વિસનગર તાલુકા પંચાયતનો વિવાદ ટાઢો પાડવા સામાન્ય સભા યોજાશે
વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ, ઉપપ્રમુખ, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન તથા વિરોધપક્ષના નેતા સહિત ભાજપના સદસ્યોમાં ઘણા સમયથી મનમેળ ન હોવાથી તાલુકાના ગામોમાં લાખો રૂપિયાના વિકાસકામો અટવાયા છે. ટી.ડી.ઓ. મહત્વના વિકાસકામોના મુદ્દે કોઈ નિર્ણય લઈ શકતા નહોતા. ત્યારે ટીડીઓ અને તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા આગામી ૩૦-જાન્યુઆરીના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં સામાન્ય સભાનું આયોજન કરતા તાલુકાના વિકાસકાર્યોમાં ગતિ આવશે તેવી લોકોને આશા બંધાઈ છે.
ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી તાલુકાના તલાટી કમ મંત્રીઓ
અને કર્મચારીઓ સાથે વારંવાર મિટીંગો કરી ગામડાઓમાં વિકાસકામો કરાવી રહ્યા છે.
પરંતુ મહત્વના વિકાસકામોમાં નિર્ણય લઈ શક્તા નહોતા
વિસનગર તાલુકા પંચાયતમાં સ્પષ્ટ બહુમતી સાથે ભાજપનુ શાસન છે. જેમાં પ્રથમ અઢી વર્ષની ટર્મમાં કાંસાના સદસ્ય સુમિત્રાબેન કે.પટેલને તાલુકા પંચાયતના પ્રમુખ બનાવ્યા હતા. ત્યારબાદ બીજી અઢી વર્ષની ટર્મમાં પુદગામના સદસ્ય પુષ્પાબેન સી.વણકરને પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. પરંતુ ગમે તે કારણે પ્રમુખ પુષ્પાબેન વણકર, ઉપપ્રમુખ જનકબા ચાવડા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન વિષ્ણુભાઈ પટેલ તથા શાસક પક્ષના નેતા કમલેશભાઈ પટેલ (વકીલ), ભાજપના આ ચારેય હોદ્દેદારો વચ્ચે કોઈ મનમેળ કે સંકલન ન હોવાથી તાલુકાના ગામોમાં વિકાસકામો અટવાયા છે. તાલુકા પંચાયતના ટી.ડી.ઓ. ભૌમિકભાઈ ચૌધરી તથા અન્ય સદસ્યો વિકાસકામોને લગતા મહત્વના કોઈ નિર્ણય લઈ શકતા નહોતા. પ્રમુખ, ઉપપ્રમુખ તથા શાસક પક્ષના નેતા જનરલ સભા કે પોતાના અંગત કામ સિવાય તાલુકા પંચાયતમાં દેખાતા નથી. અત્યારે તાલુકા પંચાયતના હોદ્દેદારો વચ્ચે આંતરિક વિવાદથી સમગ્ર તાલુકા પંચાયતનુ વાતાવરણ ડહોળાયુ છે. ટીડીઓ ભૌંમિકભાઈ ચૌધરી તાલુકાના તલાટીઓ અને કર્મચારીઓ સાથે વારંવાર મિટીંગો કરી ગામડાઓમાં વિકાસકામો કરાવી રહ્યા છે. પરંતુ તાલુકા પંચાયત પ્રમુખ પુષ્પાબેન વણકરની નારાજગીથી અત્યારે તાલુકા પંચાયતમાં છેલ્લા છ મહિનાથી સામાન્ય સભાનું આયોજન ન થતા વહીવટી કામગીરીમાં મડાગાંઠ જેવી સ્થિતિ સર્જાઈ હતી.સામાન્ય સભા ન મળવાને કારણે તાલુકાના વિકાસના કામો અને નાણાકીય નિર્ણયો અટવાઈ પડ્યા હતા. આખરે લાંબા સમયના વિરામ અને અનિશ્ચિતતા બાદ, તાલુકા વિકાસ અધિકારી ભૌમિકભાઈ ચૌધરી અને તાલુકા પંચાયતના પ્રમુખ પુષ્પાબેન વણકર દ્વારા આગામી ૩૦ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ બપોરે ૧૨-૦૦ કલાકે તાલુકા પંચાયતના સભાખંડમાં ખાસ સામાન્ય સભા બોલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.?આ સામાન્ય સભામાં મુખ્યત્વે વર્ષ ૨૦૨૫-૨૬નું સુધારેલ અંદાજપત્ર અને આગામી વર્ષ ૨૦૨૬-૨૭ના નવા વાર્ષિક બજેટને મંજૂરી આપવા માટે મહત્વની ચર્ચાઓ કરવામાં આવશે. આ ઉપરાંત, ૧૫મા નાણાપંચ હેઠળ ૨૦% યોજનાના કામોના આયોજન અને પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે પંચાયત કચેરીના કમ્પાઉન્ડમાં સ્ટોલ બનાવવાની મંજૂરી મેળવવા જેવા મુદ્દાઓ એજન્ડા પર છે. લાંબા સમયથી બેઠક ન મળી હોવાથી આ સભામાં વિરોધ પક્ષ અને સત્તાપક્ષના સભ્યો દ્વારા વિવિધ વિકાસકામોના પ્રશ્નોનો મારો ચલાવવામાં આવે તેવી પણ શક્યતા છે. આ સભા બાદ તાલુકાના વિકાસ કાર્યોને નવી ગતિ મળશે તેવી આશા રાખવામાં આવી રહી છે. જ્યારે તાલુકા પંચાયત સુપર સીડ થવાના એધાણ હતા તેવામાં છેલ્લા સમયે સામાન્ય સભા યોજવાનું આયોજન થતા હાલમાં રાજકીય ગરમાવો થોડો શાંત થયો છે.