Select Page

ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન, વેચાણ કે વપરાશ કરનાર વિરુધ્ધ પ્રાણઘાતક હુમલાની કલમ મુજબ કાર્યવાહી કરો

ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન, વેચાણ કે વપરાશ કરનાર વિરુધ્ધ પ્રાણઘાતક હુમલાની કલમ મુજબ કાર્યવાહી કરો

જાગૃતિ માટે શાળા કોલેજોમાં શપથ કાર્યક્રમો કરવા જરૂરી

તંત્રી સ્થાનેથી…

ઉત્તરાયણ પર્વ આવતાની સાથેજ છેલ્લા કેટલાક વર્ષથી વેચાતી ચાઈનીઝ દોરીના હોબાળા શરૂ થાય છે. ચાઈનીઝ નાયલોન દોરીનો ઉપયોગ માછલી પકડવાની જાળ માટે થાય છે. આ નાયલોન દોરી એટલી મજબૂત હોય છેકે તેને બે હાથે ખેંચીને પણ તોડી શકાતી નથી. ઉત્તરાયણ પર્વમાં પતંગ રસીકો માટે હવે તો ચાઈનીઝ દોરી ઉપર કાચનુ આવરણ ચડાવવામાં આવે છે. ઉત્તરાયણમાં વર્ષોથી પતંગ ચગાવવાની પરંપરા છે. કોટનની દોરીને કાચના પાઉડરથી તૈયાર કરેલી લુગદીથી રંગવામાં આવે છે. કોટન દોરીથી પતંગ ચગાવતા પક્ષી વિંધાતા હોવાના બનાવ બન્યા હશે પરંતુ આ દોરીથી કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાનુ ક્યારેય સાંભળ્યુ નથી. પરંતુ જ્યારથી ચાઈનીઝ દોરીનો વપરાશ વધ્યો ત્યારથી માનવી વિંધાયા હોવાના એક નહી પરંતુ અનેક બનાવ જોવા મળ્યા છે અને સાંભળવા મળ્યા છે. પતંગ રસીકો તો ઉત્તરાયણના બે - ત્રણ દિવસ અગાઉથી પતંગ ચગાવવાની શરૂઆત કરે છે. ત્યારે ઉત્તરાયણ, વાસી ઉત્તરાયણ અને આગળના બે-ત્રણ દિવસમાં ચાઈનીઝ દોરીના કારણે ગંભીર ઈજા થવાથી દર વર્ષે અંદાજે આઠ થી દશ લોકો જીવ ગુમાવે છે અને અનેક લોકો ઈજાગ્રસ્ત બને છે. ચાઈનીઝ દોરીનો વપરાશ વધ્યો ત્યારથીજ સ્કુટર, એક્ટીવા કે બાઈક આગળ લોખંડના સળીયાના તૈયાર કરેલ ગાર્ડ લગાવવાની શરૂઆત થઈ છે. ખાસ કરીને શરીરમાં ગળાના ભાગે ચાઈનીઝ દોરી ફસાતી હોવાથી ટુ વ્હીલ ચાલકો ગળામાં સ્કાફ પહેરીને સાવચેતી રાખે છે. ચાઈનીઝ દોરીથી પક્ષીઓ પણ વિંધાય છે. ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને વપરાશ ઉપર પ્રતિબંધ ફરમાવતા કાયદા બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કાયદા ધાર વગરની તલવાર જેવા હોવાથી ચાઈનીજ દોરીના ઉત્પાદન, વેચાણ કે વપરાશ ઉપર કોઈ અસર થતી નથી. ઉત્તરાયણનો તહેવાર તમામ નાગરિકો સલામત અને સુરક્ષિત રીતે ઉજવી શકે તે માટે રાજ્યના ડીજી અને આઈજી ઓફ પોલીસની કચેરી દ્વારા નાગરિકોને કોઈ ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન, વેચાણ કે વપરાશ કરતા જણાય તો તાત્કાલીક ૧૦૦ કે ૧૧૨ નંબર ઉપર અથવા નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા અપીલ કરવામાં આવી છે. ચાઈનીઝ દોરીનો ઉપયોગ અટકાવવા રાજ્ય પોલીસ કમિશ્નર અને જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામા પ્રસિધ્ધ કરવામાં આવ્યા છે. જેમાં જાહેરનામાનુ ઉલ્લંઘન કરનાર વિરુધ્ધ ધી એન્વાયર્મેન્ટ પ્રોટેક્શન એક્ટ-૧૯૮૬, ધી પ્રિવેન્સન ઓફ કૃઅલ્ટી ટુ એનિમલ એક્ટ-૧૯૬૦, ધી વાઈલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ-૧૯૭૨ મુજબ કાર્યવાહી કરવા સૂચન કરાયુ છે. ચાઈનીઝ દોરીના ઉત્પાદન, વેચાણ અને વપરાશ વિરુધ્ધ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. અગાઉ ઉત્તરાયણ પર્વે ઢળતી સંધ્યાએ ચાઈનીઝ તુક્કલ ઉડાવવામાં આવતી હતી. સળગતી તુક્કલ ગમે ત્યા પડતી હોવાથી આગ હોનારતના અસંખ્ય બનાવ બનતા હતા. ત્યારે વિસનગરના સામાજીક કાર્યકર જીવણભાઈ દેસાઈએ વિસનગરનાજ હાઈકોર્ટના પ્રેક્ટીસ કરતા યુવાન એડવૉકેટ જુગલ જીતુભાઈ દવેના માર્ગદર્શનમાં હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી. જેમાં હાઈકોર્ટે ચાઈનીઝ તુક્કલ ઉપર પ્રતિબંધ ફરમાવતો આદેશ કરતા ગુજરાતમાં તેનુ વેચાણ અને ઉત્પાદન બંધ થયુ. આજ રીતે હાઈકોર્ટ દ્વારા ચાઈનીઝ દોરી ઉપર પ્રતિબંધ મુક્યો છે પરંતુ તેનો જોઈએ એવો અમલ થતો નથી. હમણા ગત સપ્તાહમાંજ વિસનગર શહેર અને તાલુકા પોલીસે અલગ અલગ રેડમાં રૂા.૪.૫૮ લાખની કિંમતના દોરીના ૯૦૯ રીલ જપ્ત કર્યા. ગુજરાતમાં આવી તો અનેક તપાસ થઈ હશે અને ચાઈનીઝ દોરીના અનેક રીલ જપ્ત કર્યા હશે. સાણંદના ફાર્મહાઉસમાંથી ચાઈનીઝ દોરીના ૧૮૭૨ રીલ સાથે પોલીસે ચાર આરોપી પકડ્યા હતા. પકડાયેલા આરોપીઓની કડક પુછપરછ કરવામાં આવતા દાદરાનગર હવેલીની એક ફેક્ટરીમાંથી રીલ લાવ્યા હોવાનુ તપાસમાં ખુલ્યુ. પોલીસે ફેક્ટરીમાં રેડ કરતા રૂા.૧.૮૫ કરોડની કિંમતના ૫૨૦૦૦ રીલ પકડ્યા હતા. ચાઈનીઝ દોરી પહેલા ચાઈનાથી ભારત ઈમ્પોર્ટ થતી હતી. ચાઈનીઝ દોરી પ્રતિબંધના કાયદા વામણાં સાબીત થતા હવે તો ગુજરાતમાંજ તેનુ ઉત્પાદન થાય છે. ચાઈનીઝ દોરી જેની પાસેથી પકડાય તેના વિરુધ્ધ ફક્ત જાહેરનામા ભંગની સેક્શન ૨૨૩ મુજબ કાર્યવાહી થાય છે. જામીન આપવાનો પોલીસનેજ અધિકાર આપવામાં આવ્યો છે. આ ગુનામાં ૬ મહિના સુધીની સાદી કેદ કે રૂા.૨૫૦૦ સુધીના દંડની જોગવાઈ છે. જોકે ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન, વેચાણ કે વપરાશ કરનારને હજુ સુધી ૬ મહિનાની સજાનો ચુકાદો સાંભળવા મળ્યો નથી. ઉત્તરાયણ બાદ જીવદયા પ્રેમી ધાબા ઉપર કે ઝાડ ઉપર લટકતી દોરી તેમજ દોરીના ગુંચડા એકઠા કરી તેનો નાશ કરે ત્યારે ૭૫ ટકા દોરી ચાઈનીઝ હોય છે. ઉત્તરાયણમાં ચાઈનીઝ દોરીનો આટલો વપરાશ થાય છે તેની પાછળ કાયદાનો કોઈ ડર નથી તે સાબિત થાય છે. ચાઈનીઝ દોરીથી ગંભીર ઈજા થતી હોવાથી અને લોકો જીવ ગુમાવતા હોવાથી તેના ઉત્પાદન, વેચાણ કે વપરાશ કરનાર સામે પ્રાણઘાતક હુમલાની અથવા કોર્ટ ઓફ કન્ટેમ્ટ જેવી કાર્યવાહી કરવામાં આવશે ત્યારેજ પ્રતિબંધનો અમલ થશે. કડક કાર્યવાહી વગર ચાઈનીઝ દોરીનુ ઉત્પાદન, વેચાણ કે વપરાશ બંધ થવાનુ નથી. ચાઈનીઝ દોરી માનવી અને પક્ષીઓ માટે તો ઘાતક છેજ સાથે સાથે નોન બાયોડીગ્રેબલ હોવાથી પર્યાવરણ માટે પણ નુકશાનકારક છે. ઉત્તરાયણ પર્વ કિશોરો અને યુવાનોનુ પર્વ છે. આ વર્ગના લોકોજ મોટે ભાગે પતંગ ચગાવે છે. ઉત્તરાયણ માટે કિશોરો તથા યુવાનોજ પતંગ દોરીની ખરીદી કરે છે. જેમાંથી મોટા ભાગમાં કિશોરો તથા યુવાનો શાળા અને કોલેજમાં અભ્યાસ કરતા હોય છે. જેથી ચાઈનીઝ દોરી કેટલી ઘાતક છે તે માટે દરેક શાળા કોલેજોમાં જાગૃતિ કાર્યક્રમો કરવા એટલાજ જરૂરી છે. ચાઈનીઝ દોરીથી થતા નુકશાનની જાગૃતિ માટે શાળા કોલેજોમાં કાર્યક્રમો કરી તેનો વપરાશ નહી કરવા પ્રતિજ્ઞા લેવડાવવા માટે જિલ્લા શિક્ષણાધિકારીએ પરિપત્ર કરવો જરૂરી છે. કિશોરો અને યુવાનોમાં જાગૃતિ આવશે તોજ હવે ચાઈનીઝ દોરીનો વપરાશ બંધ થશે અને તેની અસર રૂપે ઉત્પાદન તથા વેચાણ બંધ થશે.