Select Page

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીની નિમણુંકમાં મહેસણા જિલ્લાના ગૃપિઝમ તોડી હાંસિયામાં ધકેલાયેલાને સ્થાન

પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ પ્રદેશ કારોબારીની નિમણુંકમાં મહેસણા જિલ્લાના ગૃપિઝમ તોડી હાંસિયામાં ધકેલાયેલાને સ્થાન

ગુજરાત પ્રદેશ ભાજપમા વર્ષોની પરંપરા પ્રમાણે દરેક ભાજપી આગેવાન એવુ વિચારતો હતો કે પ્રદેશ કક્ષાનો ગોડ ફાધર હોય તો જ સારો હોદ્દો કે સારી જગ્યાએ નિમણુંક થાય છે. જેથી પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પછી, કેશુભાઈ પટેલ ગ્રૃપ, અને નરેન્દ્રભાઈ મોદી ગ્રૃપ ચાલુ થયુ હતુ. ત્યારબાદ કોંગ્રેસના દિગ્ગજોનુ ભાજપી કરણ થવાથી ભાજપમા કોંગ્રેસી મુળના આગેવાનોનુ પણ ગ્રૃપિઝમ થયુ હતુ. પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશભાઈ વિશ્વકર્મા આવ્યા કે તુરત જ એક સુચના અપાઈ કે તમામ જિલ્લાઓમાંથી નિમણુક માટે ભલામણો કરવી નહી જેથી હોદ્દેદારોના નામો ફરીથી પ્રદેશમા મોકલાવ્યા હતા. તાજેતરમા તા.૧૯-૧-ર૦ર૬ ના દિવસે પ્રદેશ ભાજપની કારોબારી જાહેર કરાઈ જેમા રાજ્યના અનેક હાંસિયામા ધકેલાઈ ગયેલા ભાજપના વફાદારો ને સ્થાન આપવામા આવ્યું છે.
મહેસાણા જિલ્લામા હજુ પણ કેટલાક આગેવાનોને સખત અન્યાય કરી ઘરમા બેસાડી દેવા ખોટી રીતે બદનામ કરવાના પ્રયાસો સફળ થયા છે ત્યારે કેટલાક આગેવાનો પોતાના સિમિત કાર્યક્ષેત્રમા આજે પણ લોકપ્રિયતા હાંસલ કરી રહ્યા છે. જેની અગાઉ ભાજપ દ્વારા ઈરાદાપુર્વક નોંધ પણ લેવામા આવતી નહોતી તેવા આગેવાનોમા પ્રદેશ કારોબારીની નવી નિમણુંકોથી ખુશીથી લહેર ફેલાઈ છે.
મહેસાણા જિલ્લામાંથી ચાર આગેવાનોના નામ પ્રદેશ ભાજપની કારોબારીમા સમાવેશ કરાયો છે. જેમા ભાજપના પ્રદેશ પ્રવક્તા જયરાજસિંહ પરમારને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા પછી ઘણા લાંબા સમય પછી પ્રદેશ કારોબારીમાં સ્થાન મળ્યુ છે. કોંગ્રેસમાંથી આવેલાને સંગઠનમાં સ્થાન મળ્યાનો પહેલો બનાવ છે. મહેસાણા જિલ્લામા કાર્યકરો માટે સાંસદો, ધારાસભ્યો અને અધિકારીઓ સમક્ષ સંઘર્ષ કરનાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ નિતીનભાઈ સી.પટેલની નિમણુંક કરાઈ છે. સુંઢિયાના વતની તેમજ શિક્ષિત જિલ્લા પંચાયતના સભ્ય ભાવિશાબેન પી.પટેલની મહિલા અગ્રણી તરીકે નિમણુંક કરાઈ છે. રાજ્યમા અનુસુચિત જાતિ નિગમના પૂર્વ ચેરમેન રમેશભાઈ સોલંકીની નિમણૂંક કરાઈ છે. રાજ્યની ૭૯ ભાજપી આગેવાનોની યાદીમા તમામ જ્ઞાતિઓનો સમાવેશ કરી પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માએ ગોડફાધરોની આશા ઉપર હોદ્દો મેળવવાના સપના જોતા ભાજપી આગેવાનોની આશા પર પાણી ફેરવી દીધુ છે.
મહેસાણા જિલ્લામા હજુ પણ કેટલાક શક્તિશાળી આગેવાનોને હાંસિયામા ધકેલી દેવાના પ્રયાસો થયા છે. આવા આગેવાનોની પણ પ્રદેશ ભાજપ પ્રમુખે નોંધ લેવી જોઈએ તેવુ અમારુ માનવુ છે. જેમા વિસનગરના પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ જસુભાઈ પટેલ, સુંઢિયાના પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જે.એલ.પટેલ, છાબલિયાના ઠાકોર સમાજના પ્રતિષ્ઠીત આગેવાન રામાજી ઠાકોર ઉંઝાના ભાજપ અગ્રણી બી.એસ. પટેલ વઘવાડીના પૂર્વ તા.પં.પ્રમુખ ભગુભાઈ ચૌધરી, મહેસાણાના નરેન્દ્રભાઈ શાહ, મહેસાણાના સેવાભાવી સંત જેવુ વ્યક્તિત્વ ધરાવતા મનુભાઈ ચોક્સી સતલાસણા તાલુકાના રાજકારણનો ભોગ બનેલા સુદાસણાના દશરથસિંહ પરમાર પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ તથા સુંઢિયાના વતની કેશુભાઈ પટેલ, કડીના અરવિંદભાઈ નાયક જેવા અનેક આગેવાનો છે કે જેમનો કોઈ ગોડફાધર ન હોવાથી હાંસિયામા ધકેલાઈ ગયા છે.