નાગરિક બેંકની ચુંટણી અટકાવતા સભાસદોમાં વ્યાપક રોષ
ખેરાલુમાં લોકશાહીનું ચિરહરણ કે હત્યા? – અજય બારોટ
ખેરાલુ નાગરિક સહકારી બેંકની ચુંટણીની જાહેરાત થઈ ત્યારથી વિવાદો શરૂ થયા છે. પહેલા ઉમેદવારી પત્ર ભરવાનો સમય માત્ર ગણત્રીના કલાકો અપાયા. ત્યારબાદ ઉમેદવારી ફોર્મ ચકાસણીમાં ચુંટણી અધિકારી દ્વારા અનુસુચિત જાતિના તમામ ઉમેદવારી ફોર્મ રદ કરી દીધા. તે પછી દશરથભાઈ રામજીભાઈ પરમારે મહેસાણાબોર્ડ ઓફ નોમિનીઝ કોર્ટમાં અનુસુચિત જાતીની ઉમેદવારી ફોર્મ ચાલુ રાખવા અપીલ કરી ત્યારબાદ બીજી અપીલ સત્તાધારી કોંગ્રેસના સમર્થનવાળી કપ રકાબીના સિમ્બોલ વાળા આઠ ઉમેદવારોના ફોર્મ રદ કરવા અપીલ કરી. જે અપીલ ચાલી જતા ચુંટણીના આગળના દિવસે એટલે કે તા.૩-૧-૨૦૨૬ના રોજ મહેસાણા બોર્ડ ઓફ નોમિનીઝ દ્વારા સત્તાધારી પેનલના છ ઉમેદવારી ફોર્મ રદ કરી દેતા ખેરાલુ નાગરિક સહકારી બેંકના શેર હોલ્ડરો રવિવારે મત આપવા જતા ચુંટણી રદ કરી દેવાના આદેશથી ભારે રોષ જોવા મળ્યો હતો. ખેરાલુ શહેર ભાજપના મહામંત્રી અજયભાઈ બારોટે ખેરાલુમાં લોકશાહીની હત્યા કર્યાનો આક્ષેપ કર્યો છે.
ખેરાલુ નાગરિક બેંકના ચુંટણી અધિકારી દ્વારા સત્તાધારીઓના સમર્થનમાં એક તરફી ચુંટણી બંધ રાખી લોકશાહીની હત્યા કરી છે. તેવા આક્ષેપ અજય બારોટે કરતા જણાવ્યુ હતુ કે, બોર્ડ ઓફ નોમિનિઝ કોર્ટ છ ઉમેદવારોના ફોર્મ રદ કરવાનો નિર્ણય લીધો જેની પી.ડી.એફ. કોપી ચુંટણી અધિકારીને સાંજે ચાર કલાકે બતાવી હતી. પરંતુ ચુંટણી અધિકારીએ હાર્ડ કોપીમાં પત્ર મેળવવાનો આગ્રહ રાખતા રાત્રે ૭-૦૦ કલાકે બેંકમાં તમામ ઉમેદવારોને બોલાવ્યા હતા. જેમાં ભારે વિવાદો થયા હતા. એક-દોઢ કલાક સુધી સામસામે ઉગ્ર વિવાદો થયા પછી બેલેટ પેપર નવા છપાવવાનું નક્કી કરાયુ હતુ.
બેલેટ પેપર છાપવા માટે શિતલ પ્રેસવાળા ભગુભાઈ ચૌધરીને ચુંટણી અધિકારીએ હુકમ કર્યો હતો. ભગુભાઈ ચૌધરી સાથે બેંકના સિનિયર કર્મચારી હર્ષદભાઈ મોદી તથા એક સહાયક કર્મચારી વડનગર પ્રેસમા નવા બેલેટ છપાવવા ગયા હતા. વડનગર થી રાત્રે ૧-૦૦ કલાકે નવા બેલેટ છપાવ્યા પછી પોલીસ પ્રોટેક્શનમાં ખેરાલુ નાગરિક બેંકમાં આવ્યા હતા. રાત્રે પોલીસ કોન્સ્ટેબલે નવા બેલેટ પેપર ઉતાર્યા તેનુ વિડીય રેકોર્ડીંગ કર્યુ હતુ.
રદ થયેલા ઉમેદવારોના નામ વગરનું બેલેટ પેપર છપાઈ ગયા પછી પણ રાત્રે ૨-૦૦ કલાકે બેંક ઉપર તેમજ ચુંટણી સ્થળ ઉપર ચુંટણી રદ કરાઈ છે. તેવી નોટીસ પ્રસિધ્ધ કરી દઈ ખેરાલુ નાગરિક બેંકના ચુંટણી અધિકારીએ લોકશાહીની હત્યા કરી છે. તેવો આક્ષેપ કર્યો છે.
ખેરાલુ શહેરની પ્રતિષ્ઠિત ગણાતી ખેરાલુ નાગરિક સહકારી બેંકમાં ચુંટણી પ્રક્રિયા અટકાવી દેતા સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો છે. ભાજપ અગ્રણી અજય બારોટે આક્ષેપ કર્યો છે કે શાસક પેનલ પોતાની હાર ભાળી જતા સત્તાનો જોરે ચુંટણી અધિકારીના ખભે બંદુક રાખી ચુંટણી અટકાવી છે. બેંકમાં હજારો સભાસદો હક ઉપર તરાપ મારી કહેવાય.