Select Page

વિકાસની ધીમી ગતિમા વિપક્ષના સવાલો સામે શાસક પક્ષ મૌન

વિકાસની ધીમી ગતિમા વિપક્ષના સવાલો સામે શાસક પક્ષ મૌન

સવાલા દરવાજા બસ સ્ટેન્ડ કેબીનની જગ્યા ફાળવણીના ઠરાવની બહાલી પેન્ડીંગ

  • પાંચ વર્ષ સત્તા પક્ષમાં રહ્યા છતા વસવસો
  • ક્યા ગયા ક્યાંય નહી, શું લાવ્યા તો કંઈ નહી
  • વિરોક્ષ પક્ષ વિરોધ કરવામાં સફળ થજો- વિજયભાઈ પટેલ
  • શહેરની સમસ્યા બાબતે કેમ કંઈ બોલ્યા નહી-શામળભાઈ દેસાઈ

વિસનગર પાલિકાની ચુંટણી હવે નજીકમાં છે છતાં ભાજપને સત્તાનો એટલો નશો છેકે ધીમી ગતિના વિકાસના કારણે લોકોને પડતી હાલાકી દેખાતી નથી. પાલિકાની છેલ્લી જનરલ સભામાં શહેરમાં ગોકળ ગાયની ગતિએ ચાલતા વિકાસ કામના મુદ્દે વિપક્ષે વેધક સવાલો કર્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટરોના કહ્યા પ્રમાણે વહિવટ કરતો પાલિકાનો સત્તાધારી પક્ષ મૌન રહ્યો હતો. આ જનરલમાં શાસક અને વિપક્ષ વચ્ચે કટાક્ષ કરતા વ્યંગ જોવા મળ્યા હતા. આ જનરલમાં સિનિયર સભ્ય જે મુદ્દો લઈને નીકળ્યા હતા તેનુ શું થાય છે તેની ઉપર સૌની મીટ હતી. ત્યારે સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાછળ કેબીનની જગ્યા ફાળવણીના ઠરાવની બહાલી પેન્ડીંગ રાખવામાં આવતા સિનિયર સભ્યએ ભારે રોષ ઠાલવ્યો હતો.
વિસનગર પાલિકાના સભાખંડમાં પ્રમુખ ઉત્તમભાઈ પટેલની અધ્યક્ષતામાં, ચીફ ઓફીસર પાર્થકુમાર ત્રિવેદી, દંડક અમાજી ઠાકોરની ઉપસ્થિતિમાં તથા મોટાભાગના સભ્યોની ઉપસ્થિતિમાં પાલિકાની જનરલ સભા મળી હતી. જનરલમાં એજન્ડા પ્રમાણેનુ કામ શરૂ થાય તે પહેલાજ વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈએ શહેરમાં થતા ધીમી ગતિના વિકાસ કામનો મુદ્દો ઉઠાવી જણાવ્યુ હતું કે, ગૌરવપથના રોડમાં મુદ્‌ત વધારો કર્યો હોવા છતા કામ પૂર્ણ થયુ નથી. ગુરૂકુળ રોડ ઉપર ગટરલાઈનના કામમાં એક મહિલા ખુંપી જતા મહામુસીબતે બહાર કાઢવામાં આવ્યા હતા. શાંતિનગર સોસાયટી અને અમરગઢ સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી ખાડા કરીને રાખ્યા હોવાથી આ સોસાયટીના લોકો પ્રસંગો કરી શકતા નથી. વિકાસ કામ માટે જ્યાં ખાડા કરવામાં આવે છે તે મહિના સુધી પુરાતા નથી. વિકાસ કામ ઝડપી નહી થતા અને ધીમી ગતિથી થવાના કારણે શહેરના નાગરિકો ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. કોન્ટ્રાક્ટરોને ઝડપી કામ માટે સૂચના આપવા જણાવ્યુ હતુ. શહેરની સમસ્યા બાબતે વિપક્ષ નેતાએ પ્રશ્નોની જડી વરસાવી સત્તાધારી ભાજપને ભીંસમાં લીધુ હતુ. ત્યારે ચુંટણીમાં મત મળીજ જવાના છે તેવા નશામાં રાચતા સત્તાધારી પક્ષ દ્વારા કોઈ જવાબ આપવામાં આવ્યો નહોતો. વિકાસ કામ કેમ ધીમી ગતિથી ચાલી રહ્યા છે તેનો જનરલમાં કોઈ જવાબ આપ્યો નહોતો.
આ જનરલમાં સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાછળ દશરથભાઈ પટેલને કેબીનની જગ્યા ફાળવવાના ઠરાવને બહાલી મળે તે માટે પૂર્વ ઉપ પ્રમુખ રૂપલભાઈ પટેલે તમામ તાકાત લગાવી હતી. તેમ છતાં અરજદાર સંજયભાઈ પટેલે શહેરી વિકાસ કમિશ્નરમાં ૨૫૮(૧) મુજબ ઠરાવને પડકારતા બહાલી પેન્ડીંગ રાખવામાં આવી હતી. દંડક અમાજી ઠાકોરે જગ્યા ફાળવવાનો ઠરાવ પેન્ડીંગ રાખ્યો હોવાનુ જણાવતાજ પૂર્વ ઉપ પ્રમુખે કયા અધિનિયમ આધારે ઠરાવને બહાલી અપાતી નથી તે બાબતે પ્રશ્ન કર્યો હતો. જનરલમાં રૂપલભાઈ પટેલે જણાવ્યુ હતું કે, અરજદારોના ઈશારે વહિવટ ચલાવવાનો છે, કોર્પોરેટરોને નોટીસ આપી ડરાવવામાં આવે છે. અરજદારની અરજી હાઈકોર્ટે કાઢી નાખી છેતો ફરીથી હાઈકોર્ટમાં કેમ જતા નથી? વિજયભાઈ પટેલે રૂપલભાઈ પટેલની રજુઆતને ટેકો આપતા જણાવ્યુ હતું કે, અરજદારે ડી.પી રોડ દબાવ્યો છે. જગ્યા ફાળવણીના ઠરાવમાં પક્ષનો આદેશ હોવા છતા તેનો અનાદર કરી વિરોધ કરનાર સભ્યો વિરુધ્ધ કમલમમાં રજુઆત કરવાનુ પણ જણાવ્યુ હતુ. આ ઠરાવમાં કોંગ્રેસના સભ્ય બીલ્કીશબેન મનસુરીએ કોંગ્રેસના પાંચ સભ્યો તટસ્થ હોવાનો રીપોર્ટ આપ્યો હતો. જનરલમાં કટાંક્ષ કરતી ટકોર પણ થઈ હતી. પાલિકાના બોર્ડના પાંચ વર્ષ પૂર્ણ થતા સિનિયર સભ્ય વિજયભાઈ પટેલે વ્યંગ કર્યો હતો કે, “ક્યાં ગયા ક્યાય નહી, શું લાવ્યા કંઈ નહી”. વિજયભાઈ પટેલે વિરોક્ષપક્ષવાળા વિરોધ કરવામાં સફળ થશો તેવો કટાક્ષ કરતા વિપક્ષ નેતા શામળભાઈ દેસાઈએ વળતો જવાબ આપ્યો હતો કે, અત્યાર સુધી શહેરની સમસ્યા બાબતે કેમ કંઈ બોલ્યા નહી.
પાલિકાની આ જનરલમાં રખડતા નંદીઓ (આખલાઓ) માટે સુંશી રોડ ઉપરની જુની ડમ્પીંગ સાઈટમાં વાડો બનાવવા તિરૂપતિ ફાઉન્ડેશનની આવેલ અરજી અંતર્ગત યોગ્ય નિર્ણય કરવા, સવાલા દરવાજા બસ સ્ટેન્ડ પાસેના ટ્રાફીકને નડતરરૂપ બે હોર્ડીંગ્સ રદ કરીને ખસેડવા, દેળીયા તળાવની સફાઈ માટે પુનરૂત્થાન ગૃપની આવેલ અરજી અંતર્ગત નિર્ણય કરવા વિગેરે ૬૭ ઠરાવ કરવામાં આવ્યા હતા.