બોર્ડની પરીક્ષાનો સમય હોવાથી રાત્રે ડીજે બંધ કરાવવા ગયા હતા પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી ઉપર હુમલો
મોડી રાત સુધી ડીજેના ઘોઘાટથી બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના વાલીઓને અભ્યાસમાં ખલેલ પડવાની ચિંતા સતાવી રહી છે. ત્યારે પોલીસ અવાજ પ્રદુષણના કાયદાનુ પાલન નહી કરતા વિદ્યાર્થીઓના હિતમાં લોકોને રજૂઆત કરવા જવુ પડે છે અને ઘર્ષણનો ભોગ બનવુ પડે છે. વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ ગોવિંદભાઈ ગાંધી રાત્રે ભૂતનાથ મહાદેવના મંદિરમાં લગ્ન પ્રસંગે વાગતુ ડીજે બંધ કરાવવા જતા તેમના ઉપર હુમલો થતા આ બનાવમાં ચાર વિરુધ્ધ ગુનો નોંધાયો હતો. સીટી પી.આઈ. કે.બી.પટેલ સિવિલ હોસ્પિટલમાં નિવેદન લેવા આવ્યા ત્યારે ઉપસ્થિત લોકોમાં એકજ લાગણી હતી કે મોડી રાત સુધી શહેરમાં કોઈપણ જગ્યાએ સ્પીકર વાગવા જોઈએ નહી. લોકોની રજૂઆતને માન આપી પી.આઈ.એ કાયદાનુ કડક પાલન થશે તેવુ આશ્વાસન આપ્યુ હતુ.
વિસનગર પાલિકાના પૂર્વ પ્રમુખ આશીષ સોસાયટીમાં રહેતા પટેલ ગોવિંદભાઈ જોઈતારામ ગાંધી ભાથી ટીંબા ઠાકોરવાસ પાસે આવેલ ભૂતનાથ મહાદેવના મંદિરનો વહીવટ કરે છે. આ મંદિરમાં તા.૧૭-૨-૨૬ ની રાત્રે મોટા અવાજે સ્પીકર વાગતા હોવાથી સોસાયટીના આશીષભાઈ મણીલાલ પટેલ ેતથા સચીનકુમાર હસમુખલાલ પટેલે ગોવિંદભાઈ ગાંધીને જણાવ્યુ હતું કે ડી.જે વાગવાથી ધો.૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ ડીસ્ટર્બ થઈ રહ્યા છે. મંદીરના કમ્પાઉન્ડમાં ભાથી ટીંબા ઠાકોરવાસમાં રહેતા અશોકજી બાબુજી ઠાકોરના દીકરા અને દીકરીના લગ્ન પ્રસંગે રાસ-ગરબાનો કાર્યક્રમ હતો. સોસાયટીના લોકોની રજૂઆતથી મંદિરનો વહીવટ કરતા હોવાથી ગોવિંદભાઈ ગાંધી તથા તેમના પત્ની રમીલાબેન પટેલ બન્ને ડી.જે બંધ કરાવવા ગયા હતા. અશોકજી ઠાકોરને બોલાવી બોર્ડના વિદ્યાર્થીઓના અભ્યાસમાં ખલેલ પડતી હોઈ ડી.જે બંધ કરવાનુ કહેતાજ ઉશ્કેરાઈ જઈને અશોકજી ઠાકોર બાજુમાંથી લોખંડની પાઈપ લઈ આવી હુમલો કર્યો હતો. પાઈપ વાગતા ગોવિંદભાઈ ગાંધીના માથામાં ગંભીર ઈજા થઈ હતી. અન્ય લોકો ઉપરાણામાં આવીને ગોવિંદભાઈ ગાંધીના પત્નીને પણ ગડદાપાટુનો માર માર્યો હતો. હોબાળો થતા સોસાયટીના આશીષભાઈ મણીલાલ પટેલ અને જયેશભાઈ ડાહ્યાભાઈ પટેલ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા.
ગોવિંદભાઈ ગાંધીના માથામાંથી લોહી નીકળતુ હોઈ તેમને રાત્રે વિસનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન માથામાં ચાર ટાંકા આવ્યા હતા. બીજા દિવસ સવારે જાણ થતા મોટી સંખ્યામાં લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જેમની રજૂઆત હતી કે મોડી રાત સુધી કોઈપણ સ્પીકર વાગવા જોઈએ નહી. ગોવિંદભાઈ ગાંધીની ફરિયાદ આધારે પોલીસે અશોકજી બાબુજી ઠાકોર, બાબુજી ઠાકોર, ચિરાગ અશોકજી ઠાકોર તથા અશોકજી ઠાકોરની પત્ની વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.