Select Page

પોલીસની સતર્કતાથી સોની વેપારી છેતરાતા બચ્યો

પોલીસની સતર્કતાથી સોની વેપારી છેતરાતા બચ્યો

પેટલાદ પોલીસના નામે ફોન કરતા સ્થાનિક પોલીસ પણ ભરમાઈ

  • સ્થાનિક વ્યક્તિ સંકળાયેલો હોવાની શક્યતા પોલીસ તપાસ કરે તે જરૂરી

છેતરપીંડી કરનાર અવનવા કીમીયા કરીને લોકોને છેતરી રહ્યા છે. વિસનગરના વેપારીઓ અને ખાસ કરીને સોની વેપારીઓને ચેતવતો બનાવ બન્યો છે. જોકે સ્થાનિક પોલીસની સતર્કતાથી વેપારી છેતરાતા બચી ગયો છે. વિસનગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ ઉપર પેટલાદ પોલીસના નામે ફોન આવતા સ્થાનિક પોલીસ પણ ભરમાઈ ગઈ હતી અને વેપારીની પુછપરછ કરી હતી. ત્યારે તપાસ કરનાર વિસનગર પોલીસ કોન્સ્ટેબલને પણ ખ્યાલ આવ્યો કે ફોન કરનાર ફ્રોડ વ્યક્તિ હતો.
સાયબર ક્રાઈમના નામે થતી છેતરપીંડીના અનેક બનાવો સાંભળ્યા હશે. હવે છેતરપીંડી કરનાર પોલીસના નામે પણ ફોન કરતા ગભરાતા નથી. આ ગઠીયા પોલીસ કર્મચારી સાથે પણ એવી રીતે વાતચીત કરે છેકે જાણે કોઈ ગુનાની તપાસ હોય તેમ માની લે છે. આ બનાવ વિસનગર શહેરનો છે જે ગત અઠવાડીયે બન્યો હતો. પેટલાદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલના નામે વિસનગર પોલીસ સ્ટેશનના એક બીટ જમાદાર ઉપર ફોન આવ્યો હતો. વિસનગર પોલીસ સ્ટેશનના બીટ જમાદારને જણાવ્યુ હતું કે, આઠેક મહિના પહેલા પેટલાદમાં ચોરી થઈ હતી તે દાગીના પૈકીની કડીઓ ચોરે વિસનગરના સોનીના એક વેપારીને વેચી છે. પોલીસના નામે ફોન કરનાર છેતરપીંડીનુ ષડયંત્ર રચનાર વ્યક્તિએ સોની વેપારીના દુકાનનુ નામ અને કયા વિસ્તારમાં આવેલી છે તે પણ જણાવ્યુ હતુ.
ચોરીના ગુનાની તપાસ કરવાની હોઈ વિસનગરના આ કોન્સ્ટેબલ ડીસ્ટાફના કોન્સ્ટેબલને સાથે રાખી જણાવેલ સરનામે પહોચતા જે દુકાનનુ નામ બતાવ્યુ હતુ તે દુકાન હતી. વિસનગર પોલીસ સોની વેપારીને મળીને આઠ નવ મહિના પહેલા બે ગ્રામ સોનાની કડીઓ કોઈની પાસેથી ખરીદી હતી કે નહી તેની પુછપરછ કરી હતી. આઠ નવ મહિના પહેલાનો વ્યવહાર કોને યાદ હોય. પરંતુ બે ગ્રામ સોનાની વસ્તુ હોવાથી પોલીસની જંજટમાં પડવુ પડે નહી તે માટે વેપારીએ જણાવ્યુ હતું કે, કડીઓ ખરીદી છેકે નહી તે યાદ નથી. પરંતુ પેટલાદ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો છે તો કોઈ વ્યવહાર થયો હશે. વેપારીએ કડીઓની જગ્યાએ બે ગ્રામ સોનાની રળી આપવા તૈયારી દર્શાવી હતી. સ્થાનિક પોલીસે બીજા દિવસે વેપારીને વિસનગર સીટી પોલીસ સ્ટેશન બોલાવ્યો હતો.
વેપારી ગભરાઈને સોનુ આપવાની તૈયારી બતાવતાજ પેટલાદ પોલીસના નામે ફોન કરનાર વ્યક્તિએ ફોન ઉપર વેપારીનો સીધો સંપર્ક શરૂ કર્યો હતો. જેણે વ્હોટ્‌સએપ ઉપર ચોરાયેલ કડીઓના ફોટા મોકલ્યા હતા. આમ તો આવી તપાસ હોય તો પ્રથમ વિસનગર પોલીસને જાણ કરવાની હોય. જે તપાસની એન્ટ્રી કર્યા બાદ સ્થાનિક પોલીસને કાર્યવાહી કરવાની થાય છે. પેટલાદના ગુનાના કામે વિસનગર પોલીસ સ્ટેશનમાં કોઈ નોંધ નહોતી. પેટલાદ પોલીસના નામે ફોન કરનારે વેપારીને બીજા દિવસે વિસનગર પોલીસ સ્ટેશને મુદ્દામલ લઈને બોલાવ્યો હતો અને એક અજાણ્યા વ્યક્તિને બે ગ્રામ સોનુ આપવા સુચના આપી હતી. ત્યારબાદ કુરીયરમાં સોનાની રળી મોકલવા જણાવ્યુ. વેપારીએ મુદ્દામાલ જમા કરાવે તેની પાવતી માગી. વિસનગર પોલીસે પેટલાદ પોલીસમાંથી ફોન કરનારને ગુનાની વિગત અને વેપારી મુદ્દામાલ આપે તો પાવતી માગી હતી. પોલીસના નામે ફોન કરનાર વ્યક્તિએ મુદ્દામાલ મળી જશે એટલે વ્હોટ્‌સએપ ઉપર પાવતી મોકલવા જણાવ્યુ હતુ. વિસનગર પોલીસને શંકા જતા પેટલાદ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરતા આવી કોઈ તપાસ થતી નહી હોવાની અને પોલીસ સ્ટેશનના કોઈ કર્મચારીએ ફોન કર્યો નથી તેમ જણાવ્યુ હતુ. વિસનગર પોલીસે ફોન કરનારની ઉલટ તપાસ કરતા તેણે ફોન રીસીવ કરવાનુ બંધ કર્યુ હતુ. અગાઉ જે વ્હોટ્‌સએપ કર્યા તેના ડીપીમાં પોલીસ ડ્રેસમાં કર્મચારીનો ડીપી હતો તે પણ બદલી નાખ્યો હતો. આમ વિસનગર પોલીસની સતર્કતાથી વિસનગરનો વેપારી છેતરાતા બચ્યો હતો.
વેપારીની દુકાનનુ નામ અને સરનામુ આપ્યુ હોવાથી છેતરપીંડી કરવા નીકળેલા આ વ્યક્તિ સાથે સ્થાનિક લોકો પણ સંકળાયેલા હોવા જોઈએ. વિસનગર પોલીસે આ બાબતે તપાસ કરી છેતરપીંડી કરતી ટોળકી પકડવી જોઈએ, નહી તો અન્ય કોઈ વેપારી આ ઠગ ટોળકીનો ભોગ બનશે.