Select Page

યુદ્ધ કરનાર દેશ કંગાળ બની જશે રશિયાને ભારે કિંમત ચુકવવી પડશે

યુદ્ધ કરનાર દેશ કંગાળ બની જશે રશિયાને ભારે કિંમત ચુકવવી પડશે

તંત્રી સ્થાનેથી

વિશ્વના દેશોના દબાણ વચ્ચે રશીયન પ્રમુખ પુતીને યુક્રેનમાં હુમલા કરવાના આદેશ આપી સમગ્ર વિશ્વના દેશોના અર્થતંત્રને હચમચાવી દીધું છે. અમેરીકાના પ્રમુખ બાયડને રશિયાના પ્રમુખ પુતીન સાથે વાતચીત કર્યા બાદ અગીયારજ કલાકમાં યુદ્ધ છેડી દીધું હતું. રશિયાના આ નિર્ણયને લઈને રુસ, અમેરીકા સહિત નાટોના ૩૦ દેશોની નારાજગી વ્હોરી લીધી છે. જે ભવિષ્યમાં રશિયાને ભારે પડી શકે છે. યુદ્ધની રશિયાને ભવિષ્યમાં કિંમત ચુકવવી પડશે. પુતીને યુક્રેન ઉપર હુમલો કર્યા બાદ રાષ્ટવ્યાપી સંબોધનમાં અમેરીકાના પ્રમુખ બાયડન વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા હતા. રશિયાએ સર્વપ્રથમ રશિયાની બોર્ડરને અડીને આવેલા બે પ્રદેશો ડોનેત્સક અને લુહાસ્કને કબજે કરી તેમને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે જાહેર કર્યા હતા. ૨૦૧૪ ની સાલથી આ વિસ્તારમાં વસતા લોકો રશિયન ભાષા બોલે છે અને યુક્રેન સાથે અલગતા વાદીનો રોલ અદા કરતા હતા. આ મીશન દરમ્યાન ૧૪૦૦૦ યુક્રેન વાસીઓના મોત થયા હતા. રશિયન સૈન્યે આ વિસ્તારને સ્વતંત્ર દેશની ઓળખ આપી છે. આ શહેરોમાં વસતા અલગતાવાદીઓને રશિયાનું લશ્કર મદદ કરી રહ્યુ છે. રશિયાએ આ બે વિસ્તારોને યુક્રેનથી એટલા માટે જુદા કર્યા કે બન્ને વિસ્તારો ઔદ્યોગિક હબ હતા. એક વિસ્તારમાં સ્ટીલની ખાણો છે બીજા વિસ્તારમાં કોલસાની ખાણો છે. આ બે વિસ્તારોને અલગ ઓળખ આપી રશિયાએ વિશ્વમાં શક્તિશાળી દેશ સાબિત થવા માટે પ્રયત્ન કરી યુદ્ધ છેડી દીધુ છે. પણ આ યુદ્ધ રશિયાને ભવિષ્યમાં ઘણું મોંઘુ પડી શકે તેમ છે. રશિયાની તિજોરીનું તળીયુ બેસી ગયુ છે. યુદ્ધ પહેલાં એવું કહેવાતું હતું કે યુક્રેન રશિયા સાથે ૪૮ કલાક સુધી લડી શકે તેવી તાકાત ધરાવે છે. આ ગણતરીને લઈ રશિયાએ યુદ્ધ છેડી દીધું પણ યુક્રેને ભારે ટક્કર લીધી. આ તંત્રી લેખ લખાય છે તે દિવસે યુદ્ધનો સાતમો દિવસ થઈ ગયો છે. જે આંકડા છે તે સાત દિવસના છે. જે બંધ થવાનું નામ લેતું નથી. સાત દિવસમાં રશિયાને આઠ લાખ કરોડ રૂપિયા ખર્ચ થયો છે. જે રશિયાના અર્થતંત્રને તોડી પાડશે. યુદ્ધના કારણે અત્યાર સુધી યુક્રેનના ૩૫૨૦ અને રશિયાના ૫૩૦૦ સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનના ૩૧ એરક્રાફ્ટ તોડી પડાયા છે જ્યારે રશિયાને ૫૫ એરક્રાફ્ટોનુ નુકશાન થયુ છે. યુક્રેનને ૩૧૪ ટેન્કોનુ નુકશાન થયું છે. તે સામે રશિયાને ૧૦૦૦ ટેન્કનું નુકશાન થયું છે. યુક્રેનને તોપોનું નુકશાન ૧૨૧ છે. જ્યારે રશિયાને તોપોનું નુકશાન ૨૦૦ નું છે. જર્મનીના એક ઈન્સ્ટીટ્યુટના સરવે મુજબ બન્ને દેશોને યુદ્ધનું નુકશાન મોટું છે. કોરોનાના બે વર્ષના મારથી પડી ભાંગેલુ અર્થતંત્ર ધીરે ધીરે ઊભુ થઈ રહ્યુ હતું. ત્યારે આ યુદ્ધે સમગ્ર વિશ્વના દેશો ઉપર અસર કરી છે. યુદ્ધના કારણે વધતા જતા ક્રુડના ભાવો સમગ્ર વિશ્વને મુશ્કેલીમાં મૂકે જાય છે. જો રશિયા યુદ્ધ બંધ નહિ કરે તો નાટોના દેશો યુક્રેનની મદદે જશે તો વિશ્વયુદ્ધ ફાટી નીકળવાની શક્યતા નકારી શકાતી નથી. આ વખતનું વિશ્વયુદ્ધ ભૌતિક સાધનોથી નથી પરમાણુંનું યુદ્ધ થશે. વિશ્વ કેટલા વર્ષ પાછળ પડશે તે કહેવું મુશ્કેલ છે. ફક્ત એક દેશને મહાસત્તા બનવાની મહેચ્છા આખા વિશ્વને ખાડામાં નાખશે. આ બધુ કર્યા પછી રશિયા શાંતિથી બેસી શકશે નહિ. રશિયાના લોકો યુક્રેન વાસીઓને પોતાના ભાઈ જ સમજે છે. અર્થતંત્ર તૂટી જશે એટલે રશિયામાં આંતરિક બળવો થશે. જે પુતીનને શાંતિથી બેસવા દેશે નહિ.

BE STRONG. BE BRAVE. BE KIND.

Follow Us

Recent Posts