ગંજબજારનો રેલ્વે અંડરપાસ તરફનો ગેટ ખોલવા માગણી
વિસનગરમા ખેરાલુ રોડ ફુટપાથ ઉપરના દબાણો દૂર કરવા જોઈએ
વિસનગરમા ટ્રાફીકની સમસ્યા વધુ ખરાબ થઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા વૈકલ્પીક માર્ગો ખોલવામા આવે તો નાના વાહન ચાલકોને ઘણી અનુકુળતા રહે તેમ છે. ગંજ બજારનો રેલ્વે અંડરપાસ તરફનો ગેટ ખોલવા લોકો માંગણી કરી રહ્યા છે. ત્યારે ખેરાલુ રોડ ઉપર ખોદકામથી એક તરફનો માર્ગ ખુલ્લો હોવાથી ફુુટપાથ ઉપરના દબાણો દૂર કરવા પણ રજૂઆત થઈ રહી છે.
આઈ.ટી.આઈ બ્રીજના નિર્માણના કારણે હાઈવેનો રસ્તો બંધ હોવાથી શહેરમા ટ્રાફીકની સ્થિતિ સુધરવાની જગ્યાએ દિવસે દિવસે બગડી રહી છે. નવેમ્બર ર૦ર૪ મા હાઈવે બંધ કરવાનુ જાહેરનામુ પ્રસિધ્ધ થયા બાદ એક વર્ષ થવા આવ્યુ હોવા છતા તંત્ર ટ્રાફીકની સમસ્યા હળવી કરી શક્યુ નથી. અધિકારીઓ હાથ ઉપર હાથ ઘરી બેસી તમાસો જોઈ રહ્યા છે. જ્યારે શહેરના લોકો હેરાન થઈ રહ્યા છે. આવા પારાવાર ટ્રાફીકમા થોડી ઘણી રાહત થાય તે માટે શહેરના જાગૃત લોકો પ્રચાર સાપ્તાહિકને વિવિધ સુચનો કરી રહ્યા છે. આ સુચન પ્રમાણે ગંજ બજારનો સાર્વજનિક સ્મશાન પાસેના રેલ્વે અંડરપાસ તરફનો ગેટ ખોલવા માટે માંગણી કરવામા આવી છે. આ ગેટ સવારે ૧૦-૦૦ થી બપોરે ર-૦૦ કલાક સુધી ખોલવામા આવે છે. ખેરાલુ રોડ તરફનો ગેટ જેમ સાંજ સુધી ખુલ્લો રાખવામા આવે છે. તેમ આ નાનો ગેટ પણ ખુલ્લો રાખવામા આવે તો હાઈવે ઉપર જ્યારે ટ્રાફીક હોય તેવા સમયે માટેલ હોટેલ તરફથી નાના વાહનો ગંજબજારના આ ગેટમા થઈને આવી શકે તેમ છે. રેલ્વે અંડરપાસ છે પરંતુ પાણી ભરાયેલુ રહેતુ હોવાથી તેમજ ખુબજ સાંકડો હોવાથી વાહનો પસાર થઈ શકતા નથી. આવા સંજોગોમા ગંજબજારના આ ગેટ ખુબજ ઉપયોગી બની શકે તેમ છે. આઈટીઆઈ બ્રીજનુ નિર્માણ ન થાય ત્યાં સુધી ગંજબજારના અંડર પાસ તરફનો ગેટ ખોલવા માર્ટેની લોકોની માગણી છે.
પ્રચાર સાપ્તાહિકને બીજુ એક સુચન એવુ પણ મળ્યુ છે કે હાલમા વડનગર, ખેરાલુ રોડ ઉપર જીયુડીસી દ્વારા ખોદકામ ચાલી રહ્યુ છે. જેના કારણે એક તરફનો માર્ગ અવર જવર માટે ખુલ્લો હોય છે. રોડને અડીને જ ફુટપાથ છે. પાલિકા તંત્ર રોડ અને ફુટપાથ વચ્ચે લેવલ કરે તેમજ ફુટપાથ ઉપરના બોર્ડ તેમજ અન્ય દબાણો દૂર કરે તો વાહનોને અવર જવર માટેનો રોડ પહોળો થઈ શકે છે. હાલમા ફુટપાથનો ઉપયોગ બોર્ડ મુકવા તેમજ સાધનો મુકવા માટે થઈ રહ્યો છે. પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ રૂપલભાઈ પટેલે ત્રણ વર્ષ પહેલા પાલડી ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધીના ફુટપાથ ઉપરના દબાણો દૂર કર્યા હતા. આવી કામગીરી અત્યારે કાંસા ચાર રસ્તાથી પાલડી ત્રણ રસ્તા સુધી કરવામા આવે અને ફુટપાથ ઉપરના દબાણો દૂર કરવામા આવે તો ટ્રાફીકમા ઘણી રાહત થાય તેમ છે ?