપારીના નિવાસ્થાને પહોચતો કરવા હોસ્પિટલની એમ્બ્યુલન્સની વિનામુલ્યે સેવા મળી હતી. નૂતન હોસ્પિટલમાં આવી સારવાર મળતી હોવાથી આ હોસ્પિટલની ઈમરજન્સીમાં પ્રથમ પસંદગી રહે છે. પરંતુ દિવસે કાંસા રોડ, દેણપ રોડ કે વડનગર ઉમતા રોડ ઉપર અકસ્માતનો બનાવ બને તે સમયે એમ્બ્યુલન્સને શહેરના ટ્રાફીકમાંથી પસાર થવુ પડે છે. આ ટ્રાફીકમાં ઘણી વખત એમ્બ્યુલન્સ ફસાઈ છે. મોટાભાગના અકસ્માતના બનાવમાં સરકાર સંચાલીત સિવિલ હોસ્પિટલમાં ઈજાગ્રસ્તને લઈ જવામાં આવે છે. ત્યારે વિજાપુર રોડ, કડા ગાંધીનગર રોડ કે મહેસાણા રોડ ઉપર અકસ્માતનો બનાવ બને ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સને સવાલા દરવાજા તથા ગોવિંદચકલા પટેલવાડી રોડના ટ્રાફીકમાંથી પસાર થવુ પડે છે.
ઈમરજન્સી સારવારમાં ઈજાગ્રસ્ત દર્દીનો જીવ બચાવવા માટે એક પળ પણ મહત્વની હોય છે. આવા સમયે એમ્બ્યુલન્સ ટ્રાફીકમાં ફસાય તો દર્દીનો જીવ જોખમાય છે. બાયપાસ હાઈવે ટુંક સમયમાં કાર્યરત થાય તેવા હાલમાં કોઈ સંકેત દેખાતા નથી. આઈટીઆઈ બ્રીજ બનતા બીજા બે વર્ષનો સમય થાય તેમ છે. શહેરમાં વાહનોની અવર જવર માટે રસ્તા એના એજ છે. ત્યારે શહેરમાંથી કોઈ એમ્બ્યુલન્સ પસાર થાય તો તેની આગળ વધવા તાત્કાલીક જગ્યા આપવા પ્રચાર સાપ્તાહિકની અપીલ છે.