મુખ્યમંત્રીના આગમનથી લોકો ખાડાના ત્રાસમાંથી મુક્ત થયા
વિસનગરમ રોડના ખાડા, રખડતી ગાયો અને ગંદકી મુક્ત કરવાની માગણી સંતોષાઈ
વિસનગરના ખાડારાજથી લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. ખાડા પુરવા તથા શહેરને રખડતી ગાયોમાંથી મુક્ત કરવાની માગણી ઘણા સમયથી હતી. ત્યારે વાઈબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ અંતર્ગત વડનગરના રંગારંગ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહીતનો વીઆઈપી કાફલો શહેરમાંથી પસાર થવાનો હોવાથી વિસનગર ખાડા, રખડતી ગાયો અને ગંદકીમાંથી મુક્ત થયુ છે. વીઆઈપીઓની અવરજવરના કારણે નગરજનોની ખાડા પુરવાની ઘણા સમયની માગણી આપોઆપ સંતોષાઈ છે. ત્યારે લોકો કટાક્ષ કરી રહ્યા છેકે સરકારી તંત્ર કોના માટે? ટેક્ષ ભરનાર પ્રજા માટે કે વીઆઈપીઓની સરભરા માટે?
વિસનગર શહેરમાં અગાઉ કોઈ વીવીઆઈપી આવવાના હોય ત્યારેજ રોડ રસ્તાનુ રીપેરીંગ થતુ હતુ. રખડતી ગાયોને પુરવામાં આવતી હતી. વીવીઆઈપી જ્યાથી પસાર થવાના હોય ત્યાજ સ્વચ્છતા થતી હતી. વિસનગરના ધારાસભ્ય તેમજ કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલ ભાજપના કદાવર નેતા છે અને સરકારમાં બીજા નંબરનુ સ્થાન ધરાવે છે. ત્યારે તંત્ર માટે ઘરનો જોગી જોગટો અને બહારનો જોગી સંત જેવી હાલત છે. આરોગ્ય મંત્રીની અઠવાડીયામાં એક-બે દિવસ વિસનગરની મુલાકાત હોય છે. પરંતુ વિકાસ કામ ચાલતા હોવાના અધિકારીઓના બહાનાથી હવે આરોગ્ય મંત્રી પણ ટેવાઈ ગયા હોય તેમ લાગે છે.
વિસનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી રોડ ઉપર ખાડા હતા. ચોમાસુ શરૂ થતાની સાથેજ ખાડાનુ દુઃખ બેવડાયુ હતુ. શહેરના ખાડારાજથી “ખાડા પુરાવો રાજ, રસ્તા સુધરાવો રાજ” વરસાદી ગરબો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ચોમાસુ પૂરુ થયા બાદ પણ લોકોના રોષ પ્રમાણે ખાડા પુરવાની ત્વરીત કામગીરી જોવા મળી નહોતી. માર્ગ મકાન વિભાગે કડા ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધીનો ડામર રોડ બનાવી દીધો હતો. જ્યારે સીંધી સોસાયટીથી મહેસાણા ચાર રસ્તા સુધીના ખાડા એ કારણથી પુરાયા નહોતા કે આ રોડ ઉપર પાલિકા આઈકોનિક રોડ બનાવી રહી છે. કડા ત્રણ રસ્તાથી મહેસાણા ચાર રસ્તા સુધી ડામર કામ થવુ તેમ છતા મહેસાણા રોડ ઉપરના ખાડા પુરવા માટે માર્ગ મકાન વિભાગને મુનાસીબ લાગતુ નહોતુ. ત્યારે મુખ્યમંત્રી પસાર થવાના હોવાથી ડીવાઈડરનુ રંગ રોગાન કરાયુ અને તાત્કાલીક ખાડામાં ડામરનુ પેચવર્ક કરવામાં આવ્યુ. ખેરાલુ-વડનગર રોડ ઉપર જીયુડીસી ગટર લાઈનનુ ખોદકામ ચાલતુ હોવાથી ખાડા પુરાતા નહોતા. ત્યારે વીવીઆઈપી પસાર થવાના હોવાથી તાત્કાલીક ખાડા પુરવામાં આવ્યા.
નવરાત્રી પહેલા એમ.એન.કોલેજ રોડ ઉપર તથા બીટીસી માર્કેટ, ર્ડા.મહિપતભાઈના દવાખાના આગળના ખાડા પુરાય તેવી ગણતરી હતી. જેના માટે પાલિકા દ્વારા ડામર રોડ માટેનુ ટેન્ડરીંગ પણ કરવામાં આવ્યુ હતુ. પરંતુ એક પણ ટેન્ડર નહી આવતા દિવાળી પહેલા કે પછી ખાડા પુરાય કે ડામર પેચવર્ક થાય તેવી કોઈ શક્યતા નહોતી. પરંતુ મુખ્યમંત્રી સાથે વીઆઈપી કાફલો પસાર થવાનો હોવાથી પાલિકા દ્વારા રાતોરાત રોડ સરફેસ કરી ડામરનુ પેચવર્ક કરવામાં આવ્યુ. રખડતી ગાયોનો પ્રશ્ન ઘણા સમયથી હતો ત્યારે ગાયો પકડીને પુરવામાં આવી. મહેસાણા રોડ સિધ્ધેશ્વરી માતાના મંદિરથી તેમજ કડા રોડ પાર્ટી પ્લોટથી વિસનગર સુધીના રસ્તાની સફાઈ કરવામાં આવી. વડનગરમાં અવાર નવાર કાર્યક્રમો થતા હોય છે. ત્યારે વીવીઆઈપી કાફલો પસાર થવાનો હોય તેજ સમયે વિસનગરના લોકોને નડતી સમસ્યાઓનો નિકાલ થાય છે.