Select Page

વિસનગર હવસખોરોની હેવાનિયતથી કલંકિત-૬ નરાધમોનુ દુષ્કર્મ

વિસનગર હવસખોરોની હેવાનિયતથી કલંકિત-૬ નરાધમોનુ દુષ્કર્મ

આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલને લાંછન લગાવતો બનાવ

  • વિસનગર વોટબેન્કના રાજકારણમાં અધોગતિ તરફ ધકેલાઈ રહ્યુ છે
  • બોટલેગરો ભાજપના હોદ્દા મેળવી અને નેતાઓ સાથે ઘરોખો કેળવી અનૈતિક પ્રવૃત્તિઓ કરતા હોવાનો રોષ
  • દુષ્કર્મની ઘટનાનો મુખ્ય સુત્રધાર વિજય ઠાકોર બુટલેગર બદાજી ઠાકોરનો પૌત્ર અને દારૂ જુગારના અનેક કેસમાં સંડોવાયેલ તડીપાર અશોકજી ઠાકોરનો પુત્ર
  • સંસ્કારી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરીમાં ક્યારેય ન બની હોય તેવી શરમજનક ઘટના
  • ગણતરીના મહિનામા ન્યાય મળે તે માટે સરકાર અને ગૃહવિભાગ કાર્યવાહી કરશે-આરોગ્ય મંત્રી
વિસનગર કોંગ્રેસનો દુષ્કર્મના બનાવના વિરોધમાં રોષ

સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં વિસનગર શહેર કોંગ્રેસના પ્રમુખ અજમલજી ઠાકોરે જણાવ્યુ છેકે, વિસનગરમાં દુષ્કર્મનો જે બનાવ બન્યો છે તેને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. દુષ્કર્મના બનાવમાં સમગ્ર ઠાકોર સમાજ ભોગ બનનાર દિકરીના સહકારમાં છે. આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી અમારી લાગણી છે. અજમલજીએ આક્ષેપ કર્યો હતો કે, આરોપીઓ મંત્રી ઋષિભાઈ પટેલ સાથે સંકળાયેલા છે. કમાભાઈ નાથાભાઈ અને નાગજીભાઈ રબારી એ મીડીયેટર છે, એમના ફોન ચેક કરવામાં આવે તો અસામાજીક તત્વો સાથેની વાતચીતની આખી કોલ ડીટેઈલ નીકળે તેમ છે. ઠાકોર સમાજ બનાવમાં દુઃખની લાગણી વ્યક્ત કરે છે. આ જે બનાવ બન્યો છે એ સમાજ માટે કલંકરૂપ છે.

કોઈ હરાવનાર નથી અને પાર્ટીમાં રહેલો દબદબો કોઈ છીનવનાર નથી તેવુ જ્યારે અભિમાન આવતુ હોય છે ત્યારેજ લોકમાનસમાં નેતા પ્રત્યે એન્ટી ઈન્કમ્બન્સી ઉભી થતી હોય છે. આરોગ્ય મંત્રી ઋષિભાઈ પટેલે વિસનગર શહેર અને તાલુકામાં કરોડો રૂપિયાનો વિકાસ કરી જે ઈમેજ બનાવી હતી તે ઈમેજ શહેરના દુષ્કર્મના બનાવથી ખરડાઈ છે. દુષ્કર્મના બનાવ બાદ આરોગ્ય મંત્રીનુ અસમાજીક તત્વો બુટલેગરો ઉપર કેવુ વલણ રહે છે તેના ઉપર હવે સૌની મીટ મંડાઈ છે. શહેરમાં રાત્રે નીકળેલી સગીરાને બે દિવસ ગોંધી રાખી ૬ નરાધમોએ હવસનો શિકાર બનાવતા બુધ્ધીજીવીઓ હચમચી ગયા છે. પોલીસે તમામ નરાધમોની ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરી છે. આરોપીઓને કોર્ટમાં રજુ કરતા ૮ દિવસના રીમાંડ મંજુર કર્યા છે. સંસ્કારી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક નગરીના ઈતિહાસમાં પ્રથમ વખત કલંકિત ઘટના બની છે. શહેરની શાંતિ અને સલામતી ડહોળનાર વોટબેન્કની ગંદી રાજનીતી સામે કોઈ એક નહી પરંતુ તમામ સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
વિસનગર શહેર માટે શરમજનક તેમજ સમગ્ર ગુજરાતમાં ચકચારી દુષ્કર્મની ઘટના શુ છે તે જોઈએ તો ૧૪ વર્ષ અને ૧૦ મહિનાની સગીરા તા.૪-૧૦-૨૫ ના રોજ સ્કુલમાં પરીક્ષા આપવા ગઈ હતી. પરીક્ષા આપીને સગીરા સ્કુલમાંથી બહાર નીકળી ત્યારે તેની બહેનપણી પૂનમ ઠાકોરે રાત્રે ૯-૦૦ કલાકે ત્રણ દરવાજા ટાવર પાસે બોલાવી હતી. શું કામ છે તેવુ સગીરાએ પુછતા બહેનપણીએ જણાવ્યુ હતું કે, સ્થળ ઉપર આવજે પછી વાત કરીશુ. સગીરા રાત્રે બહેનપણીનો જન્મદિવસ હોઈ તેના ઘરે જઈ આવુ છું તેમ કહી ઘરમાંથી નીકળી હતી. ત્રણ દરવાજા ટાવર પાસે પહોચતા કોઈ નહી દેખાતા સગીરા ચાલતી ડોસાભાઈ બાગ પાસે આવી ડીડી કન્યા વિદ્યાલય રોડ તરફ જતી હતી. આ સમયે પવન ઠાકોર અને વિજય ઠાકોર બુલેટ ઉપર આવી સગીરાને ચાલ આટો મારીને આવીએ છીએ તેમ કહ્યુ હતુ. તમે કોણ છો તેવુ સગીરાએ કહેતા બુલેટ લઈ આવેલા યુવકોએ ફટાફટ બેસી જા ઓળખાણ પછી આપીશુ તેમ જણાવ્યુ હતુ. સગીરાને બુલેટ ઉપર બેસાડી તેને પીંડારીયા તળાવની બાજુમાં સેવાલીયા રોડ ઉપર લઈ ગયા હતા. સગીરાએ મને અંધારામાં ક્યા લઈને આવ્યા છો તેમ કહેતાજ યુવકોએ મગજ ખરાબ કરીશ નહી શાંતિથી અમારી સાથે ચાલ તેમ કહેતાજ સગીરા ગભરાઈ ગઈ હતી. સગીરાને રોડની સાઈડમાં આવેલ ખેતરમાં લઈ જઈ પ્રથમ પવન ઠાકોરે સગીરાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ વિજય ઠાકોર આવીને દુષ્કર્મ કર્યુ હતુ. આ બન્ને નરાધમો સગીરાને ખેતરમાં બેસાડી જતા રહ્યા હતા. ત્યારબાદ રાજ ઠાકોર અને રાજ ઠાકોરના કાકાનો દિકરો આવી કણસતી સગીરા ઉપર દુષ્કર્મ કર્યુ હતુ.
ખેતરમાં દુષ્કર્મ કર્યા બાદ રાજ ઠાકોરે તેના કોઈ મિત્રને બોલાવતા એક્ટીવા લઈને આવ્યો હતો. જે સગીરાને ત્રણ દરવાજા ટાવર પાસે ઉતારી જતા રહ્યા હતા. સગીરા રાત્રે ૧૨ કલાકે ઘરે ચાલતી જતી હતી ત્યારે એક છોકરો એક્ટીવા ઉપર આવી ઘરે મુકી જવાનુ કહેતા સગીરા એક્ટીવા ઉપર બેઠી હતી. સગીરાને એક્ટીવા ઉપર ફરીથી પીંડારીયા તળાવ પાસે લઈ જવામાં આવી હતી. જ્યા એક્ટીવા ચાલક યુવાન ઉપર કોઈનો ફોન આવતા આ યુવાન સગીરાને એસ.ટી.સ્ટેન્ડની સામે ઉમા માર્કેટમાં આવેલ મીરા ગેસ્ટ હાઉસમાં લઈ ગયા હતા. ગેસ્ટ હાઉસમાં સોહમ નામનો યુવાન મળ્યો હતો. તેણે સગીરાને આ પવન ઠાકોરની ઓફીસ છે તેમ કહી બેસાડી હતી. જ્યા ફરીથી રાજ ઠાકોર આવીને સગીરાને ગેસ્ટ હાઉસના રૂમમાં લઈ જઈ તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ સોહમ ઠાકોર આવીને દુષ્કર્મ કર્યુ હતુ.
ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ કર્યા બાદ સોહમ ઠાકોરે સગીરાને એક્ટીવા ઉપર બેસાડી ત્રણ દરવાજા ટાવર પાસે ઉતારી ગયો હતો. વારંવારના દુષ્કર્મથી શુન્ય મનસ્ક બનેલી સગીરાને ક્યા જવુ તે સુજતુ નહોતુ. સગીરા ચાલતી ચાલતી આદર્શ હાઈસ્કુલ પહોચતા બીજા બે છોકરા એક્ટીવા ઉપર આવ્યા હતા. જેમાં એક છોકરાનુ નામ પ્રકાશ મોદી હતુ. પ્રકાશ મોદી સગીરાને તેના કંસારાપોળમાં આવેલ ઘરમાં લઈ ગયો હતો. પ્રકાશ મોદીએ સગીરાને બે રાત્રી તેના ઘરમાં ગોંધી રાખી ચાર થી પાંચ વખત દુષ્કર્મ કર્યુ હતુ. ત્યારબાદ તા.૬-૧૦ ના રોજ પ્રકાશ મોદીનો મિત્ર દેવ કાળા કલર જેવુ ઈલેક્ટ્રીક સ્કુટર લઈ આવી સગીરાને દરબાર રોડ શાક માર્કેટ આગળ ઉતારી હતી.
તા.૪-૧૦ અને ૫-૧૦ એમ બે દિવસ સગીરા ઘરે આવી નહી હોવાથી તેની શોધખોળ કરતા હતા. તા.૬-૧૦ ના રોજ સગીરા બપોરે ૧૨-૦૦ કલાકે ઘરે પહોચતા તેની પુછપરછ કરતા દુષ્કર્મની સમગ્ર ઘટના બહાર આવી હતી. સગીરાના પરિવારજનોએ સગીરાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. જ્યા સગીરાની આપવીતી જાણી સગીરાની ફરિયાદ આધારે પોલીસે હવસખોર નરાધમો (૧) વિજય અશોકજી બદાજી ઠાકોર (૨) પવનજી દિવાનજી ઠાકોર (૩) રાજ ઠાકોર (૪) સોહમજી સુરેશજી ઠાકોર (૫) દેવાંગ મકવાણા અને (૬) પ્રકાશ મોદી વિરુધ્ધ બી.એન.એસ ૧૩૭(૨), ૬૪(૨)(m), ૬૫(૧), ૭૦(૨), ૧૨૭(૨) તથા પોક્સો અધિનિયમ ૪(૨), ૫(G), ૫(L), ૬ અને ૮ અંતર્ગત ગુનો દાખલ કર્યો હતો.

  • સગીરા કણસતી રહી અને હવસખોરો ચુંથતા રહ્યા

સગીરા તા.૪-૧૦ ની રાત્રે ૯-૦૦ કલાકે ત્રણ દરવાજા ટાવર પાસે પહોચી હતી. ત્યારે ડી.ડી.કન્યા વિદ્યાલય રોડ ઉપરથી પવન અને વિજય સગીરાને બુલેટ ઉપર પીંડારીયા તળાવની બાજુમાં ખેતરમાં લઈ જઈ દુષ્કર્મ કર્યુ, ત્યારબાદ રાજ ઠાકોર અને તેના કાકાનો દિકરો આવીને દુષ્કર્મ કર્યુ હતુ. સગીરાના પેટમાં દુઃખાતુ હતુ અને ગુપ્તાંગના ભાગે બળતરા થતી હતી. જે ઘરે જવા માગતી હતી ત્યારે તેને ગેસ્ટહાઉસમાં લઈ જઈ રાજ ઠાકોર અને સોહમ ઠાકોરે દુષ્કર્મ કર્યુ હતુ. સગીરા પેટમાં દુઃખાતુ હોવાની ફરિયાદ કરતી હતી. ત્યારે હવસખોરોએ તેને ત્રણ દરવાજા ઉતારી. ત્યારે પ્રકાશ મોદી તેના ઘરે લઈ જઈ તા.૫-૧૦ ની વહેલી સવારથી તા.૬-૧૦ ની સવાર સુધી પાંચ વખત સગીરા ઉપર દુષ્કર્મ કર્યુ હતુ. આ બનાવ ઉપરથી આ હવસખોરોની આખી સીન્ડીકેટ હોવાનુ જણાય છે. જેમણે વારાફરથી એક બીજાને બોલાવી સગીરાની માસુમીયત અને ભોળપણનો લાભ ઉઠાવ્યો હતો. સગીરા કણસતી હતી, જ્યારે હવસખોર રાક્ષસો સગીરાને ચુંથતા રહ્યા હતા.

  • દુષ્કર્મના આ બનાવમાં પોલીસની પ્રશંસનીય કામગીરી

વિસનગરના બુટલેગરો રાજકીય પીઠબળનો ડર બતાવતા પોલીસ અસામાજીક તત્વો અને અસામાજીક પ્રવૃત્તિઓ ડામવામા લાચાર બની જાય છે. શહેરમાં ફૂલેલી ફાલેલી અસામાજીક પ્રવૃત્તિઓ માટે પોલીસ પણ જવાબદાર છે. પરંતુ ૬ નરાધમોએ સગીરા ઉપર કરેલા દુષ્કર્મના કેસમાં ડી.વાય.એસ.પી. ડી.એમ.ચૌહાણ, પી.આઈ. એ.એન.ગઢવી તથા તેમની ટીમે જે કામગીરી કરી છે તે પ્રશંસનીય રહી છે. જાણવા મળ્યા પ્રમાણે સગીરાને જ્યારે પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે માનસિક અસ્વસ્થ હતી. પી.આઈ.ગઢવીએ સાંત્વના આપી પુછપરછ કરી તે દરમ્યાન સગીરાએ જે પણ નામ જણાવ્યા તે હવસખોરોને પકડી પોલીસ સ્ટેશનમાં લાવી દીધા હતા. દુષ્કર્મના બનાવની તપાસ બાબતે નરાધમોને કોઈપણ પ્રકારની શંકા ન જાય તેની પુરેપુરી સાવચેતી રાખી હતી. આ બનાવમાં નરાધમોને નાસી જવાની કોઈ તક ન મળે તેની પુરેપુરી તકેદારી રાખી હતી. તમામ શકમંદોને પકડી પોલીસ સ્ટેશન લાવ્યા બાદ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટ કાર્યવાહી દરમ્યાન આરોપીઓને છટકવાની કોઈ તક ન મળે તે માટે પોલીસ જીણવટપૂર્વક તપાસ કરી પુરાવા એકત્રીત કરી રહી છે.

  • સીસીટીવી કેમેરાના ફૂટેજ પુરાવામાં મહત્વના બની રહેશે

વિસનગર શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગૃહ વિભાગના નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાના ફૂટેજ દુષ્કર્મના કેસમાં મહત્વના સાબીત થયા હોવાનુ જાણવા મળ્યુ છે. સગીરાએ કંઈ તારીખે કયા વિસ્તારમાં લઈ ગયા તેનુ વર્ણન કરતા એ વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસતા મહત્વના પુરાવા મળ્યા છે. આ સીવાય ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજ પણ પુરાવામાં મહત્વના સાબીત થશે.

  • આગેવાનોને ક્રિકેટ સટ્ટાના સટોડીયાઓની શરમ નડી?

સગીરા ઉપર દુષ્કર્મના બનાવમાં શહેરના કેટલાક આગેવાનો પોલીસ સ્ટેશન દોડી આવી શહેરમાં ચાલતી અસામાજીક પ્રવૃત્તિઓ ઉપર ભારે રોષ ઠાલવ્યો હતો. પરંતુ એક પણ આગેવાન શહેરમાં ચાલતા ક્રિકેટ સટ્ટા બાબતે બળાપો કાઢ્યો નહોતો. ડબ્બા ટ્રેડીંગ પહેલા શહેરમાં ક્રિકેટ સટ્ટાએ અનેક યુવાનોને બરબાદ કર્યા છે. ક્રિકેટ સટ્ટાના કારણે ઘણા યુવાનોએ આત્મહત્યા કરી છે. ક્રિકેટ સટ્ટાના કારણે ગંભીર ગુનાઓ પણ બન્યા છે. ત્યારે દુષ્કર્મના બનાવમાં બળાપો કાઢનાર એક પણ આગેવાન ક્રિકેટ સટ્ટાની બદી સામે ખુલીને બોલી શક્યા નથી.