Select Page

મહંમદપુરમાં વર્ષ ૨૦૨૧-૨૨માં મનરેગામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ

મહંમદપુરમાં વર્ષ ૨૦૨૧-૨૨માં મનરેગામાં ભ્રષ્ટાચાર થયાનો આક્ષેપ


વિસનગર તાલુકાના મહંમદપુર (મેતપુર) ગામમાં મનરેગા યોજનામાં વર્ષ ૨૦૨૧- ૨૨ માં ગામના ૪૨ વ્યક્તિઓના નામે જોબકાર્ડ બનાવી બોગસ બેંક ખાતા ખોલાવી સરકારી નાણાંમાં કૌભાંડ કર્યું હોવાના આક્ષેપ સાથે ગામના સરપંચ સહિતના ગ્રામજનોએ સોમવારે ટીડીઓને આવેદનપત્ર આપી તટસ્થ તપાસ કરી કસૂરવારો સામે કડક પગલાં લેવાની માગણી કરી હતી. ત્યારે ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીએ આ બાબતે તટસ્થ તપાસ કરી તત્કાલીન જવાબદારો સામે પગલા લેવાની ગ્રામજનોને હૈયાધારણા આપી હતી.
મનરેગા યોજનામાં વર્ષ ૨૦૨૧-૨૨માં ગામના ૪૨ વ્યક્તિઓના નામે જોબકાર્ડ બનાવી બોગસ બેંક ખાતા ખોલાવી સરકારી નાણાં ચાઉ કર્યા હોવાની ગ્રામજનોની ટીડીઓને રજૂઆત
વિસનગર તાલુકાના મહંમદપુર (મેતપુર) ગામના સરપંચ સહિત ગ્રામજનોએ ગત સોમવારે વિસનગર તાલુકા પંચાયતના ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીને આવેદનપત્ર આપી મનરેગા યોજના સહિત અન્ય કામોમાં થયેલા કૌભાંડની તપાસની માગણી કરી હતી.આ રજૂઆતમાં ગ્રામજનોએ તત્કાલીન વહીવટદારો ઉપર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૧- ૨૨ માં મનરેગા યોજનામાં ગામના ૪૨ જેટલા વ્યક્તિઓના દસ્તાવેજોનો દુરુપયોગ કરી, તેમની જાણ બહાર બેંક ખાતા ખોલાવીને બારોબાર સરકારી નાણાં ઉપાડી લીધા હતા.હકીકતમાં અમારા ગામમાં મનરેગા યોજનામાં કેટલાક કામો બિલકુલ થયા નથી. સત્તાધીશોએ આ કામોના પંચાયતમાં ઠરાવો કરીને કામ કર્યા વગર નાણાંની ઉચાપત કરી છે. ત્યારે ટીડીઓ ભૌમિકભાઈ ચૌધરીએ આ બાબતે તટસ્થ તપાસ કરી જવાબદાર સત્તાધીશો સામે કાર્યવાહી કરવાની ગ્રામજનોને હૈયાધારણા આપી હતી. ત્યારે આ રજૂઆતમાં ટીડીઓ જવાબદારો સામે શું કાર્યવાહી કરે છે તે જાણવા ગ્રામજનો આતુરતાથી રાહ જોઈને બેઠા છે. જોકે વિસનગર તાલુકા પંચાયતમાં છેલ્લા ત્રણ વર્ષથી ભ્રષ્ટાચાર થાય તેવા મનરેગા યોજનામાં કોઈ કામો થયા નથી. જેથી હાલમાં મનરેગા શાખામાં ફરજ બજાવતા તાલુકા પંચાયતના કર્મચારીઓને હાશકારો થયો છે.