Select Page

વિસનગર તાલુકા સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી

વિસનગર તાલુકા સંઘના ચેરમેન-વાઈસ ચેરમેનની બિનહરીફ વરણી
  • ચેરમેન પદે મહેન્દ્રભાઈ એમ.ચૌધરી(ગુંજાળા) અને વાઈસ ચેરમેન પદે વિષ્ણુભાઈ આઈ.પટેલ(જેતલવાસણા)ની સર્વાનુમતે બિનહરીફ વરણી

વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન અને વાઈસ ચેરમેનની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા બીજા અઢી વર્ષની ટર્મ માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં મંત્રી ઋષિભાઈ પટેલના આશિર્વાદથી તાલુકા સંઘના ચેરમેન પદે મહેન્દ્રભાઈ એમ. ચૌધરી(ગુંજાળા) અને વાઈસ ચેરમેન પદે વિષ્ણુભાઈ આઈ.પટેલ (જેતલવાસણા)ની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. હવે આ ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણીથી આગામી તાલુકા-જીલ્લા પંચાયતની ચુંટણીમાં ભાજપને કેટલો ફાયદો થાય છે તે જોવાનુ રહ્યું?
વિસનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન મુકેશભાઈ વિરસંગભાઈ ચૌધરી અને કંસારાકુઈના વાઈસ ચેરમેન જતીનભાઈ પટેલની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થઈ હતી. ત્યારે બીજી અઢી વર્ષની ટર્મમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેન કોણ બનશે તેની અટકળો તેજ બની હતી. જેમાં તાલુકા સંઘના ચેરમેન તરીકે કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલની ગુડબુકમાં ગણાતા મહેન્દ્રભાઈ માવજીભાઈ ચૌધરી(ગુંજાળા)નું નામ નક્કી હોવાનું ચર્ચાતુ હતુ. આ દરમિયાન વિસનગર પ્રાન્ત અધિકારી વિકાસ રાતડાની અધ્યક્ષતામાં ગત સોમવારના રોજ તાલુકા સંઘના કાર્યાલયમાં નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં કેબીનેટ મંત્રી ઋષિભાઈ પટેલના આશિર્વાદથી તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન પદે મહેન્દ્રભાઈ માવજીભાઈ ચૌધરી (ગુંજાળા) અને વાઈસ ચેરમેન પદે વિષ્ણુભાઈ ઈશ્વરભાઈ પટેલ (જેતલવાસણા)ની
સર્વાનુમતે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. ચેરમેન તરીકે વરણી થયા બાદ મહેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યુ હતું કે હું સંઘના તમામ ડીરેક્ટરોને સાથે રાખી ખેડૂતોના હિતમાં કામ કરીશ. ભારતીય જનતા પાર્ટીએ મને ચેરમેન પદની જે જવાબદારી સોંપી છે તે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ. જોકે વિસનગર એપીએમસી અને તાલુકા ખરીદ વેચાણ સંઘના અને વાઈસ ચેરમેન ચાર દિવસમાં એક સાથે બદલાતા તાલુકાના સહકારી રાજકારણમાં નવા જુનીના એંધાણ વર્તાઈ રહ્યા છે.